• સોમવાર, 20 મે, 2024

સેનાની કાર્યવાહી પર પણ સિયાસત

પુંચમાં થયેલા આતંકી હુમલા પછી ભાજપ-કોંગ્રેસના સામસામે થતા હુમલા વિચિત્ર લાગી રહ્યા છે. સૈનિકો, સેના અને શહીદો માટે પણ આ દેશમાં રાજકીય વિવાદો થાય તે શરમજનક છે. આતંકી હુમલા અને તે પણ એવા કે જે હુમલામાં કોઈ શહીદ થયું હોય તેને સ્ટંટ ગણાવવા એ રાજકીય જ નહીં માનવીય પરિપક્વતા પણ નથી. વિપક્ષની ટીકા થઈ શકે, થવી જોઈએ. ચૂંટણી ચાલી રહી છે ત્યારે પણ થવી જોઈએ પરંતુ રાજકીય નિવેદનોમાં દેશની સેના કે સૈનિકો પર શંકા થતી જણાય તેવી વાતોથી સૌ કોઈએ દૂર રહેવું જોઈએ. કમનસીબે આપણે ત્યાં એવું બનતું નથી.

શનિવારે પુંચ ક્ષેત્રમાં આતંકી હુમલો થયો, એક સૈનિકે શહીદી વ્હોરી અને કોંગ્રેસના લોકસભાની જાલંધર બેઠકના ઉમેદવાર, પૂર્વ મુખ્યમંત્રી ચરણસિંહ ચન્નીએ કહ્યું કે આવા હુમલા તો ભાજપનો સ્ટંટ છે. અગાઉ પણ ચૂંટણી નદીક હતી ત્યારે આવું થયું હતું. એક રાજનેતા તરીકે તેમનું આ નિવેદન યોગ્ય નથી. દેશના કોઈ આંતરિક વિસ્તારમાં પથ્થરમારો થાય, મોબલિચિંગ થાય કે કોમી દંગલ થાય તે સમયે રાજકીય પક્ષો આવી ઘટના માટે એકબીજાને જવાબદાર ઠેરવતા હોય છે. જેની સત્તા હોય તે પક્ષ સ્પેશ્યલ ઈન્વેસ્ટિગેટિવ ટીમની રચના કરે વગેરે બધું બનતું રહે છે. સરહદ પર કે કાશ્મિર જેવા સંવેદનશીલ ક્ષેત્રમાં આતંકીઓ દ્વારા થતો હુમલો સામાન્ય ઘટના નથી. આવા હુમલાને સ્ટંટ ગણાવવાની ચેષ્ટા ટીકાપાત્ર બને તે સમજી શકાય.

આતંકવાદ આંતરરાષ્ટ્રીય મુદ્દો છે. આતંકી હુમલો તે કોઈ એક પક્ષની સરકારની સેના પર કે શહેર-ગામ પર થતો નથી. આ રાષ્ટ્રની અસ્મિતા, રાષ્ટ્રની સુરક્ષા પરનો હુમલો છે. તેની સામે સૌએ એક થઈને લડવાનું હોય. કોઈ દુર્ઘટના ટાળવામાં સરકારી એજન્સી કે અન્ય તંત્ર નિષ્ફળ જાય તો તેની ટીકા થઈ શકે, સુરક્ષા વ્યવસ્થામાં સુધાર કરવા માટેના સૂચનો આપી શકાય પરંતુ હુમલાને સ્ટંટ ગણાવાય નહીં. આ અગાઉ થયેલા આવા હુમલા વખતે પણ વિપક્ષોએ આવા સવાલ ઊઠાવ્યા હતા. કેજરીવાલ જેવા કેટલાક નેતાઓએ તો સર્જિકલ સ્ટ્રાઈકના પુરાવા પણ માગ્યા હતા.

સેનાએ વળતો પ્રહાર કર્યો હોય કે નહીં, સર્જિકલ સ્ટ્રાઈક થઈ હોય કે નહીં તે જાહેર ચર્ચાનો વિષય નથી અને તેની ટીકા કરવાથી શાસકપક્ષની જ નહીં પરંતુ સેનાની ટીકા થાય. દેશની પ્રજાના નૈતિક જુસ્સા પર અસર થઈ શકે. આતંકી હુમલો સામાન્ય વાત નથી. તેની સામે ઝઝૂમવાની સરકારની નીતિ કે ક્ષમતા સામે સવાલ ઉઠાવવા તે અલગ વાત છે. થયેલા આતંકી હુમલાને સ્ટંટ ગણાવવો તે તદ્દન જુદી માનસિકતા છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક