• ગુરુવાર, 21 સપ્ટેમ્બર, 2023

રેવાના પાણી ચાંદોદ, અંકલેશ્વરમાં પહેલા માળે પહોંચ્યા નર્મદાનું રૌદ્ર સ્વરૂપ : ભરૂચમાં ભારે ખાનખરાબી સર્જાઈ

કરજણના વ્યાસ બેટમાં ફસાયેલી 12 વ્યક્તિને હેલીકોપ્ટર ન ઉડતા આર્મી જવાનોએ બોટથી બચાવ્યા

ઉકાઈ ડેમમાંથી પાણી છોડવામાં આવતા હાલ તાપી નદી બે કાંઠે

ઉત્તર ગુજરાતમાં આજે રેડ એલર્ટ

સુરત તા. 18 : શ્રાવણ મહિનો આખો કોરો ધાકડ ગયા બાદ હવે રાજ્યમાં ભર ભાદરવે અષાઢી જેવો માહોલ જોવા મળ્યો છે. ઓગસ્ટ કોરોધાકોર રહ્યા બાદ સપ્ટેમ્બરમાં વરસાદે હેલી બોલાવી છે. છેલ્લા બે દિવસથી રાજ્યમાં ભરપૂર વરસાદ વરસી રહ્યો છે. રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમની સપાટી જેમ વધી તેમ તબાહીના દૃશ્યો પણ વધ્યા છે. નર્મદાની જળસપાટી 138.68 મીટર પર પહોંચતા ભરૂચમાં નીચાણવાળા અને રાજમાર્ગો પર ભારે ખાનાખરાબી સર્જાઈ છે. ભરૂચમાંથી પસાર થતા નર્મદા પરનો ગોલ્ડન બ્રીજ પર પાણી 40.47 ફૂટની ઊંચાઈ પરથી સ્પર્શીને પરત ફર્યા છે. ગઈકાલથી જ નર્મદામાં ઘોડાપૂર આવતા ભરૂચના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાના શરૂ થયા હતા. વહીવટીતંત્રએ આગમચેતી રાખી બચાવ અને રાહતનું કાર્ય શરૂ કરતાં મોટી જાનહાની ટળી છે. નર્મદા નદી બે કાંઠે થતાં ચાણોદ અને અંકલેશ્વરની કેટલીક સોસાયટીમાં ઘરના પહેલા માળ સુધી મા રેવાના પાણીમાં આવતા લોકોમાં ભારે ગભરાટ ફેલાઇ હતી. હવામાન વિભાગની આગાહી અનુસાર ઉતર ગુજરાતમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે તો અમદાવાદ, ગાંધીનગરમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

નર્મદાના ઉપરવાસમાં ભારે વરસાદ નોંધાતા ડેમમાંથી છોડવામાં આવતા 19 લાખ ક્યુસેક પાણીને કારણે ભરૂચ અને નર્મદા જિલ્લામાં તારાજી સર્જાઈ છે. સરદાર સરોવર ડેમની મોડી સાંજની સ્થિતિ સપાટી 138.68એ સ્થિર છે. ડેમમાં યથાવત 6.12 લાખ ક્યુસેક પાણીની આવક છે અને 5.95 લાખ ક્યુસેક પાણીની જાવક છે. ગરૂડેશ્વરનું પાણીનું લેવલ 26.15 મીટર છે તો ગોલ્ડન બ્રીજ પર નર્મદાનું લેવલ 34.83 ફૂટ છે. વહેલી સવારે નર્મદા ગોલ્ડન બ્રીજ પર 40.47 ફૂટ પરની સપાટી પર પહોંચી હતી. 

