પોરબંદર સહિત રાજયના સાગરપુત્રો વર્ષોથી ચાલતો પકડા પકડીનો ખેલ બંધ થતાં ખુશ : અઢી મહિનાના વેકેશનમાં સાગરપુત્રો અનેક પ્રસંગો ઉજવશે
પોરબંદર,
તા.1: સાગર ખેડૂ સમાજનું વેકેશન શરૂ થયું છે ત્યારે ખુશીની વાત એ છે કે આ વખતે પહેલીવાર
એવી સીઝન પૂર્ણ થઇ છે કે જેમાં એક પણ ભારતીય બોટનું પાક મરીન દ્વારા અપહરણ કરાયું નથી.
તેથી સાગર ખેડૂ પરિવારમાં બમણી ખુશી વ્યાપી ગઇ છે અને આવનારા અઢી મહીનાના વેકેશનને
ઉજવવા લોકો થનગની રહ્યા છે.
પહેલી
જૂનથી સાગર પુત્રોના વેકેશનનો પ્રારંભ થયો છે અને આ વખતે પહેલી જૂનથી 15 ઓગસ્ટ સુધી
અરબી સમુદ્રમાં માછીમારી ઉપર પ્રતિબંધ હોવાથી અઢી મહિનાના આ વેકેશન દરમિયાન ખમીરવંતા
સાગર પુત્રો લગ્ન સહિતના સામાજિક પ્રસંગો ઉજવશે.
પોતાના
જીવના જોખમે અને ઘરબારની પરવા કર્યા વિના પરિવારજનોનું પેટીયુ રળવા માટે દરિયો ખુંદતા
સાગર ખેડૂ ખારવા સમાજ સહિતના માછીમારોનું વેકેશન શરૂ થઇ ચૂકયું છે આ વર્ષે પહેલી જૂનથી
31 જુલાઇને બદલે માછીમારોની માગણી અનુસંધાને 15 ઓગસ્ટ સુધીનું વેકેશન જાહેર કરવામાં
આવ્યું છે.
ત્યારે
આ દિવસો દરમિયાન ખારવા સમાજ દ્વારા જુદા જુદા સામાજિક પ્રસંગો અને લગ્ન ઉત્સવ સહિત
ઉજવણી કરવામાં આવતી હોય છે. ખારવા સમાજનો સૌથી મોટો તહેવાર અષાઢી બીજની ઉજવણી પણ કરવામાં
આવશે જેમાં ભવ્યાતિ ભવ્ય રથયાત્રા, રામદેવજી મહાપ્રભુના વરઘોડાનું આયોજન પણ કરવામાં
આવશે તેમજ માછીમારો પોતાની બોટની તમામ પ્રકારે મરામત કરશે.
હવે
માછીમારો આઇ.એમ.બી.એલ. સુધી જતા નથી
એકંદરે
પૂર્ણ થયેલી માછીમારીની સિઝન આ વખતે સારી ગઇ છે. પાકિસ્તાની મરીન સિકયુરિટીના આતકની
પરિસ્થિતિ જોવા મળી નથી. માછીમાર બોટ એસોસિએશનના પૂર્વ પ્રમુખ અને માછીમાર આગેવાન જીવનભાઇ
જુંગીએ માહિતી આપતા જણાવ્યું હતું કે ફિશીંગની સીઝન પૂર્ણ થઇ છે ત્યારે આ સિઝન દરમિયાન
પાકિસ્તાન મરીન દ્વારા આપણી એક ફિશિંગ બોટનું અપહરણ થયું નથી. દર વર્ષે પાકિસ્તાની
મરીન સિકયુરિટી એજન્સી દ્વારા આઇએમબીએલ નજીકથી અનેક બોટોના અપહરણ કરવામાં આવે છે અને
માછીમારોને ઉઠાવી જવામાં આવે છે તથા પાકિસ્તાનની
જુદી જુદી જેલોમાં ધકેલી દેવામાં આવે છે.
પરંતુ
હવે માછીમારો અને બોટ માલિકોમાં પણ જાગૃતિ આવી છે તેથી આઇ.એમ.બી.એલ. સુધી માછીમારો
માછલા પકડવા જતા નથી અને પાકિસ્તાન દ્વારા પણ દરિયાઇ સરહદનું ઉલ્લંઘન કરવામાં આવે તો
તેમને ખબર છે કે ભારત વળતો પ્રહાર કરી શકે તેમ છે તેથી ફિશિંગની સીઝન દરમિયાન એક ફિશિંગ
બોટનું અપહરણ થયું નથી તે સાગર પુત્રો માટે ખુશીની વાત છે.