• શુક્રવાર, 23 ફેબ્રુઆરી, 2024

મહર્ષિ દયાનંદ સરસ્વતી માત્ર વૈદિક જ નહીં  પરંતુ રાષ્ટ્રચેતનાના ઋષિ હતા: વડાપ્રધાન

મહર્ષિ દયાનંદ સરસ્વતીના 200મા જન્મોત્સવમાં વર્ચ્યુઅલી સહભાગી થતાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી

મહાપુરુષ દયાનંદ સરસ્વતીજીને સ્મરણાંજલિ અર્પણ કરવા ગુજરાતના રાજ્યપાલ તેમજ કેન્દ્રીય મંત્રીની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો

દુનિયાના 17 દેશના પ્રતિનિધિ અને ગુજરાતના ખૂણેખૂણેથી આવેલા મહેમાનો ઉપસ્થિત રહ્યા

ટંકારાનો ઓવરબ્રિજ હવે મહર્ષિ દયાનંદ સરસ્વતીજીનાં નામે ઓળખાશે 

ટંકારા, તા.11: વિશ્વ વિભૂતિ એવા મહર્ષિ દયાનંદ સરસ્વતીજીની 200મી જન્મ જયંતી અન્વયે ટંકારા ખાતે ભવ્યાતિભવ્ય જન્મોત્સવ - સ્મરણોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આજે આ મહોત્સવના દ્વિતીય દિવસે આર્ય સમાજના સંસ્થાપક અને મહાપુરુષ એવા દયાનંદ સરસ્વતીજીને સ્મરણાંજલિ અર્પણ કરવા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ આર્ય સમાજના અનુયાયીઓને વર્ચ્યુઅલી સંબોધિત કર્યા હતા. તેમણે જણાવ્યું કે ઈતિહાસમાં કોઈ એવો દિવસ, પળ કે ક્ષણ હોય છે જે ભવિષ્યની દિશા બદલી શકે છે. સ્વામી દયાનંદજીનો જન્મ પણ આવી જ અભૂતપૂર્વ ક્ષણ હતી. સમાજનો એક વર્ગ જ્યારે સંસ્કૃતિ અને આધ્યાત્મિકતાથી દૂર જઈ રહ્યો હતો ત્યારે દયાનંદજીએ ‘વેદો તરફ પાછા વળો’નો મંત્ર આપી રૂઢિઓ પર પ્રહારો કર્યા હતા, જેનાં કારણે આજે લોકો વૈદિક ધર્મને જાણતા અને અનુસરતા થયા છે. અંગ્રેજી હકુમત જ્યારે ભારતીય સંસ્કૃતિને હીન બતાવવાનો પ્રયાસ કરી રહી હતી ત્યારે લાલા લાજપતરાય, રામપ્રસાદ બિસ્મિલ, શ્રદ્ધાનંદજી જેવા ક્રાંતિકારીઓની એક શૃંખલા દયાનંદજીના વિચારોથી પ્રભાવિત થઈ રાષ્ટ્રસેવા માટે તૈયાર થઈ રહી હતી. મહર્ષિ દયાનંદ સરસ્વતી માત્ર વૈદિક ઋષિ જ નહીં પરંતુ રાષ્ટ્રચેતનાના ઋષિ પણ હતા. ભારત આજે અમૃતકાળના પ્રારંભના વર્ષમાં છે ત્યારે ઉજ્જવળ ભવિષ્યનું સપનું જોનારા દયાનંદજીના સ્વપ્નના ભારતનો આ અમૃતકાળમાં વિકાસ થાય એવો વડાપ્રધાનએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

વધુમાં કહ્યું કે દેશ આજે સ્વામી દયાનંદજીની 200મી જન્મજયંતી મનાવી રહ્યો છે. આજે મારા માટે ટંકારા પહોંચવું સંભવ ન હતું પરંતુ હું મન, હૃદયથી તમારી વચ્ચે જ છું. આજે સ્વામીજીનાં યોગદાનો યાદ કરવા આર્ય સમાજ આ મહોત્સવ મનાવી રહ્યો છે એ વાતનો મને ખૂબ જ આનંદ છે. આ આયોજન નવી પેઢી માટે દયાનંદનજીનાં જીવનથી પરિચિત થવાનું માધ્યમ બનશે એવો મને વિશ્વાસ છે. દયાનંદજીની જન્મભૂમિ ગુજરાત અને તેઓની કર્મભૂમિ હરિયાણામાં પણ લાંબા સમય સુધી કાર્ય કરવાનો અને જાણવાનો મને અવસર મળ્યો છે એ મારા માટે સૌભાગ્યની વાત છે.

