• શનિવાર, 18 મે, 2024

લગ્ન : સમય વર્તે સાવધાન

દેશની સર્વોચ્ચ અદાલતે હિન્દુ લગ્ન વિશે ટિપ્પણ કરતાં કહ્યું છે કે જો વિધિપૂર્વક વિવાહ સમારોહ નહીં થયો તો, હિન્દુ વિધિ લગ્ન અમાન્ય છે. કોર્ટે હિન્દુ લગ્ન અધિનિયમ 1955 અંતર્ગત લગ્નની કાયદાકીય આવશ્યકતાઓ અને પવિત્રતાને સ્પષ્ટ કરવાનો જે પ્રયાસ કર્યો છે, તે અંગે ગંભીરતાથી વિચાર કરવાની આવશ્યક્તા છે. આ ચુકાદાને એકંદરે જોવા-સમજવાની જરૂર છે અન્યથા હિન્દુ લગ્નની કાયદેસરતાને લઈ હંમેશાં સવાલ ઊભો રહેશે.

અદાલતે એ વાત પર ભાર મૂક્યો છે કે હિન્દુ લગ્નની કાયદેસરતા માટે સપ્તપદી એટલે પવિત્ર અગ્નિ ફરતે સાત ફેરા જેવા ઉચિત સંસ્કાર થયા હોય એ આવશ્યક છે. વિવાદની સ્થિતિમાં સમારોહના પુરાવા રજૂ કરવા પણ આવશ્યક છે. સાત ફેરા અને વિધિનું મૂલ્ય સમજાવવાનો આ પ્રયાસ ધ્યાન ખેંચનારો છે. એમાં કોઈ શંકા નથી કે લગ્ન સંસ્કારનું મૂળ મહત્ત્વ અગાઉની સરખામણીમાં ઓછું થયું છે; હવે લગ્ન દેખાડો, મજબૂરી કે સમજૂતી પૂરતી બાબત રહી ગઈ છે. કોર્ટે  ચુકાદામાં ઉચિત જ કહ્યું છે કે હિન્દુ લગ્ન એક સંસ્કાર છે, જેને ભારતીય સમાજમાં મહાન મૂલ્ય સંસ્થાનો દરજજો આપવો જોઈએ.

જે લોકો વિવાહને માત્ર એક રજિસ્ટ્રેશન માને છે તેમના માટે આ આંખ ઉઘાડનારી બાબત છે. સાત ફેરાનો અર્થ સમજવો પડશે. સાત ફેરાનો અર્થ સમજ્યા વિના હિન્દુ લગ્નને સમજવું મુશ્કેલ છે અને સુપ્રીમ કોર્ટના તાજા ચુકાદામાં આવી જ સમજણના પ્રયાસ ઝળકે છે. અદાલતે એ પણ સ્પષ્ટ કર્યું છે કે હિન્દુ લગ્ન એક સંસ્કાર છે અને તે નાચવું- ગાવું, ખાણી-પીણી-ઉજવણી પૂરતું આયોજન નથી. અપેક્ષિત વિવાહ સમારોહ થવો જોઈએ. તેના વિના ફક્ત રજિસ્ટ્રેશનથી લગ્ન કાયદેસર નથી બની જતાં. દહેજ કે ભેટનું આદાન પ્રદાન પણ વિવાહ નથી અને તેને રોકવા માટે કાયદો પણ લાગુ છે. એકંદરે, જો કોર્ટનો સંદેશ એ છે કે બિનજરૂરી તમાશા-દેખાડાથી દૂર રહી લગ્નના મૂળ અર્થને સમજવો જોઈએ, તો આ બાબત સુખદ અને સ્વાગત યોગ્ય છે.

આમ છતાં અદાલતોએ સચેત રહેવું પડશે કે તાજા ચુકાદા પછી લગ્ન રજિસ્ટ્રેશનનું મહત્ત્વ ઓછું ન થઈ જાય. અસંખ્ય લગ્ન કેટલીક કાયદેસર જરૂરિયાતો તથા સુરક્ષાની દૃષ્ટિએ રજિસ્ટર્ડ કરવામાં આવે છે. લગ્નમાં રજિસ્ટ્રેશનનો આ માર્ગ બંધ ન થાય એ પણ અદાલતે જોવાનું રહેશે. લગ્નો સ્વર્ગમાં નક્કી થાય છે એવું કહેવાય છે, ધરતી પર તો માત્ર વિધિ થાય છે. પણ, હવે સર્વોચ્ચ અદાલતે વિધિ પર ભાર મૂકતાં ચિત્ર બદલાયું છે.

છેલ્લાં વર્ષોમાં કેટલીક ખાસ પરિસ્થિતિના કારણે અનેક એવા ચુકાદા અદાલતે આપ્યા છે, જેના કારણે લગ્ન સંબંધી નિયમ- કાયદાઓની ગૂંચ ઉકેલવાની આવશ્યક્તા વધી ગઈ છે. જેમ કે, અલાહાબાદ હાઈ કોર્ટની લખનઊ બૅન્ચે એ માન્યું છે કે હિન્દુ લગ્ન અધિનિયમ અનુસાર સંપન્ન કરવા માટે કન્યાદાન સમારોહ આવશ્યક નથી. મધ્યપ્રદેશની એક ફેમિલી કોર્ટના ચુકાદામાં મહિલા પક્ષને સમજાવવામાં આવ્યું હતું કે સિંદુર લગાવવું વિવાહિત હિન્દુ મહિલાનું ધાર્મિક કર્તવ્ય છે. જોકે, એ સવાલ પૂછી શકાય છે કે ધાર્મિક કર્તવ્ય ચીંધવાનું કે નક્કી કરવાનું કામ કોનું છે? ખરેખર, બદલતા સમયમાં લગ્નનાં તમામ જૂનાં પ્રતીકો અને વિધિઓ પર પુનર્વિચાર કરવાની આવશ્યક્તા છે.

ઇ-પેપરના નવા શુલ્ક