• મંગળવાર, 25 જૂન, 2024

સૌરાષ્ટ્રના ગેમઝોન, મોલ, સિનેમામાં હવે તપાસની લ્હાય લાગી

અનેક સ્થળોએ રાજકોટ જેવો અગ્નિકાંડ સર્જાય એવી ગંભીર બેદરકારી ઉઘાડી પડી

 

રાજકોટ, તા.26 : (ફૂલછાબ ન્યૂઝ) : રાજકોટમાં 28 લોકોનો ભોગ લેનાર ટીઆરપી ગામિંગ ઝોનના ભયાવહ અગ્નિકાંડની ઝાળ રાજ્યનાં દરેક શહેરોના અગ્નિશામક દળ સહિતના સરકારી વિભાગો સુધી પહોંચી ગઈ છે. રાજ્ય સરકારના આદેશનાં પગલે આજે સૌરાષ્ટ્ર સહિત રાજ્યમાં ગેમ ઝોન, મોલ, સિનેમા ગૃહોમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેમાં અનેક સ્થળોએ રાજકોટ જેવો અગ્નિકાંડ સર્જાય એવી ગંભીર બેદરકારી ઉઘાડી પડી હતી. પરિણામે આજે ગાંધીનગરમાં 18, વડોદરામાં 7, સુરતમાં 5, જૂનાગઢ અને મોરબીમાં 4, ભાવનગરમાં 3, વેરાવળમાં 2 ગેમ ઝોન ઉપરાંત રાજકોટમાં પણ તમામ ગેમ ઝોન, વેકેશન મેલા, એમ્યુઝમેન્ટ પાર્ક બંધ કરાવાયાં હતાં.

ગાંધીનગરમાં ચાલતા તમામ 15 ગેમ ઝોનને મહાનગરપાલિકાની ટીમ દ્વારા બંધ કરાવવામાં આવ્યાં છે જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં આવેલા ત્રણ ગેમ ઝોન પણ બંધ કરાવ્યાં છે. એ જ રીતે અમદાવાદના આલ્ફા વન મોલમાં એએમસીના સરપ્રાઇઝ ચાકિંગમાં ત્રણ ગામિંગ ઝોન પાસે એનઓસી જ નથી. તેને પગલે તેમને નોટિસ આપવામાં આવી હતી. વડોદરામાં આવેલા સાત સીઝ ગેમ ઝોનમાં ચાકિંગ હાથ ધરવામાં આવ્યું છે. જેમાં ગામિંગ ઝોનની મિકેનિકલ સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી, સિવિલ સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી, ફાયર એનઓસી, બિલ્ડિંગ ઓક્યુપન્સી સર્ટિફિકેટ, ઇલેક્ટ્રિસિટી લોડ, કનેક્શનની અન્ય બાબતો અંગે નવેસરથી ચકાસણી કરવામાં ન આવે ત્યાં સુધી તમામ ગામિંગ ઝોનને બંધ રાખવા હુકમ કરાયો હતો.   

સુરતમાં પણ આજે સવારથી મનપા અને ડીજીવીસીએલની ટીમોએ ફાયર એનઓસી અને અન્ય જરૂરી લાયસન્સ વિના ધમધમતાં ગેમિંગ ઝોન તથા વેકેશન મેળાઓમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેમાં ફાયર એનઓસી વિના વીર આર મોલમાં ચાલતા ફન્કીમન્કી ગેમિંગ ઝોન, વીઆઇપી રોડ પરના બ્લેકબની, વીઆઇપી વેસુ રોડનાં સેલિબ્રેશન, સિટીલાઇટ વિસ્તારના પ્લેટિનમ ગેમ ઝોન તેમજ રાહુલ રાજ મોલમાં ચાલતા ગેમઝોનને ફાયર વિભાગે બંધ કરાવ્યા હતા. આ સાથે કલેક્ટર અને પોલીસની ટીમે પણ જરૂરી તપાસ કરી હતી.

ભાવનગર મહાનગર પાલિકા તંત્ર પણ આજે એક્શન મોડમાં આવ્યું હતું અને મ્યુનિસિપલ કમિશનર દ્વારા ઇમરજન્સી બેઠક બોલાવીને શહેરમાં ચાલતા નાના-મોટા ગેમ ઝોનમાં ચેકિંગ કરવાનો આદેશ આપ્યો હતો. આ સાથે શહેરમાં હિમાલયા મોલ પાસે, ટોપ થ્રી પાસે અને ઇપી સિનેમા અંદર એમ ત્રણેય મોટા ગેમ ઝોનને બંધ કરાવ્યા હતાં.

