• મંગળવાર, 25 જૂન, 2024

અગ્નિકાંડમાં સાપરાધ મનુષ્ય વધનો ગુનો

પોલીસે ફરિયાદી બની સાત સામે નામજોગ ફરિયાદ નોંધી : સંચાલક, મેનેજરની કરી ધરપકડ

 

રાજકોટ, તા.26 (ફૂલછાબ ન્યૂઝ): રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર-ગુજરાતમાં “ટોક ઓફ ધ સ્ટેટ’’ બનેલા હૃદય હચમચાવતા ચકચારી ઝછઙ ગેમ ઝોન અગ્નિકાંડના પડઘા દિલ્હી સુધી પડયા છે ત્યારે નિર્દોષ 28 માનવ જિંદગી છિનવી લેનાર ગેમ ઝોનના ભાગીદારો અને સંચાલકો સામે પોલીસ ફરિયાદી બની સાપરાધ મનુષ્ય વધની સહિતની કલમો હેઠળ ગુનો નોંધી સંચાલક અને મેનેજરની ધરપકડ કરી અન્ય જવાબદાર આરોપીઓને ઝડપી લેવા કવાયત શરૂ કરી છે.

પોલીસ સુત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટના નાનામવા વિસ્તારમાં ઝછઙ ટોય ગેમ ઝોનમાં લાગેલ આગમાં ગેમ ઝોનના ત્રણેય ભાગ જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી સમગ્ર ડોમમાં પ્રસરી જતા ધુમાડાના ગોટે ગોટા અને આગની જ્વાળાઓ કિલોમીટર દુર સુધી નજરે પડી હતી.

ફાયર બ્રિગેડની 45 કર્મચારીઓની ટીમ ફાયર ફાયટરો સાથે પહોંચી અંદાજે ચાર કલાકની જહેમતે આગ પર કાબૂ મેળવ્યા બાદ આગમાં ભોગ બનેલ અને ઓળખાય પણ નહીં તેવા સંપુર્ણ બળેલ એક બાદ એક એમ રાત્રે 10 વાગ્યા સુધીમાં 28 જેટલા મૃતદેહ શોધી કાઢી પી.એમ. અર્થે હોસ્પિટલ ખસેડયા હતા.

બીજી તરફ આગ કઈ રીતે લાગી તે અંગે તપાસ હાથ ધરતા ચાલુ ગેમ ઝોન દરમિયાન વેલ્ડીંગ કામ ચાલુ હોવાથી આ ગોઝારો અગ્નિકાંડ સર્જાતા પોલીસ કમિશ્નર ભાર્ગવ સહિતના તમામ ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી જઈ પ્રાથમિક તપાસ હાથ ધરી ગેમ ઝોનના જવાબદારોને નાશી છુટે તે પહેલા રાઉન્ડ અપ કરી મુખ્ય સંચાલક અને મેનેજર સહિત 20 જેટલા શખસોને ઉઠાવી લઈ પૂછપરછ શરૂ કરી હતી.

બીજી તરફ આ અગ્નિકાંડમાં ખુદ તાલુકા પોલીસ મથકના ફોજદાર પી.બી.ત્રાજીયા ફરિયાદી બની 28 જિંદગીનો ભોગ લેવામાં જવાબદાર ટીઆરપી ગેમ ઝોનના સંચાલકો તેમજ ધવલ કોર્પોરેશનના પ્રોપરાઈટર ધવલ ભરતભાઈ ઠક્કર તેમજ રેસી વે એન્ટરપ્રાઈઝના ભાગીદારો અશોકસિંહ જગદીશસિંહ જાડેજા, કિરીટસિંહ જગદિશસિંહ જાડેજા, પ્રકાશચંદ્ર કનૈયાલાલ હીરન, યુવરાજસિંહ હરીસિંહ સોલંકી, રાહુલ લલીતભાઈ રાઠોડ તેમજ અન્ય અજાણ્યા તપાસમાં ખુલે તે જવાબદારો સામે સાપરાધ મનુષ્યવધની કલમ 304, 308, 337, 338, 114 હેઠળ ગુનો નોંધી મુખ્ય સંચાલક અને ભાગીદાર એવા યુવરાજસિંહ સોલંકી તેમજ મેનેજર નિતીન જૈનની ધરપકડ કરી લીધી છે.

આ ઉપરાંત અન્ય ઘટના બાદ ભૂગર્ભમાં ઉતરી ગયેલા જવાબદારોને ઝડપી લેવા ટીમોને દોડતી કર્યાની પોલીસ કમિશ્નર ભાર્ગવે પ્રેસ કોન્ફરન્સ યોજી ગુના નોંધ્યા અંગેની વિગતો વર્ણવી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

રાજકોટના બસ સ્ટેશનમાં મહિલા તબીબના મોબાઈલ નંબર લખી બદનામ કરનાર બાબરાના તબીબની શોધખોળ June 24, Mon, 2024