વડાપ્રધાન
નરેન્દ્રભાઈ મોદીની એક દિવસીય ગુજરાત મુલાકાતની નોંધ વિશ્વમાં લેવાઈ છે. સ્પેનની સાથે
એરક્રાફ્ટ બનાવવાનો કરાર ભારતે કર્યો તે ઐતિહાસિક ઘટના છે. એમ કહીએ કે ભારતની પ્રજા
માટે દિવાળીની ઉજવણીનો એક હિસ્સો છે, તેમાં પણ આ નિર્માણકાર્ય ગુજરાતની ધરતી પર થવાનું
છે તે બાબત ગુજરાતીઓના માથાં ગૌરવથી વધારે ઉન્નત કરી રહી છે. વડાપ્રધાને સૌરાષ્ટ્રના
દુધાળા ગામે ભારતમાતા સરોવરનું લોકાર્પણ કરતાં આ પ્રાંતની ક્ષમતા અને સામર્થ્યનો મહિમા
કર્યો. સૌરાષ્ટ્રને 4800 કરોડના વિકાસકામોનું દિવાળી ગિફ્ટ હેમ્પર તો તેમણે આપ્યું
પરંતુ રાજકોટ, મોરબી અને જામનગરની ઔદ્યોગિક-વ્યાપારી ક્ષમતાને બિરદાવી. સૌરાષ્ટ્ર એટલે
ઉદ્યોગની દૃષ્ટિએ પછાત વિસ્તાર એવું દાયકાઓ જૂનું મ્હેણું વડાપ્રધાને આ એક વિધાનથી
ભાંગી નાંખ્યું. સૌરાષ્ટ્રની ધરાને તેનો હરખ છે.
શા
માટે નરેન્દ્રભાઈ અન્ય નેતાઓથી વધારે પ્રજાપ્રિય છે, જ્યાં જાય ત્યાંની જનતાને શા માટે
તેઓ પોતાના લાગે છે તેનો વધુ એક પુરાવો સોમવારે અમરેલી-લાઠીની જનતાને મળ્યો. તેમણે
ભારતમાતા સરોવરનું લોકાર્પણ કરીને અમરેલીના વતની, સુરત નિવાસી સવજી ધોળકિયાની પીઠ તો
થાબડી પરંતુ પૂ. યોગીજી મહારાજ, ભોજા ભગતને તેમણે યાદ કર્યા. લાઠીના સંદર્ભે કલાપીને યાદ કરીને કહ્યું કે હવે અહીં સરોવર
છે, પંખીડાં સુખથી ચણજો. કહ્યું, સૌરાષ્ટ્રમાં લોકસાહિત્યની ચર્ચા ચાલતી હોય અને દુલાભાયા
કાગના નામનો ઉલ્લેખ ન થાય તેવું બને નહીં. રમેશ પારેખને પણ યાદ કર્યા અને પ્રથમ મુખ્યમંત્રી
જીવરાજ મહેતાનું સ્મરણ કર્યું.
સૌને
પોતાની લાગે તેવી આ વાત કરી. અમરેલીની ધરા પરથી વડાપ્રધાને લોથલના વિકાસનો ઉલ્લેખ કર્યો.
ગુજરાતના બે લાખ ઘરોમાં સોલાર પેનલ લાગી ગઈ જેને લીધે વીજળીનો બચાવ થયો. સૌની યોજનાનો
ઉલ્લેખ તો થયો સાથે વડાપ્રધાને કહ્યું જામનગર, રાજકોટ અને મોરબી એવો ત્રિકોણ છે જે વિરાટ ઉત્પાદનકેન્દ્ર
બની શકે છે. આ ત્રિકોણમાં મિનિ જાપાન બનવાની ક્ષમતા છે. દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતમાં
ઔદ્યોગિક વિકાસ દાયકાઓથી થયો છે તેની સરખામણીમાં સૌરાષ્ટ્ર ઉદ્યોગોની દૃષ્ટિએ પાછળ
ગણાય છે. સિરામિક, સાડી પ્રિન્ટીંગ કે રાજકોટના ઓટોપાર્ટ ઉદ્યોગ, પૂર્વે ઓઈલ એન્જિન
અને અત્યારે પમ્પ ઉદ્યોગમાં સૌરાષ્ટ્રનું યોગદાન હોવા છતાં વર્ષોથી આ છાપ છે. મોટા
કદના ઉદ્યોગ નથી તે પણ વાસ્તવ છે તેની વચ્ચે આ મિનિ જાપાનની વડાપ્રધાને આપેલી ઉપમા
સૌરાષ્ટ્રના ઉત્પાદકો-ઉદ્યોગકારો માટે પ્રોત્સાહક નીવડશે.
વડોદરામાં
ટાટા એડવાન્સ સિસ્ટમ લિમિટેડ કેમ્પસમાં સી-295 એરક્રાફ્ટનું ઉદ્ઘાટન સ્પેનના વડાપ્રધાન
પેડ્રો સાન્ચેઝ સાથે કર્યું. સ્પેન અને ભારતે 56 એરક્રાફ્ટ બનાવવાના કરાર કર્યા. સ્પેનમાં
16 એરક્રાફ્ટ બનાવાયા પછી બાકીના વિમાન ભારતમાં બનશે. સંસ્કાર નગરી તરીકે પ્રખ્યાત
વડોદરા હવે એવિએશન મેન્યુફેક્ચરીંગ હબ પણ બને તેવી તીવ્ર સંભાવના સર્જાઈ છે. એક દિવસની
વડાપ્રધાનની મુલાકાત ઘણી નોંધપાત્ર તો રહી જ પરંતુ સૌરાષ્ટ્ર માટે તે એટલે સ્મરણીય
રહેશે કે 4800 કરોડના વિકાસકામોની સાથે સૌરાષ્ટ્રના ઔદ્યોગિક સામર્થ્યને પણ મોદી મહોર
લાગી છે.