વેરાવળ શહેર તેમજ ગ્રામ્ય મામલતદાર ઉપરાંત ચીફ ઓફિસર, પીજીવીસીએલ, પોલીસ અને ફાયર વિભાગની સંયુક્ત ટીમ દ્વારા આજથી ચાકિંગનો ધમધમાટ હાથ ધરવામાં આવ્યો છે. જેમાં શક્તિ મોલ તેમજ સાચી મલ્ટિપ્લેક્સમાં ચાલતા ગેમઝોનને ક્લોઝર નોટિસ ફટકારી બીજો હુકમ ના થાય ત્યાં સુધી બંધ કરી દેવા માટેના આદેશ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત આરાધના મલ્ટિપ્લેક્સ તેમજ ફોનિક્સ મલ્ટિપ્લેક્સ સિનેમા તેમજ સાચી મલ્ટિપ્લેક્સ સિનેમામાં પણ ફાયર સેફ્ટીને લઈ ચાકિંગ હાથ ધરવામાં આવ્યું છે. હવે સોમનાથ ખાતે પણ ફાયર સેફ્ટીને લઈ ચાકિંગના હાથ ધરવામાં આવનાર છે.

પોરબંદરમાં નગરપાલિકાના સત્તાધીશોએ પણ સફાળા જાગીને આજે ફાયર બ્રીગેડની ટીમને દોડતી કરતા જુદા-જુદા મોલ, ગેમ ઝોન વગેરે સ્થળોએ ફાયર સેફટી અને ફાયર એનઓસી અંગેની કામગીરી થઈ છે કે કેમ? તે અંગે તપાસ ચાલુ કરાઈ હતી. જેમાં ક્યાંય કોઈ ખૂટતા દસ્તાવેજો હોય તો તેની પૂર્તતા કરવા માટે તાકિદ કરવામાં આવી હતી. આ સાથે ડિઝાસ્ટર તંત્ર અને એન્જિનિયર વિભાગ વગેરે દ્વારા અલગ અલગ મોલમાં તેના સ્ટ્રક્ચરના કમ્પ્લિશન સર્ટીફિકેટ અંગે પણ તપાસ હાથ ધરાઈ હતી. આ દરમિયાન એવું પણ બહાર આવ્યું કે, શહેરમાં 118 જેટલી બિલ્ડિંગોને 3-3 વખત નોટિસ આપવામાં આવી હોવા છતાં ફાયર એનઓસી લેવાયાં નથી. જેથી હવે આ બાબતે પણ કડક કાર્યવાહી કરવી જરૂરી બની છે.  

જૂનાગઢમાં મહાપાલિકા, કલેક્ટર કચેરી, મામલતદાર ઓફિસ, વીજ તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા તમામ ગેમ ઝોનમાં દરોડા પાડીને ફાયર સેફ્ટી સહિતનું સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેમાં બહાઉદ્દીન કોલેજ નજીક સૂરજ સિનેપ્લેક્સ અને સૂરજ ફનવર્લ્ડ તેમજ ઉપરકોટ અને લિયો રિસોર્ટમાં ચાલતા ગેમ ઝોનમાં લાયસન્સ નહીં હોવા સહિતની ક્ષતિઓ ખૂલી હતી. આ સાથે વીજ-સેફટીને લગતી લાપરવાહી પણ જણાઈ હતી. જેથી ક્ષતિઓ પૂર્ણ કર્યા બાદ ગેમ ઝોન ચાલુ કરવાની સૂચના અપાઈ હતી.

ગોંડલમાં મામલતદાર કચેરી, નગરપાલિકા, ફાયરબ્રિગેડ વિભાગ અને વીજતંત્રની ટીમે આજે જડુસ સિનેમા, ઓસ્ટન સિનેમા, સુવર્ણભૂમિ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, કાનજી લાધા સુપરમાર્કેટ, ડ્રીમલેન્ડ રેસ્ટોરન્ટ, કોલેજીયન મોલમાં ચાકિંગ હાથ ધરીને ફાયર સેફ્ટી તથા જરૂરી મંજૂરી અંગે તપાસ કરી હતી. અલબત્ત, કંઈ વાંધાજનક હકીકત મળી આવી ન હતી. એ જ રીતે મોરબીમાં પણ આજે ચેકિંગ કરીને થ્રિલ ચીલ, લેવલ અપ અને પપ્પાજી ફનવર્લ્ડ નામના ગેમ ઝોન બંધ કરાવી દેવાયાં હતાં.

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

રાજકોટના બસ સ્ટેશનમાં મહિલા તબીબના મોબાઈલ નંબર લખી બદનામ કરનાર બાબરાના તબીબની શોધખોળ June 24, Mon, 2024