• મંગળવાર, 28 નવેમ્બર, 2023

પાંચ રાજ્યની ચૂંટણીમાં પાણીની જેમ વહેતો પૈસો  

અત્યાર સુધીમાં 1760 કરોડની રોકડ, સામાન જપ્ત : ચૂંટણી પંચ

 

રાજસ્થાન, એમપી સહિતનાં પાંચ રાજ્યોમાં ગત ચૂંટણી કરતા સાત ગણી વધારે જપ્તી

 

આનંદ કે. વ્યાસ

નવી દિલ્હી, તા. 20 : છત્તીસગઢ, રાજસ્થાન, તેલંગણ, મધ્યપ્રદેશ અને મિઝોરમમાં સ્વતંત્ર અને નિષ્પક્ષ મતદાન કરાવવા માટે અવૈધ રીતે રૂપિયાની લેવડદેવડ સામે ચૂંટણી પંચે આકરું વલણ અપનાવ્યું છે. જો કે તમામ કાર્યવાહી છતાં પણ પાણીની જેમ પૈસા વાપરવામાં આવી રહ્યા છે. જેનાં કારણે રાજ્યોમાં ચૂંટણીની તારીખોના એલાન બાદથી અત્યારસુધીમાં 1760  કરોડ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા છે. જે 2018મા આ જ રાજ્યોમાં થયેલી ચૂંટણી સમયે જપ્ત કરવામાં આવેલા 239.15 કરોડ રૂપિયાથી સાત ગણા વધારે છે.

ચૂંટણી પંચે  છત્તીસગઢમાં 20.77 કરોડ રૂપિયા રોકડ જપ્ત કરી છે. આ ઉપરાંત 2.16 કરોડનો દારૂ, 4.55 કરોડના ડ્રગ્સ, 22.76 કરોડની કિંમતી ધાતુ, 26.68 કરોડ રૂપિયાની મફતમાં વહેંચવામાં આવેલી વસ્તુઓ પણ પકડી છે. કુલ મળીને 76.90 કરોડની રોકડ અને સામાન જપ્ત થયા છે. આવી જ રીતે મધ્યપ્રદેશમાંથી 33.72 કરોડની રોકડ, 69.85 કરોડનો દારૂ, 15.53 કરોડનું ડ્રગ્સ, 84.1 કરોડની કિંમતી ધાતુ અને 120.53 કરોડનો મફતનો સામાન મળી આવ્યો છે. મધ્યપ્રદેશમાં કુલ 323.70 કરોડની રોકડ અને સામાન જપ્ત થયા છે.

રાજસ્થાનમાં 93.17 કરોડની રોકડ, 51.29 કરોડનો દારૂ, 91.71 કરોડના ડ્રગ્સ, 73.36 કરોડની કિંમતી ધાતુ, 341 કરોડ રૂપિયાનો મફતનો સામાન સહિત કુલ 650.70 કરોડની રોકડ અને સામાન જપ્ત થયા છે. તેલંગણમાં 225.23 કરોડ રૂપિયા રોકડ, 86.82 કરોડનો દારૂ, 103.74 કરોડનું ડ્રગ્સ, 191.02 કરોડ રૂપિયાની કિંમતી ધાતુ, 55.41 કરોડનો મફતો સામાન સહિત કુલ 659.20 કરોડની રોકડ અને સામાન જપ્ત કરવામાં આવ્યા છે. જ્યારે મિઝોરમમાંથી રોકડ જપ્ત થઈ નથી પણ 4.67 કરોડનો દારૂ, 29.82 કરોડનું ડ્રગ્સ જપ્ત થયું છે.

 

Sports

ભારતનું લક્ષ્ય શ્રેણી કબજે કરવી: આજે ત્રીજો T-20 પ્રવાસી ટીમ ઓસ્ટ્રેલિયા પર શ્રેણી જીવંત રાખવાનું દબાણ November 28, Tue, 2023

Crime

મોરબીમાં દલિત યુવાનને ચપ્પલ ચટાવનાર યુવતી-બે સાગરીત પોલીસમાં હાજર લૂંટની કલમનો ઉમેરો: અન્ય સાગરીતોની શોધખોળ November 28, Tue, 2023