• રવિવાર, 19 મે, 2024

75 વર્ષથી ચાલતા અખંડ યજ્ઞમાં આહુતિ આપવાનો અવસર

લોકશાહીના સંવર્ધન અને સલામતી માટેનું કર્તવ્ય નિભાવવાનો વારો હવે ગુજરાતવાસીઓનો છે. લોકસભાની અનેક રીતે નિર્ણાયક સાબિત થનારી ચૂંટણીના બે તબક્કા પૂર્ણ થયા બાદ દવે આવતીકાલે, 7મી મેએ એટલે ગુરુદેવ ટાગોરના જન્મદિવસે ત્રીજો દૌર છે. ગુજરાતની 26માંથી 25 બેઠકો પર મતદાન યોજાશે. સુરત બેઠક પરના મતદારોનો મતાધિકાર તો છિનવાઈ ગયો છે. કોંગ્રેસના ઉમેદવારે કરેલી ભૂલને લીધે એવું થયું અને તેને સુધારવા કોંગ્રેસના મોવડીઓએ એક પણ પગલું ભર્યું નહી. હવે 25 બેઠક પર આ મહત્વનો જંગ છે. લોકશાહીમાં સરકારો બદલાતી રહે કે પ્રજા તો તેને સમર્થન આપે તો એની એ રહે પરંતુ સંવિધાન અને લોકતંત્રના મૂલ્યો અક્ષુણ્ણ રહેવા જોઈએ. લોકશાહીને ટકાવવાનું કામ મતદારોનું, નાગરિકોનું છે.

દેશ અત્યારે એક વિશિષ્ટ કાળખંડમાંથી પસાર થઈ રહ્યો છે. એક તરફ વિકાસની વધેલી ગતિ છે. નવી સુવિધા, સાધનો, સંશાધનો, શસ્ત્રો છે. બીજી તરફ ધાર્મિક જાગરણ થઈ રહ્યું હોવાનુ, હિન્દુઓનું આત્મસન્માન પુન: જાગૃત થયાનું પણ એક વર્ગને લાગી રહ્યું છે. દેશમાં નવા સંસ્થાનો વિવિધ ક્ષેત્રે બની રહ્યાં છે. માખળાંગત સુવિધા-ટ્રેન, રસ્તાઓમાં દૃષ્ટિમાં આવે તેવો સુધારો થઈ રહ્યો છે. સામે આતંકવાદ, નકસલવાદના પડકાર યથાવત્ છે. દેશના 80 કરોડ બાંધવોને અન્ન મફત આપવાની જવાબદારી કેન્દ્ર સરકાર નિભાવી રહી છે. આ સંખ્યા ઝડપથી ઓછી થાય તે આવશ્યક છે.

2022ના ડીસેમ્બરમાં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ તેને નિષ્ણાતો સેમિફાઈનલ કહેતા હતા. તેમાં ભાજપે 156 બેઠક મેળવીને વિક્રમ સર્જ્યો હતો એટલે કે સારું પરફોર્મન્સ હતું તો આ હવે ફાઈનલ જંગ છે. ભાજપનો મનોરથ 400થી વધારે બેઠક પર વિજય મેળવવાનો છે. ભાજપ પાસે છેલ્લા દસ વર્ષના કાર્યોનું સરવૈયું છે. વિકાસકામોની વાત પણ તે કરી શકે તેમ છે. પ્રજાના મનમાં પણ વધારે મહત્વનું સ્થાન તો જાન્યુઆરીમાં ઉદ્ઘાટિત થયેલું અયોધ્યાના રામમંદિર, કાશ્મિરમાંથી નાબૂદ થયેલી કલમ 370 અને સીએએ જેવા કાનૂનનું છે. પેટ્રોલના ભાવ ન ઘટે, પેપર ફૂટે કે બેરોજગારી દર યથાવત રહે તો પણ નાગરિકો તેનો રોષ વ્યક્ત કરતા નથી.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તેમની સભામાં વારંવાર ઉલ્લેખ કરે છે દસ વર્ષમાં તો જે થયું તે હજી ટ્રેલર છે. ફિલ્મ તો બાકી છે. તેઓ કહે છે કે ત્રીજી ટર્મમાં ઘણા મોટા નિર્ણયો થવાના છે. વિપક્ષ કંઈ પણ કહે, તેમના શબ્દો પર પ્રજાને હજી પ્રજાને ભરોસો છે. કોંગ્રેસ દેશની જૂની રાજકીય પાર્ટી છે પરંતુ આજે જર્જરિત થતી જણાય છે. જો કે રાહુલ ગાંધી પરિશ્રમ કરી રહ્યા છે. પ્રિયંકા ગાંધી જાહેરસભામાં તેમનો બચાવ કરતાં કહે છે કે ભલે તમે તેને શહેઝાદો કહો, એ 4000 કિલોમીટર ચાલીને દેશમાં ફર્યા છે.

