એસી, કૂલર જેવા ઉપકરણોનો સંયમથી ઉપયોગ કરવા સરકારની અપીલ: બપોરે 2થી 4માં પાવર ગ્રિડ હાંફી જવાનો ખતરો, વીજકાપની ભીતિ
નવી
દિલ્હી, તા.23: ભારત ભયાનક હીટવેવની ચપેટમાં છે અને દુનિયાનાં સૌથી ગરમ શહેરોમાં લગભગ
તમામ શહેરો ભારતનાં છે. તમામ રેકોર્ડ તોડતી આ કાળઝાળ ગરમીનાં કારણે દેશમાં વીજળીની
માગ અને ખપતમાં પણ તમામ જૂના વિક્રમો તૂટી રહ્યાં છે. જેમાં મે મહિનામાં સર્વોચ્ચ વીજ
માગ 270 ગીગાવોટનાં ઐતિહાસિક આંકડાને પણ પાર કરી ગઈ છે. જેનાં હિસાબે પાવર ગ્રિડ ઉપર
અતિરિક્ત ભારણથી વીજકાપનો ખતરો પણ ભમવા લાગ્યો છે. જેને ધ્યાને રાખતા કેન્દ્ર સરકારે
નાગરિકોને એસી અને કૂલર જેવા ગરમીમાંથી રાહત આપતાં ઉપકરણોનો પણ સંયમપૂર્વક ઉપયોગ કરવાની
અપીલ કરી છે.
તીવ્ર
તાપ અને લૂની લહેરોથી બચવા માટે દેશમાં કૂલિંગ-વાતાનુકુલન ઉપકરણોનો વપરાશ પણ ચરમ ઉપર
પહોંચી ગયો છે. જેને પગલે દેશમાં વીજખપતનાં જૂના તમામ રેકોર્ડ પણ પરસેવાની જેમ નીતરવા
લાગ્યાં છે. તેમાં પણ છેલ્લા ચાર દિવસોમાં વીજમાગનાં નવા વિક્રમોનો ખડકલો થઈ ગયો છે.
કેન્દ્રીય
વિદ્યુત પ્રાધિકરણ(સીઈએ) અને ઊર્જા મંત્રાલયનાં તાજેતરનાં આંકડાઓ અનુસાર તા. 21 મે
2026નાં રોજ બપોરે 3.47 કલાકે વીજળીની માગ સર્વોચ્ચ શિખરે પહોંચી ગઈ હતી. સરકારનું
અનુમાન હતું કે, આ વર્ષમાં સર્વાધિક વીજમાગ 271 ગીગાવોટ સુધી પહોંચી શકે છે પણ મે માસનાં
આંકડા આ ખતરાનાં નિશાનની ખુબ જ નજીક પહોંચી ગયા છે.
તેમ
છતાં ઉર્જા મંત્રાલયે આશ્વાસન પણ આપ્યું છે કે, દેશમાં કોલસાનો પૂરતો સ્ટોક મોજૂદ છે
અને વીજળીની કોઈ કમી નથી. કોલસાનો સ્ટોક 51.12 મિલિયન ટન જેટલો છે. જો કે પીક અવર્સ
એટલે કે વ્યસ્ત સમયમાં અચાનક આવી પડતા દબાણને ઓછું કરવા માટે નાગરિકોનાં સહયોગની પણ
આવશ્યકતા છે. બપોરે 2થી 4 દરમિયાન વીજળીની માગ સર્વાધિક હોય છે. તેથી આ સમયમાં એસી
અને કૂલર જેવા ઉપકરણોનો સંયમપૂર્વક ઉપયોગ હિતાવહ બની જાય છે.