• શનિવાર, 10 જૂન, 2023

નવી સંસદના ઉદ્ઘાટનનો વિવાદ સુપ્રીમ કોર્ટમાં  

 

અરજીમાં રાષ્ટ્રપતિના હસ્તે ઉદ્ઘાટન કરાવવા આદેશની માગ

નવી દિલ્હી, તા.રપ : નવી સંસદ ભવનનાં ઉદ્ઘાટનનો વિવાદ હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. એક અરજી દ્વારા માગ કરવામાં આવી છે કે નવી સંસદનું ઉદ્ઘાટન રાષ્ટ્રપતિના હસ્તે કરાવવા આદેશ આપવામાં આવે.

તા.ર8મીને રવિવારે નવી સંસદનું ઉદ્ઘાટન વડાપ્રધાન મોદીના હસ્તે પ્રસ્તાવિત છે તેવા સમયે વકીલ સીઆર જયા સુકિને સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરી રજૂઆત કરી કે કોર્ટ લોકસભા સચિવાલયને આદેશ આપે કે ઉદ્ઘાટન રાષ્ટ્રપતિના હસ્તે જ થવું જોઈએ. વકીલે 18મી મેના લોકસભાના સેક્રેટરી જનરલનાં નિવેદનને ટાંક્યું જેમાં જણાવાયું હતું કે વડાપ્રધાન નવી સંસદનું ઉદ્ઘાટન કરશે. અરજીમાં વધુમાં કહેવામાં આવ્યું કે નવી સંસદનું ઉદ્ઘાટન વડાપ્રધાન કરે તે બંધારણનો ભંગ છે અને રાષ્ટ્રપતિને જ ઉદ્ઘાટન કરવા બોલાવવા જોઈએ.

અરજદારે જણાવ્યું કે બંધારણના આર્ટિકલ 79 અનુસાર સંસદનો અર્થ જ બન્ને ગૃહ અને રાષ્ટ્રપતિથી છે. ત્રણેયથી જ સંસદ બને છે. આ રીતે રાષ્ટ્રપતિ સંસદનું અભિન્ન અંગ છે અને તેના કસ્ટોડિયન છે. રાષ્ટ્રપતિ દેશના પ્રથમ નાગરિક છે જે સંસદ સત્ર બોલાવે છે અને તેને સમાપ્ત કરે છે. તેઓ જ વડાપ્રધાન અને કેબિનેટને શપથ લેવડાવે છે. કોઈ ખરડો મંજૂર થાય તો તે રાષ્ટ્રપતિને નામે જ  હોય છે. આવામાં નવી સંસદના ઉદ્ઘાટનમાં રાષ્ટ્રપતિને જ ન બોલાવવા એ તેમનું અપમાન છે અને બંધારણનો ભંગ છે.

---------------

20 પક્ષોના બહિષ્કાર

સામે ભાજપનાં સમર્થનમાં આવ્યા 25 પક્ષ

નવીદિલ્હી, તા.2પ: નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન રાજકારણનો અખાડો બની ગયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં હસ્તે ઉદ્ઘાટનનાં આયોજનનો વિરોધ કરીને કોંગ્રેસે કાર્યક્રમનાં બહિષ્કારની ઘોષણા કરી છે અને અન્ય 20 દળોએ પણ તેનો સાથ આપ્યો છે. બીજીબાજુ 2પ પક્ષો ભાજપનાં સમર્થનમાં પણ આવી ગયા છે.

બહિષ્કારની જાહેરાત કરનારા વિપક્ષી દળોનું કહેવું છે કે, ભાજપ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનાં હસ્તે નવી સંસદનું ઉદ્ઘાટન નહીં કરાવીને તેમનાં પદનું અપમાન કરી રહ્યો છે. સંસદનાં ઉદ્ઘાટન મુદ્દે સર્જાયેલા રાજકીય ઘમસાણમાં એનડીએ વિરુદ્ધ યુપીએ

તો છે જ પણ અમુક વિપક્ષી દળ પણ ભાજપનાં સમર્થનમાં આવી ગયા છે.

જે 25 પક્ષ ભાજપનાં સમર્થનમાં આવ્યા છે તેમાં શિવસેના (શિંદે જૂથ), એનપીપી, એનડીપીપી, સિક્કિમ ક્રાંતિકારી મોરચા, રાષ્ટીય લોક જનશક્તિ પાર્ટી, અપનાદલ, રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયા, તમિલ મનીલા કોંગ્રેસ, અન્નાદ્રમુક, આજસૂ(ઝારખંડ), મિજો નેશનલ ફ્રંટ, વાયએસઆરસીપી, ટીડીપી, બીજેડી અને શિરોમણી અકાલી દળ સહિતનો સમાવેશ થાય છે.