નવા તલમાં નિકાસ અને સ્થાનિક ઘરાકી વધી, ભાવ સ્થિર થવાની ધારણા
(ફૂલછાબ ન્યૂઝ)
રાજકોટ, તા. 25 : ગુણવત્તામાં બેજોડ સૌરાષ્ટ્ર પ્રદેશના તલની નવી આવકો શરૂ થઇ ગઇ છે. ગુજરાતમાં ખરીફ અને ઉનાળુ એમ બે પાકો લેવામાં આવે છે. ઉનાળુ પાક માવઠાંની ઝડીઓમાંથી સાંગોપાંગ ઉતરી જતા હવે આવક વધવાનો આરંભ થયો છે. સૌરાષ્ટ્ર પ્રદેશમાં કુલ મળીને 35-36 હજાર ગુણીની આવક થાય છે. એ આગામી દિવસોમાં 50-55 હજાર ગુણી સુધી પહોંચવાની શક્યતા છે.
ચાલુ વર્ષે ઉનાળુ તલનું ઉત્પાદન દોઢું રહેતા કુલ 1.50 લાખ ટનનો પાક માનવામાં આવે છે. ખેડૂતોને પાછલી સીઝનમાં સારાં ભાવ મળ્યા હતા એટલે વાવેતર વધ્યું અને વાતાવરણનો સાથ મળવાને લીધે પાક ઉત્પાદન સારું રહ્યું છે. રાજકોટ, ગોંડલ, જૂનાગઢ, અમરેલી અને હળવદ જેવા માર્કેટ યાર્ડમાં આવક નોંધપાત્ર છે. નવા તલમાં નિકાસના અને લોકલ વેપાર પણ વધવા માંડયા છે.
નવા તલનો ભાવ ગુણવત્તા પ્રમાણે કરિયાણાબરમાં રૂ. 2750-2800, એવરેજ 99-1માં રૂ. 2700-2725 અને હલ્દબરમાં રૂ. 2600-2650ના ભાવ ચાલી રહ્યા છે. નિકાસના કામકાજો ચાલુ છે. એમાં કંડલા પહોંચની શરતે શોર્ટેક્સમાં રૂ. 148 પ્રતિ કિલો હતા જ્યારે 99-1-1માં રૂ. 143 અને હલ્દમાં રૂ. 182 રહ્યા હતા. નવી આવક શરૂ થયા પછી રૂ. 200 જોટલો ઘટાડો યાર્ડમાં થઇ ચૂક્યો છે.
ધવલ એગ્રી એક્સપોર્ટના જય ચંદારાણા કહે છે,ચાલુ સપ્તાહમાં કોરિયાનું 15 હજાર ટનનું ટેન્ડર ખૂલ્યું છે એમાં 10200 ટનનો ઓર્ડર ભારતને મળ્યો છે એટલે નવા તલમાં પણ લેવાલી સારી છે. નિકાસમાં 1880-1920 ડોલરના ભાવથી કોરિયાના કામકાજ થયા છે. કોરિયામાં નેચરલ તલની નિકાસ થવાની છે. નિકાસના કામકાજો હજુ થતા રહે તો બજાર ભાવમાં ઘટાડાની શક્યતા ઓછી છે. જોકે આવક વધે અને માગ ઢીલી રહે તો મણે રૂ. 100ના ઘટાડાની જગ્યા હોવાનું તેમણે કહ્યું હતુ. આવનારા દિવસોમાં આવક 50 હજારની સપાટી આંબે એવી શક્યતા પૂરેપૂરી છે.