ભાજપ - એન ડી એ અને ઈન્ડીયા ગઠબંધન વચ્ચે  ચૂંટણી જંગ છે. ઈન્ડીયા શરૂઆતમાં મોટો મેળાવડો હતો પછી નીતિશ કુમાર જેવા નેતા ખડયા. કોંગ્રેસે  લોકસભા ચૂંટણીના આમ આદમી પાર્ટી  સાથે ગઠબંધન કર્યું . આવી અનેક ઘટનાઓ બનતી રહી. જેને લીધે વિપક્ષ પર પ્રજાને જે વિશ્વાસ બેસવો જોઈએ તે બેઠો નહી. વિક્લ્પ તરીકે કોણ ? એ પ્રશ્નાર્થ મોટો થતો ગયો. ઈન્ડીયા સંગઠન ગાજતું રહ્યું વરસ્યું નહી.

આ ચૂંટણીમાં આમ કોઈ વિશેષ મુદ્દો પણ ઉછળ્યો નથી.  દેશ વ્યાપી કોઈ બાબત આવી નથી.  નરેન્દ્રભાઇ અનામતને અનુલક્ષીને સભામાં ઉલ્લેખ કરે છે. બન્ને મુખ્ય રાજકીય પક્ષો તરફથી આક્ષેપો ચાલી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટી વારસા સંપત્તિના વેરાના કોંગ્રેસના વિચારને મુદ્દો બનાવીને કહી રહ્યા છે કે તમારા મંગળસૂત્ર પણ સલામત નથી. કોંગ્રેસ આક્ષેપ કરી રહી  છે કે ભાજપની સરકાર બનશે તો સંવિધાન ફરી જશે. આવા અનેક મુદ્દા છે. વચ્ચે છે 140 કરોડની જનતા અને 96.88 કરોડ મતદાર. તેમના વલણ, તેમના વિચાર, તેમની આકાંક્ષા, અપેક્ષા. વચ્ચે છે દેશનો વિકાસ, દેશની શાંતિ અને સલામતિ. કતારમાં ફસાયેલા આપણી નૌસેનાના અધિકારીઓને બચાવવાનું પડકારરુપ કાર્ય આ ચૂંટણીમાં ક્યાંય ચર્ચામાં નથી.

આસપાસ યુદ્ધની સ્થિતિ છે તેની વચ્ચે ભારતે સમતોલ વલણ અત્યાર સુધી દર્શાવ્યું છે. ઈસ્લામિક રાષ્ટ્ર સાથેના સંબંધ વધારે મજબૂત બનાવ્યા છે. આંતર રાષ્ટ્રીય સ્તરે ભારતની છબિ ઊજળી બની છે. આવા મુદ્દા ચૂંટણીમાં ચર્ચાશે તેવી અપેક્ષા હતી. વર્તમાન સરકાર એવી ખાતરી આપી રહી છે કે આગામી સમયમાં ભારત વિશ્વનું ત્રીજું અર્થતંત્ર બનશે. સામાન્ય નાગરિકોને પણ તેનો લાભ મળશે તેવું સરકાર કહે છે. છેલ્લા પાંચ વર્ષમાં અંતરિક્ષ વિજ્ઞાનમાં પણ ભારતે વિશ્વને નવાઈ પમાડે તેવી સિદ્ધિ પ્રાપ્ત કરી છે. આ યાત્રા હજી આગળ ચાલી રહી છે. દેશ બદલ રહા હૈ એવું સૂત્ર ગાજી રહ્યું છે. સામે ગ્રામ્ય વિસ્તારમાં કૃષિક્ષેત્ર સામેના પડકાર, ખાસ તો શિક્ષણ વ્યવસ્થાની અગ્રતા આવશ્યક છે.

આવા અનેક મુદ્દા છે, ચૂંટણીમાં ભલે ન ચર્ચાયા પરંતુ નવી જે પણ સરકાર રચાય તે આ મુદ્દે કામ કરે તે જરુરી છે. આ દેશના મૂલ્યો, પરંપરા અન્ય દેશો કરતાં અલગ છે. અહીં સદીઓથી સાર્વજનિક કે સામૂહિક સંસ્કૃતિઓ જીવતી રહી છે. દેશનું બંધારણ તેના શ્રેયનું અધિકારી છે. ચૂંટણી અને તેમાં થતું મતદાન આ બાબતમાં સૌથી અગત્યના મુદ્દા છે. સાતમી મેએ મતદાન છે. જેમણે જે કંઈ પ્રચાર કર્યો છે તે એમનો અધિકાર છે. એમનું કાર્યક્ષેત્ર છે. આપણને કોઈ પક્ષ, કોઈ નેતા ગમે તે આપણો-મતદારોનો અધિકાર છે. મતદાન થવું તે સૌથી જરુરી છે.આ અવસર અગત્યનો છે. લોકતંત્રની એક પ્રકારે આરતી છે. પ્રત્યેક મત લોકશાહીના આ 75 વર્ષના અખંડ યજ્ઞમાં અપાતી આહુતિ છે. આપણે પણ આહુતિથી વંચિત ન રહીએ તે જરુરી છે.

ઇ-પેપરના નવા શુલ્ક