નર્મદામાં ભારે પૂર આવતા કિનારે આવેલાં ગામો પાણીના ડુબાણમાં ગયાં છે. અંકલેશ્વરના છાપરા, બોરભાઠા બેટ, કાશિયા, સરફુદીન, ખાલપિયા ગામમાં પાણી ફરી વળ્યાં છે તેમજ હાંસોટ માર્ગ પર આવેલી અનેક સોસાયટીઓમાં પણ પહેલા માળ સુધી નર્મદા નદીનાં પાણી પહોંચ્યાં હોવાનું જાણવા મળ્યું છે. મોટી માત્રામાં જનજીવનને અસર પહોંચી છે. મકાનોમાં ફસાયેલા લોકોમાં ભયનો માહોલ છે. 

નર્મદાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા ચાંદોદ, કરનાળી અને નંદેરીયા ગામોમાં પાણી ઘૂસી ગયા હતા. નર્મદા ગાંડીતૂર બની હતી. અગાઉ પણ ચાંદોદ પંથકમાં પુષ્કર પાણી ભરાઈ જવાના બનાવો સામે આવ્યા હતા અનેચાંદોદના પ્રવેશ દ્વારના ચાર રસ્તા સુધી પાણી ભરાયા હતા. અગાઉ વર્ષ 1994, 2013માં ચાંદોદમાં ભયંકર પૂરની સ્થિતિ સર્જાઈ હતી. આજે વધુ એક વખત નર્મદા ગાંડીતૂર થતા ચાંદોદમાં ભારે ખાનાખરાબી થઈ છે. સમગ્ર ચાંદોદ અને કરનાળી પંથકમાં વાહનોની જગ્યાએ નાવડીઓ ફરતી જોવા મળી છે. ફસાયેલા લોકોને બહાર કાઢવા તંત્રએ ભારે કવાયત હાથ ધરી છે. ચાંદોદ પંથકમાં વહીવટીતંત્રએ એલર્ટ જાહેર કર્યું છે. જો કે મોડી સાંજે પાણીનો પ્રવાહ ઘટ્યો હોવાનું જાણવા મળ્યું છે. ડભોઈના નાયબ કલેકટર અને તાલુકા વિકાસ અધિકારી સહિતનાં અધિકારીઓની ટીમે ચાંદોદની મુલાકાત લીધી હતી . 

ઉકાઈ ડેમમાંથી પાણી છોડવામાં આવતા હાલ તાપી નદી બે કાંઠે વહી રહી છે. ઉકાઈ ડેમના ઉપરવાસમાં આવેલા હથનુર અને પ્રકાશા ડેમમાં અવિરત પાણીની આવકને પગલે આ બંને ડેમમાંથી ક્રમશ: 2 લાખ અને 60 હજાર કયુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જેની સીધી અસર તાપી નદીની સપાટી પર જોવા મળી રહી છે. હાલમાં ઉકાઈ ડેમની સપાટી 343 ફૂટને વટાવી ચુકી છે. અને 2.27 લાખ કયુસેકની આવક સામે 2.97 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જેને પગલે તાપી નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે.

કરજણ તાલુકામાં નર્મદા નદીની વચ્ચે આવેલા વ્યાસ બેટ ખાતે પૂરના પાણીમાં ફસાયેલા 12 વ્યક્તિને સેનાની મદદથી બચાવી લેવામાં આવી છે. ખરાબ વાતાવરણના કારણે વાયુસેના કે કોસ્ટગાર્ડના હેલીકોપ્ટર ઉડાન ના ભરી શકવાના કારણે આર્મી દ્વારા સ્થાનિક બોટ મંગાવી 24 કલાક બાદ પરિવારનું રેસ્ક્યુ કરવામાં સફળતા મળી હતી. 

મોડાસા: અરવલ્લી જીલ્લામાં શનિવારે સવારે ધીમીધારે વરસાદના આગમન પછી રાત્રીથી મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા જીલ્લામાં પાણી પાણી થઈ ગયું હતું. બાયડ પંથકમાં 24 કલાકમાં 11 ઇંચથી વધુ વરસાદ ખાબકતા બાયડ શહેર સહીત ગામડાઓમાં નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઇ ગયા હતા. અનેક લોકોને તંત્ર દ્વારા સલામત સ્થળે ખસેડવા પુરજોશમાં કાર્યવાહી હાથધરી હતી.