ચાની
લારી પર થતી મારામારી કે શેરીમાં ઝઘડતાં સ્ત્રીપાત્રોના સતત વાયરલ વીડિયોની વચ્ચે,
કલાકારો વચ્ચે થયેલા સામાન્ય વિવાદને અસામાન્ય સ્વરુપ અપાયું હોવાના સમાચાર વચ્ચે સૌરાષ્ટ્રમાં
એક એવી ન્યૂઝ આઈટેમ ધ્યાને આવી છે જે સંતોષ અને સુક્ષ્મ આનંદ આપનારી છે. જૂનાગઢ જિલ્લામાં
ખેડુતોએ ખેતરમાં સી.સી.ટી.વી. કેમેરા લગાવ્યા છે. ખેતરમાં થતી ઘૂસણખોરી કે ચોરી અટકાવવા
હવે આ પગલું તેમણે લીધું છે. ચાડિયાનું આ આધુનિક સ્વરુપ છે. ટેક્નોલોજી આશીર્વાદ બની
રહી છે તેનો સંકેત છે અને તેની સાથે જ રાષ્ટ્રીય સ્તરે એવા અહેવાલ છે કે ઈન્ટરનેટનો
ઉપયોગ દેશમાં કૂદકાભેર વધી રહ્યો છે અને તેમાં પણ ગ્રામીણક્ષેત્ર આગળ છે.
નેટસેવી
એ શબ્દ અત્યારે વિશેષણ બની ગયો છે. નવી પેઢી, ડોક્ટરો, અધિકારીઓ નેટસેવી છે એવું કહેવાય
છે અથવા તો આજના સમયમાં ઈન્ટરનેટનો ઉપયોગ કોણ કેટલો કરે છે તે એક માપદંડ છે. 2025ની શરુઆતમાં જ એવી આગાહી થઈ છે કે આ વર્ષ દરમિયાન ભારતમાં
ઈન્ટરનેટનો ઉપયોગ કરનારાની સંખ્યા 90 કરોડને આંબી જશે. એટલે આપણા દેશની કુલ વસતીના
50 ટકા માણસો ઈન્ટરનેટનો ઉપયોગ કરતા હશે. સ્વાભાવિક રીતે એવું લાગે કે યુવાનો, અધ્યયન
અને અભ્યાસ કરતા લોકો, કોર્પોરેટ હાઉસના કર્મચારીઓ આ ઈન્ટરનેટનો ઉપયોગ કરતા હશે પરંતુ
તેમાં પણ થોડું આશ્ચર્ય થાય તેવી વાત છે કે ઈન્ટરનેટના ઉપયોગનું પ્રમાણ ગ્રામ્ય વિસ્તારમાં
વધારે છે.
આઈએએમ-ઈન્દોર અને કેન્ટાનો અહેવાલ કહે છે કે ભારતમાં
લોકો સરેરાશ દરરોજ 94 મિનિટ ઈન્ટરનેટ ઉપર વિતાવે છે.દેશના 98 ટકા લોકો સ્થાનિક ભાષામાં
ઈન્ટરનેટ સેવા ઉપયોગમાં લે છે. ઈન્ટરનેટ ઉપયોગ કરતા લોકોનો 55 ટકા હિસ્સો ગ્રામ્ય વિસ્તારમાં
છે. ઈન્ટરનેટ સેવાઓના વિવિધ ઉપયોગ કરતા લોકો પૈકી 53 ટકા પુરુષો અને 4% ટકા મહિલાઓ
છે. એક સમયની શોધ આજની જરુરત બની છે. ઈન્ટરનેટ 1995ની આસપાસ ભારતમાં ફેલાવાનું શરુ
થયું, સર્ચ એન્જિનો આવ્યાં અને આજે રાજિંદા જીવનનો હિસ્સો બની ગયું છે. વિદ્યાર્થીથી
લઈને વડીલો, ગ્રામપંચાયતથી લઈને પીએમઓ સુધી તે અનિવાર્યતા સ્થાપી ચૂક્યું છે. કૃષિને
લગતી બાબતો હોય કે કોઈ યોજનાના ફોર્મ ભરવાની વિધિ કે પછી ઓળખકાર્ડ-આધારકાર્ડ, લાયસન્સ
જેવી બાબતો હવે ઓનલાઈન થઈ રહી છે. એસટીની બસના રિઝર્વેશનથી લઈને પરદેશની મુસાફરીના
બાકિંગ માટે આ ટેક્નોલોજી છે. ઈન્ટરનેટનો વધતો ઉપયોગ એક તરફ ટેક્નોલોજી માટેની પ્રજાની
જાગૃતિ અને અભિમુખતા દર્શાવે છે તો બીજી બાજુ તેમાં લાલબત્તીની ઝાંય પણ છે. સાયબર ફ્રોડ,
પોર્નોગ્રાફી, વિવિધ સોશિયલ સાઈટ્સના અતિરેકથી થતી સામાજિક માનસિક સમસ્યાઓ આ ટેક્નોલોજીના
વપરાશના સિક્કાની બીજી બાજુ છે પરંતુ વિજ્ઞાનની કોઈ પણ શોધમાં એવું જ છે. સરકારી અને
સામાજિક બન્ને નિયંત્રણો કે માર્ગદર્શિકા યોગ્ય રીતે કામ કરે તો ઈન્ટરનેટ સુવિધા માનવજાતની
આજ માટે વિશ્વસ્તરની વિશિષ્ટ સગવડ છે જે ધીમે ધીમે સામાન્ય બની રહી છે.