• રવિવાર, 19 મે, 2024

રાજકોટ પોલીસ મથકમાં ઢોરમાર મારતા યુવકનું મૃત્યુ

અજાણ્યા પોલીસ સામે હત્યાનો ગુનો નોંધાયો!  ધરપકડ ન થાય ત્યાં સુધી લાશ સ્વીકારવાનો ઈનકાર

મૃતકની લાશ બરફની પાટ પર રાખી આંબેડકરના પૂતળા પાસે વિરોધ સૂત્રોચ્ચાર

રાજકોટ, તા.16 (ફૂલછાબ ન્યૂઝ): રાજકોટ શહેરના ગોંડલ રોડ એસ.ટી. વર્કશોપ પાછળ આંબેડકરનગરમાં બે પરિવારો વચ્ચે માથાકૂટ થઈ હોવાની માલવિયાનગર પોલીસને જાણ કરાતા પીસીઆર વાન ઘટના સ્થળે દોડી જઈ એક યુવકને પોલીસ મથકે ઉઠાવી લાવ્યા બાદ પોલીસ મથકમાં બેફામ માર માર્યા બાદ તબિયત લથડતા ખાનગી હોસ્પિટલ ખસેડાયેલા યુવકનું મૃત્યુ નીપજતા કસ્ટોડિયલ ડેથના બનાવે ચકચાર જગાવી છે. જે અંગે અજાણ્યા પોલીસ સામે પ્રથમ હત્યાની કોશિષ અને ત્યારબાદ હત્યાની કલમનો ઉમેરો કરવામાં આવ્યો હતો. 

પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ શહેરના ખોડિયારનગર શેરી નં.16માં રાજુ સોલંકી  અને તેના દીકરા જયેશ સોલંકીને પડોશી સાથે માથાકૂટ થઈ હોય જેથી જયેશ સોલંકી તેના કાકા હમીર ઉર્ફે ગોપાલ દેવજીભાઈ રાઠોડ પાસે આવ્યો હતો અને તેની સાથે સમજાવવા અને સમાધાન કરાવા પહોંચેલા હમીર ઉર્ફે ગોપાલ રાઠોડને એ સમયે માલવિયાનગર પોલીસ મથકની પીસીઆર વાન આવી પહોંચતા તેને પોલીસ મથક ઉઠાવી ગયા હતા.

પોલીસ મથકમાં હમીર ઉર્ફે ગોપાલને બેફામ માર મારવામાં આવ્યો હતો. તે દરમિયાન તેના પરિવારજનો ત્યાં પહોંચતા તેની હાલત બગડતા સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં બેભાન હાલતમાં તેનું મૃત્યુ નીપજતા આ અંગેની જાણ સમાજના અગ્રણીઓને કરવામાં આવતા પોલીસ મથક તેમજ હોસ્પિટલ ખાતે ટોળા એકઠા થયા હતા તેમજ રસ્તા પર ચકાજામ કરી વિરોધ કર્યો હતો.

પોલીસ કસ્ટડીમાં ઢોર માર મારવામાં આવતા મૃતકના પત્નીની પ્રથમ હત્યાની કોશિષની ફરિયાદ નોંધ્યા બાદ સમાજે વિરોધ દર્શાવતા અંતે અજાણ્યા પોલીસવાળા સામે હત્યાની કલમનો ઉમેરો કરવામાં આવ્યો હતો પરંતુ કોