• મંગળવાર, 25 જૂન, 2024

જેતપુર પંથકમાં ધોધમાર વરસાદ : મેવાસામાં 4 ઇંચ

ભાદરા અને ધોળીધારમાં અઢી, લીલાખામાં  પોણો ઇંચ : નદી, નાળા છલકાયા

રાજકોટ તા.10: રાજ્યમાં હવે ધીમે ધીમે વરસાદનું જોર વધી રહ્યું છે. તેને લીધે લોકોને હવે કંઈક અંશે ગરમીમાં રાહત મળી રહી છે. સૌરાષ્ટ્રમાં સતત ત્રીજા દિવસે વરસાદી માહોલ જોવા મળ્યો છે.  રાજકોટ, અમરેલી, જૂનાગઢ અને ભાવનગર સહિતના જિલ્લાઓમાં ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. રાજકોટના જેતપુરમાં આજે ગાજવીજ સાથે ચોમાસાનો માહોલ જામ્યો હતો અને સમગ્ર જેતપુર પંથકમાં વરસાદ શરૂ થયો હતો. જેતપુરના ગ્રામ્ય પંથકમાં 4 ઇંચ જેટલો વરસાદ વરસતા નદી નાળા છલકાયા હતા. મેવાસા ખાતે ધોધમાર 4 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદના કારણે જેતપુરના રબારીકાથી પ્રેગઢના પુલ પર પાણી ફરી વળ્યું હતું અને તેને લીધે વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો. ઘણા વિસ્તારમાં તેજ પવન ફૂંકાતા વીજપોલ, વૃક્ષ ધારાયી થવાના બનાવ બન્યા છે તેમજ અમરેલી પંથકમાં આજે બીજા દિવસે ઘણા વિસ્તારમાં વાવણીલાયક વરસાદ વરસતા ખેડૂતોએ વાવણીના શ્રીગણેશ કર્યા છે.

જેતપુર: શહેર તેમજ ગ્રામ્ય પંથકમાં આજ સવારથી અસહ્ય ઉકળાટ અને બફારા બાદ બપોર થતા આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાય આવ્યા હતાં. અને ગ્રામ્ય પંથકના પ્રેમગઢ, મેવાસા, હરિપર, ખીરાસરા તેમજ વાડાસડા ગામે ભારે પવન સાથે ઝોરદાર વરસાદ શરૂ થયો હતો. અને આ મુશળધાર પ્રથમ જ વરસાદમાં પ્રેમગઢ ગામનું સેલું બે કાંઠે વહેતા જેતપુર જવાના કોઝવે પર પાણી આવી જતા આ વાહન વ્યવહાર માટે બંધ થઈ ગયો હતો. આવી જ રીતે મેવાસામાં મુશળધાર વરસાદથી હરિપર જવાના કોઝ વે પર પાણી ફરતા તે રોડ તેમજ ખીરસરા અને વાડાસડા ગામ વચ્ચે કોઝ વે પાસે ઉંચો પુલ બની રહ્યો છે ત્યાં પણ પાણી આવી જતા વાડાસડાનો રોડ પણ બંધ થઈ ગયો હતો. ગ્રામ્ય પંથકમાં મુશળધાર વરસાદ બાદ શહેરમાં પણ વરસાદ શરૂ થયો હતો પરંતુ શહેરમાં માત્ર એક વરસાદી ઝાપટું જ પડ્યું હતું. જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં 1 થી 4 ઇંચ જેટલો વાવણી લાયક વરસાદ પડ્યો હતો. ભારે પવન ફૂંકાતા શહેરના ગોંદરા વિસ્તારમાં એક વિશાળ વૃક્ષની ડાળી તૂટીને નીચે પડતા ત્યાં પાનની દુકાન પાસે આ વૃક્ષની નીચે બેસેલ ભરતભાઈ બરાડ અને શંભુભાઈ મકવાણાને ઇજા પહોંચી હતી. જ્યારે એક મોટર સાયકલ પણ આ વૃક્ષ હેઠળ દબાઈ ગયું હતું. બંને ઇજાગ્રસ્તને સારવાર માટે 108 એમ્બ્યુલન્સ દ્વારા સરકારી હોસ્પિટલ ખસેડયા હતાં. જ્યાં એક આધેડને હાથમાં ફ્રેક્ચર જેવી ઇજા જણાતા તેને રીફર કરવામાં આવ્યો હતો.

જેતપુરના હરિપર ગામે રહેતા મેંઘીબેન લાલકિયા (ઉ.વ. 80) નામના વૃદ્ધા રાબેતા મુજબ સીમ વિસ્તારમાં આવેલા પોતાના ખેતરેથી ઘરે પરત આવવા નિકળ્યા હતા ત્યારે રસ્તામાં આવતા વેંકળામાં વરસાદી પાણીના પ્રવાહમાં પગ લસરી જતાં તણાયા હતા. જેમનો મૃતદેહ છાપરવાડી નદીના પટ વિસ્તારમાંથી મળી આવ્યો હતો.

વિરપુર: સવારથી અસહ્ય બફારા બાદ ધોધમાર વરસાદનું આગમન થયું હતું. જેમાં વિરપુર સહિત મેવાસા, જાંબુડી , કાગવડ, ખીરસરા ગામમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો સાથે જ મેવાસા ગામે ભારે પવન સાથે ધોધમાર અંદજીત 4 ઈંચ જેવો વરસાદ વરસ્યો હોવાનું ગામ લોકોએ કહ્યું હતું. મેવાસા ગામે ધોધમાર વરસાદના પગલે શેરીઓમાં વરસાદી પાણી ફરી વળ્યાં હતા. સાથે જ મેવાસાથી હરિપર રોડ ઉપર વરસાદના પગલે થોડા મહિના પહેલા 6 લાખના ખર્ચે બનાવેલ દીવાલ ધરાશાયી થઇ હતી.

જામકંડોરણા: ગ્રામ્ય વિસ્તારમાં આજે બપોર બાદ સાંજના સમયેધોધમાર વરસાદ પડ્યો હતો. તાલુકાના ભાદરા તેમજ ધોળીધાર ગામમાં આશરે બેથી અઢી ઈંચ જેટલો ધોધમાર વરસાદ પડ્યો હતો. આ વરસાદથી ખેતરો તેમજ શેલા અને રસ્તાઓ પર પાણી વહેતા થઈ ગયા હતા. તાલુકાના સાજડીયાળી અને બોરીયા ગામે પણ વરસાદ પડયો હતો, જયારે જામકંડોરણામાં માત્ર પવન સાથે છાંટા પડયા હતા.

ધોરાજી: દુધીવદર ગામે ભારે પવનના કારણે કારખાનાની દિવાલ પડતા નીચે ઉભેલા ખીમજીભાઇ પરમાર રહે. તોરણીયા વાળાને બન્ને પગમાં ગંભીર ઇજાઓ પહોંચી હોવાથી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જયાંથી વધુ સારવાર માટે જુનાગઢ રીફર કર્યા હતા. 

લીલાખા: આજે બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને પોણો ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. ઓરવાણાને એક પાણ થઇ જતા ખએડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. ઉપરાંત દેરડી, નવાગામ સહિતના વિસ્તારોમાં પણ વરસાદ હોવાના અહેવાલ મળ્યા છે.

અમરેલી: જિલ્લામાં સતત બીજા દિવસે કેટલાક વિસ્તારોમાં ફોરા તો ક્યાંક પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. ધારી, સાવરકુંડલા, લાઠી, દામનગર, અમરેલી તો દરિયાઈ પટ્ટી વિસ્તારમાં રાજુલા, જાફરાબાદ વિસ્તારમાં પણ વરસાદ પડ્યો હતો. સારો વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો હતો. તો કેટલાક વિસ્તારોમાં નદી, નાળાઓમાં પાણીની ભરપૂર આવક થઇ હતી. તો ક્યાંક વીજપોલ અને વૃક્ષો પાડવાના બનાવો બન્યા હતા. જોકે સતત બીજા દિવસે વરસાદને પગલે ખેડૂતોએ વાવણીની તૈયારીઓ શરુ કરી દીધી હતી. રાજુલા શહેરના આગરીયા રોડ પર વીજપોલ ધરાશાયી થયો હતો અને જેને પગલે થોડીવાર માટે રોડ બાધિત થયો હતો. તો રાજુલાના સાંઈબાબા મંદિર પાસે આવેલી કન્યાશાળાના વાઇફાઇ ટાવર નીચે ખાબક્યો હતો જોકે કોઈ જાનહાનિ થઇ ન હતી અને માર્ગ થોડીવાર માટે બાધિત થયો હતો. તો અહીં શહેરમાં ભારે પવન સાથે વરસાદને પગલે બે થી ત્રણ વીજપોલ અને વૃક્ષો પાડવાના બનાવો બન્યા હતા અને બે કલાક સુધી શહેરમાં વીજળી ગુલ થઇ હતી.  કેટલાક વિસ્તારોમાં સતત બીજા દિવસે વરસાદને પગલે ખેડૂતોએ વાવણીના શ્રીગણેશ કર્યા હતા અને ભારે ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. અહીં ચકરાવા અને નિંગાળા ગામની સ્થાનિક નદીઓમાં પૂર આવ્યું હતુ.

ડેડાણ: સાંજે ચાર વાગ્યાની આસપાસ મિનિ વાવાઝોડા સાથે વરસાદ વરસ્યો હતો. આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ પડયાના અહેવાલ મળી રહ્યા છે.

ભાવનગર: ગોહિલવાડ પંથકમાં ગરમીનું જોર યથાવત રહ્યું છે. આજે મહત્તમ તાપમાન 38.2 ડિગ્રી નોંધાયું હતું અને પવનની ઝડપ 26 કિ.મી. પ્રતિ કલાકની રહી હતી.

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

રાજકોટના બસ સ્ટેશનમાં મહિલા તબીબના મોબાઈલ નંબર લખી બદનામ કરનાર બાબરાના તબીબની શોધખોળ June 24, Mon, 2024