-બીજા વર્ષે પણ સુરત જિલ્લાનું સૌથી વધુ 76.45 ટકા પરિણામ, મોરબી દ્વિતીય: સૌથી ઓછું દાહોદનું 40.75 ટકા પરિણામ
-કન્યાઓએ બાજી મારી, કુમાર કરતાં 11 ટકા વધુ પરિણામ
-6111 વિદ્યાર્થીઓએ અ1 ગ્રેડ મેળવ્યો, ગત વર્ષે 12090 હતા : બેઝિક ગણિતમાં 1.96 લાખ વિદ્યાર્થી નાપાસ
અમદાવાદ, તા.25: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનું ધોરણ-10નું પરિણામ 64.62 ટકા જાહેર કરવામાં આવ્યું છે. જે ગત વર્ષની સરખામણીમાં 0.56 ટકા નીચું છે. ગત વર્ષે ધોરણ 10માં કુલ વિદ્યાર્થીઓનું પરિણામ 65.18% પરિણામ આવ્યું હતું. જેમાં આ વર્ષે પણ ફરી સુરતે બાજી મારી છે. સુરત જિલ્લાનું સૌથી વધુ પરિણામ 76.45 ટકા છે. ત્યારે મોરબી જિલ્લો 75.43 ટકા સાથે બીજા નંબરે આવ્યો છે. જ્યારે સૌથી ઓછું પરિણામ દાહોદ જિલ્લાનું 40.75 ટકા આવ્યું છે. ગત વર્ષે 2022માં પણ સૌથી વધુ પરિણામ ધરાવતા જિલ્લામાં સુરતે બાજી મારી હતી.
કેન્દ્ર પ્રમાણે જોઇએ તો, સૌથી વધુ પરિણામ 95.92 ટકા ધરાવતું કેન્દ્ર બનાસકાંઠા જિલ્લાનું કુંભારિયા કેન્દ્ર છે જ્યારે સૌથી ઓછું પરિણામ 11.94 ટકા ધરાવતું કેન્દ્ર નર્મદા જિલ્લાનું ઉતાવળી કેન્દ્ર છે. બેઝિક ગણિતમાં 1.96 લાખ વિદ્યાર્થી નાપાસ થયા છે.
આ વર્ષે ગુજરાત બોર્ડની ધોરણ-10ની પરિક્ષા કુલ 958 કેન્દ્ર પરીક્ષા યોજવામાં આવી હતી. જેમાં કુલ 9.50 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા બેઠા હતા. જેમાં નિયમિત વિદ્યાર્થીઓની સંખ્યા 734898 હતી, જ્યારે પુનરાવર્તિત વિદ્યાર્થીઓની સંખ્યા 158623 હતી. ઉપરાંત 3791 દિવ્યાંગ વિદ્યાર્થીઓ તેમજ 101 જેલના કેદીઓએ પણ પરીક્ષા માટે નોંધણી કરાવી હતી. આ વર્ષના પરિણામ છોકરીઓએ બાજી મારી છે. છોકરાઓના પરિણામ કરતાં 11 ટકા પરિણામ છોકરીઓનું વધુ છે. છોકરીઓનું 70.62 ટકા પરિણામ છે જ્યારે છોકરાઓનું માત્ર 59.58 ટકા જ પરિણામ આવ્યું છે. આ વર્ષે 399267 છોકરાઓ અને 335630 છોકરીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી 237865 છોકરાઓ પરીક્ષામાં પાસ થયા છે, જ્યારે 237028 છોકરીઓ પાસ થઈ છે.
---------
ક્યાં જિલ્લાનું કેટલું પરિણામ ?
ધોરણ 10 એસએસસી બોર્ડના પરિણામમાં સુરત જિલ્લો 76.45 ટકા પરિણામ સાથે પ્રથમ સ્થાને અને મોરબી જિલ્લો 75.43 ટકા સાથે બીજા નંબરે આવ્યો છે ત્યારે અન્ય જિલ્લાઓની વાત કરીએ તો બોટાદનું 73.39 ટકા, રાજકોટ જિલ્લાનું 72.74 ટકા, ભાવનગર જિલ્લાનું 69.70 ટકા, જામનગર જિલ્લાનું 69.65 ટકા, સુરેન્દ્રનગર જિલ્લાનું 69.42 ટકા, કચ્છ જિલ્લાનું 68.71 ટકા, ગાંધીનગર જિલ્લાનું 68.25 ટકા, દેવભૂમિ દ્વારકા જિલ્લાનું 67.29 ટકા, ડાંગનું (આહવા)જિલ્લાનું 66.92 ટકા પરિણામ આવ્યું છે.
-------------
0 ટકા પરિણામ લાવતી શાળા વધી 100 ટકા પરિણામ લાવતી શાળા ઘટી
આ વર્ષે 0 ટકા પરિણામ લાવનારી શાળાઓની સંખ્યામાં ગત વર્ષ કરતાં વધારો થયો છે. સાથે જ 100 ટકા પરિણામ ધરાવતી શાળાઓમાં ઘટાડો, જ્યારે 30 ટકા કરતાં ઓછું પરિણામ લાવનારી શાળાઓની સંખ્યામાં વધારો થયો છે. 30 ટકાથી ઓછું પરિણામ ધરાવતી શાળાઓ 2022માં 1007થી વધીને આ વર્ષે 1084 થઈ ગઈ છે. 100 ટકા પરિણામ ધરાવતી શાળાઓ 2022માં 294 થી ઘટીને આ વર્ષે 272 થઈ ગઈ છે જ્યારે 0 ટકા પરિણામ ધરાવતી શાળાઓ 2022માં 121 હતી તે વધીને આ વર્ષે 157 થઇ છે.