ઇંધણ પૂરતું હોવાની સરકારી ધરપત વચ્ચે પેટ્રોલમાં 87 પૈસા, ડીઝલમાં 91 પૈસા, સીએનજીમાં એક રૂપિયો વધ્યા
નવીદિલ્હી,તા.23:
છેલ્લા 10 દિવસમાં મોંઘવારીનો ત્રીજો હુમલો થયો છે. આજે વધુ એકવાર પેટ્રોલ, ડીઝલ અને
સીએનજીનાં ભાવમાં ધીમા ઝેર જેવો વધારો કરી નાખવામાં આવ્યો છે. જેમાં પેટ્રોલમાં 0.87
રૂપિયા, ડીઝલમાં 0.91 રૂપિયા અને સીએનજીમાં 1 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.
આ વધારો
આજે 23મી મેનાં સવારે 6 વાગ્યાથી લાગુ કરવામાં આવ્યો છે. છેલ્લા 10 દિવસમાં ઈંધણનાં
ભાવમાં આ ત્રીજો વધારો છે. આ પહેલા 1પમી મે અને 19મી મેનાં રોજ ઓઈલ કંપનીઓ દ્વારા પેટ્રોલ-ડીઝલનાં
ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો. જ્યારે સીએનજીનાં ભાવમાં 1પ અને 17મી મેનાં રોજ વધારો
થયો હતો.
ઈરાન-અમેરિકાનાં
યુદ્ધમાં હોર્મુઝ જળમાર્ગ બંધ થતાં દુનિયાભરમાં ઈંધણની કટોકટી સર્જાયેલી છે અને તેનું
દબાણ ભારતમાં પણ હવે શરૂ થઈ ગયું છે. પેટ્રોલમાં એક્સાઈઝ ડયૂટી 13 રૂપિયાથી ઘટાડીને
3 રૂપિયા અને ડીઝલમાં 10 રૂપિયાથી ઘટાડીને શૂન્ય કરી નાખવામાં આવ્યા બાદ પણ ઓઈલ માર્કેટિંગ
કંપનીઓ ઉપર દબાણમાં જરાય ઘટાડો થયો નથી કારણ કે ક્રૂડ ઓઈલનાં ભાવ ભડકે બળી રહ્યાં છે.
હવે
ભારતમાં પેટ્રોલ-ડીઝલ અને ગેસનાં ભાવમાં વધારો થતાં પરિવહન, ફળ અને શાકભાજી, રાશન સહિત
રોજિંદા વપરાશની ચીજોમાં પણ મોંઘવારીની અસરો આવવાની શરૂઆત થશે. જેને પગલે આવનારા દિવસોમાં
મોંઘવારીનો ચોતરફી હુમલો થવાનું નિશ્ચિત છે.
પેટ્રોલ-ડીઝલ
અને સીએનજીનાં આજનાં ભાવ વધારા પછી વિપક્ષે સરકાર ઉપર હુમલો બોલાવ્યો હતો. કોંગ્રેસનાં
અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ સરકાર ઉપર આક્રમણ કરતા કહ્યું હતું કે, જનતાની કમાણીને
હપ્તાવાર લૂંટવામાં આવી રહી છે. જ્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં ઓઈલનો ભાવ ઓછો હતો ત્યારે
જનતાને રાહત આપવાનાં બદલે સરકારે ટેક્સ વધારીને બોજ જનતા ઉપર નાખેલો. હવે યુદ્ધની હાલતમાં
દુનિયાનાં અનેક દેશોએ પોતાનાં નાગરિકોને રાહત મળે તેવા પગલા લીધા છે ત્યારે બીજીબાજુ
ભારતમાં ભાજપની સરકાર સતત ભાવમાં વધારા કરીને આમ જનતાનાં ખિસ્સા ઉપર બોજ અને ચોટ આપી
રહી છે.
દિલ્હીમાં
પેટ્રોલના ભાવ 99.51 રૂપિયા અને ડીઝલની કિંમત 92.49 રૂપિયા થઇ ગઇ છે. નવ દિવસમાં ડીઝલ
પાંચ રૂપિયા મોંઘું થઇ ગયું છે.
આશ્ચર્યની
વાત એ છે કે, તાજેતરમાં જ દેશના પેટ્રોલિયમ તેમજ પ્રાકૃતિક ગેસ મંત્રાલયે જનતાને ભરોસો અપાવ્યો હતો કે, દેશમાં ઇંધણની કોઇ
અછત નથી.
મંત્રાલયે
કહ્યું હતું કે, આખા દેશમાં પેટ્રોલ અને ડીઝલ પૂરતાં પ્રમાણમાં ઉપલબ્ધ છે. પુરવઠાની
પણ સ્થિતિ સ્થિર છે.
અફવાઓ
પર ધ્યાન ન આપીને માત્ર જરૂર હોય તેટલું જ ઇંધણ ખરીદવાની અપીલ સરકારે કરી હતી.
વડાપ્રધાન
નરેન્દ્ર મોદીની ઇંધણ બચતની અપીલ બાદથી ઇંધણ ભાવમાં ભડકાનાં પગલે ખેતીનો ખર્ચ, પરિવહન,
અનાજની કિંમતોમાં પણ વધારો થવા માંડયો છે.