રાજ્યસભામાં ભાજપના 3 અને ગુજરાત કોંગ્રેસના છેલ્લાં સાંસદ શક્તાસિંહ ગોહિલ 21 જૂને થશે નિવૃત્ત
(અમારા પ્રતિનિધિ તરફથી) અમદાવાદ, તા.6 : છેલ્લાં કેટલાક વર્ષોથી કોંગ્રેસ મુક્ત ભારતની ચર્ચા થઈ રહી છે. આ ચર્ચા વચ્ચે રાજ્યસભા ગુજરાત કોંગ્રેસ મુક્ત થવાની છે. 21 જૂનના રોજ રાજ્યસભામાં ગુજરાત કોંગ્રેસના છેલ્લાં સાંસદ શક્તાસિંહ ગોહિલ નિવૃત્ત થઈ રહ્યા છે. ગુજરાત કોંગ્રેસ પાસે રાજ્યસભાની ચૂંટણી લડવા માટે પૂરતું સંખ્યાબળ નહી હોવાથી હવે એકપણ સાંસદ રાજ્યસભામાં ચૂંટાશે નહી. તેથી ગુજરાતમાંથી રાજ્યસભામાં કોંગ્રેસનું પ્રતિનિધિત્વ ન હોય તેવો ઈતિહાસ પ્રથમ વખત લખાવા જઈ રહ્યો છે.
ગુજરાતની 4 સહિત દેશની રાજ્ય સભાની 26 બેઠકોની મુદત જૂન મહિનામાં પૂર્ણ થઈ રહી છે. નવા સાંસદો ચૂંટવા માટે એકાદ મહિનામાં ચૂંટણીનું એલાન થાય તેવી શક્યતા છે. મે નાં ઉતરાર્ધ અથવા જૂનના પ્રારંભે ચૂંટણી થાય તેવી સંભાવના છે. ગુજરાતમાંથી 4 સાંસદો નિવૃત્ત થશે. જેમાં ભાજપના નરહરિ અમીન, રામ મોકરીયા, રમીલાબેન બારા અને કોંગ્રેસના શક્તાસિંહ ગોહિલનો સમાવેશ થાય છે. તેમની રાજ્યસભાના સભ્ય તરીકેની મુદત 21 જૂન સુધીની છે. ભાજપ ત્રણેય સાંસદમાંથી કોઈને રિપીટ કરે તેવી શકયતા નહિંવત છે. જો કે, ચારેય બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ ચૂંટાય તેવા સ્પષ્ટ સંજોગો છે કેમ કે, કોંગ્રેસ પાસે રાજયસભાની ચૂંટણી લડવા માટે પૂરતું સંખ્યાબળ નથી. ગુજરાતમાંથી રાજયસભામાં કોંગ્રેસનું પ્રતિનિધિત્વ જ ન હોય તેવું પ્રથમ વખત બનશે.
ગુજરાતની સ્થાપના થયાના 66 વર્ષ બાદ પ્રથમ વખત એવું બનશે કે આગામી સમયમાં ગુજરાતમાંથી રાજ્યનસભામાં કોંગ્રેસનું પ્રતિનિધિત્વ જ નહીં રહે. હાલમાં વિધાનસભામાં કોંગ્રેસના માત્ર 12 ધારાસભ્યો છે તેથી કોંગ્રેસ રાજ્યસભાની ચૂંટણીમાં ઉમેદવાર મૂકવા સક્ષમ નથી. તેથી ચારેય સભ્યો ભાજપના જ ચૂંટાશે. મહત્વનું છે કે, રાજ્ય સભામાં ગુજરાતની કુલ 11 બેઠકો છે. હાલમાં ભાજપમાંથી કેન્દ્રીય મંત્રીઓ જે.પી.નડ્ડા અને એસ જયશંકર ગુજરાતનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતના મયંક નાયક, દક્ષિણ ગુજરાતના ગાવિંદ ધોળકિયા, મધ્ય ગુજરાતના જશવંતાસિંહ પરમાર, ઉત્તર ગુજરાતના બાબુ દેસાઈ, સૌરાષ્ટ્રના કેસરીદેવાસિંહ ઝાલા ગુજરાતનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે.
ગુજરાત બહારથી બે સાંસદો હોવાથી હવે બહારના કોઈને ગુજરાતમાંથી રાજ્યસભામાં લઈ જવામાં આવે તેવી શકયતા ઓછી છે. ભાજપ જ્ઞાતિ સમીકરણ, ભૂગોળ વગેરે ધ્યાને રાખી નવી પસંદગી કરતું હોય છે. ભાજપ અનેક વખત આશ્ચર્યજનક નામોની પસંદગી કરી ચૂક્યું છે. ગુજરાતના ત્રણ સાંસદો કેસરીદેવાસિંહ ઝાલા, બાબુ દેસાઇ અને એસ. જયશંકર ઓગષ્ટ, 2029માં નિવૃત્ત થશે.
રાજ્યસભાની ચાર બેઠકો માટે 144 સભ્યોના સંખ્યાબળની જરૂર હોય છે. ભાજપ પાસે 162 ધારાસભ્યો છે. રાજ્યસભાની યોજાનાર ચૂંટણીમાં પ્રત્યેક ધારાસભ્યના મતનું મૂલ્ય 100 પોઈન્ટનું છે. ગુજરાત વિધાનસભામાં કુલ 182 ધારાસભ્યોમાંથી ભાજપના 162, કોંગ્રેસનાં 12, અઅઙના 04, સમાજવાદી પાર્ટીના 01 તેમજ અપક્ષના 02 ધારાસભ્યો છે.
દર 2 વર્ષે 250 માંથી 1/3 સાંસદોની ચૂંટણી
ભારતીય બંધારણ પ્રમાણે રાજ્યસભાનાં 250 સભ્યો છે. જેમાં ગુજરાતમાંથી 11 સભ્યો ગુજરાતનું પ્રતિનિધિત્વ કરે છે. રાજ્યસભાનું ક્યારેય વિસર્જન નથી થતું. જ્યારે એક સાથે ચુંટણી પણ થતી નથી. રાજ્યસભાનું માળખું એ રીતે નક્કી કરાયું છે કે દર 2 વર્ષે 250 માંથી 1/3 સાંસદોની ચુંટણી યોજાય છે. રાજ્યસભાના સાંસદોની મુદ્દત 6 વર્ષની હોય છે.