આજે દેશ-દુનિયામાં આર્ય સમાજના 2.5 હજાર સ્કૂલ, કોલેજો, યુનિવર્સિટીઓ તથા 400થી વધારે ગુરુકુળોમાં હજારો વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. આર્ય સમાજ 21મી સદીમાં નવી ઊર્જા સાથે રાષ્ટ્ર નિર્માણની જવાબદારી ઉપાડે એજ દયાનંદજીને સાચી શ્રદ્ધાંજલિ હશે.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું કે મહર્ષિ દયાનંદ સરસ્વતીજીનો દેશની સમૃદ્ધિ તથા ઉન્નતિમાં અનન્ય ફાળો રહ્યો છે. તેઓએ 1875માં મુંબઈ ખાતે આર્ય સમાજની સ્થાપના કરી જ્યારે 1879માં હરિયાણાના રેવાડીમાં દેશની સૌ પ્રથમ ગૌશાળાનું નિર્માણ કર્યું. મુગલો અને અંગ્રેજો દ્વારા આર્થિક રીતે ખોખલા બનાવી દેવાયેલ ભારતની અર્થવ્યવસ્થા ફરી મજબૂત બને તે માટે મહર્ષિએ કૃષિ અને ગૌ સંવર્ધન પર વિશેષ ભાર મૂકી પ્રેરક પ્રયાસો હાથ ધર્યા.

મત્સ્ય ઉદ્યોગ, પશુપાલન અને ડેરી ઉદ્યોગના કેન્દ્રીય મંત્રી પરષોત્તમભાઈ રૂપાલાએ જણાવ્યું કે, મહર્ષિ દયાનંદ સરસ્વતીજી, ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ અને નરેન્દ્ર મોદીની ધરા એવા ગુજરાતમાં સૌનું અંત:કરણથી સ્વાગત કરું છું. આપણા દેશ પર હજારો વર્ષ સુધી મુગલો અને અંગ્રેજોએ શાસન કર્યું અને દેશને હાની કરવામાં કોઈ કચાસ ન રાખી. તેમ છતાં આપણી સંસ્કૃતિ ટકી રહી એની પાછળ મહર્ષિ દયાનંદ સરસ્વતી જેવી વિભૂતિઓનું મહત્ત્વનું યોગદાન રહ્યું છે.

ટંકારા ખાતે આવેલા ઓવરબ્રિજને મહર્ષિ દયાનંદ સરસ્વતી સેતુ નામ આપવાની જાહેરાત પણ સરકાર દ્વારા કરવામાં આવી હતી. આ પ્રસંગે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી તેમજ કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાની પ્રેરક ઉપસ્થિતિમાં આજે બીજા દિવસે કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું તેમજ સાંસદ મોહનભાઈ કુંડારીયા, ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, કાંતિભાઈ અમૃતિયા, પ્રકાશભાઈ વરમોરા, દર્શિતા શાહ સહિતના મોટી સંખ્યામાં સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા.

 

 

 

Budget 2024 LIVE

Crime

કોર્ટ કેસ ચાલુ હોવાથી જેલમાં જવું ન પડે માટે વૃદ્ધ વેપારીએ ચીલઝડપ થયાનું રચ્યું’તું તરકટ આર્થિક ભીંસ અને જેલમાં જવું પડે તેવી પરિસ્થિતિ સર્જાતા વેપારીએ ખેલ કર્યો’તો February 23, Fri, 2024