• સોમવાર, 27 મે, 2024

વારાણસીથી વડાપ્રધાન મોદીનું ત્રીજીવાર નામાંકન ગંગા પૂજા-આરતી બાદ પુષ્ય નક્ષત્રમાં ફોર્મ જમા કરાવ્યું

માતાને યાદ કરી થયા ભાવુક :  રામ મંદિરને આસ્થાનો વિષય, 400 પારનો નારો ગણાવ્યો લોકોનો સંકલ્પ

વારાણસી, તા.14 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે ગંગા પૂજા-આરતી, ક્રૂઝની સવારી અને કાલ ભૈરવના દર્શન બાદ પુષ્ય નક્ષત્રમાં ત્રીજીવાર વારાણસી લોકસભા બેઠકથી ઉમેદવારી નોંધાવી હતી. દરમિયાન તેમની સાથે 4 પ્રસ્તાવક ગણેશ્વર શાત્રી, બૈજનાથ પટેલ, લાલચંદ કુશવાહા અને સંજય સોનકર હાજર રહ્યા હતા.

નામાંકન વખતે કલેક્ટર કચેરીએ સીએમ યોગી પણ રુમમાં હાજર હતા તથા સ્થળે અમિત શાહ, નડ્ડા સહિત એનડીએના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. વારાણસીમાં 7મા તબક્કામાં 1 જૂને મતદાન થવાનું છે. નામાંકન માટે પહોંચ્યા બાદ તેમણે કલેક્ટર એસ. રાજલિંગમને બન્ને હાથ  જોડી નમસ્કાર કર્યા અને ઉભા રહ્યા હતા. કલેક્ટરે બેસવાનું કહેતા બેઠા હતા. બાજુમાં જયોતિષાચાર્ય બેઠા હતા. લોકસભાના ચૂંટણી જંગમાં 6 પાનાનું ફોર્મ ર એ (6 ભાગમાં ઉમેદવાર અંગેની તમામ માહિતી હોય છે) ભર્યા બાદ વડાપ્રધાન મોદી રુદ્રાક્ષ સેન્ટર પહોંચ્યા અને કાર્યકરોને સંબોધન કર્યુ હતું.

વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા એક્સ પર લખ્યું કે કાશી સાથે મારો સંબંધ અનોખો, અભિન્ન અને અતુલનીય છે..હું કહી શકુ છું કે તેને શબ્દોમાં વર્ણવી ન શકાય. નામાંકન દાખલ કરતા પહેલા તેઓ માતા હીરાબાને યાદ કરીને ભાવુક થયા અને કહ્યંy કે માતાના નિધન બાદ ગંગા માતા જ મારી મા છે, તેમણે મને દત્તક લઈ લીધો છે. વારાણસી સાથે મારો એવો નાતો છે કે હવે હું બનારસિયો થઈ ગયો છું. રામ મંદિર અંગે કહયુ કે તે ચૂંટણીનો મુદો નથી આસ્થાનો વિષય છે. 400 પાર..ચૂંટણીનો નારો નથી લોકોનો સંકલ્પ છે.

------------------

મોદી કરોડપતિ છે પણ મકાન કે કાર નથી

ચૂંટણી સોગંદનામામાં જાહેર કરેલી કુલ સંપત્તિ કુલ 3 કરોડ 2 લાખ 6 હજાર 889 રૂપિયા

નવીદિલ્હી, તા.14: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે યુપીનાં વારાણસીમાંથી લોકસભા ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવી દીધી છે અને તેની સાથે આવશ્યક પોતાનું ચૂંટણી સોગંદનામુ પણ જમા કરાવ્યું છે. જેમાં તેમની સંપત્તિનું વિવરણ કરવામાં આવેલું છે. વડાપ્રધાન મોદીનાં સોગંદનામા અનુસાર તેમની પાસે પોતાની માલિકીનું કોઈ મકાન કે મોટરકાર નથી. તેમની પાસે કુલ પ2920 રૂપિયા રોકડ છે. જ્યારે સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાની ગાંધીનગર શાખામાં 73304 રૂપિયા જમા છે. તો બેન્કની વારાણસી શાખામાં 7 હજાર રૂપિયા જમા છે.

વડાપ્રધાને પોતાનાં સોગંદનામામાં છેલ્લા પાંચ વર્ષની આવકની જાણકારી આપી છે. 2018-19માં તેમણે આવકવેરા રિટર્નમાં પોતાની આવક 1114230 રૂપિયા દર્શાવી હતી. જ્યારે 2019-20માં 1720760 રૂપિયા, 2020-21માં 1707930 રૂપિયા, 2021-22માં 1પ41870 રૂપિયા અને 2022-23માં તેમણે આવક 23પ6080 રૂપિયા દેખાડી છે. વડાપ્રધાન પાસે એસબીઆઈમાં કુલ 2 કરોડ 8પ લાખ 60 હજાર 338 રૂપિયાની ફિક્સ્ડ ડિપોઝિટ પણ છે. આ સિવાય તેમની પાસે નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ પણ 912398 રૂપિયાનાં છે. તેમણે સોગંદનામામાં ચાર સોનાની વીંટી હોવાનું પણ જણાવ્યું છે. 4પ ગ્રામ વજનની આ સોનાની વીંટીની કિંમત 2677પ0 રૂપિયા જેટલી છે. વડાપ્રધાને આપેલી જાણકારી અનુસાર તેમની પાસે કુલ 3 કરોડ 2 લાખ 6 હજાર 889 રૂપિયાની સંપત્તિ છે.

તેમણે પોતાનાં શિક્ષણની જાણકારીમાં દર્શાવ્યું છે કે, 1967માં ગુજરાતમાં એસએસસી કર્યુ હતું. વર્ષ 1978મા દિલ્હી યુનિવર્સિટીમાં આર્ટ્સની સ્નાતક ડિગ્રી મેળવી હતી. જ્યારે 1983માં ગુજરાત યુનિવર્સિટીમાંથી તેમણે આર્ટ્સમાં માસ્ટર ડિગ્રી લીધી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક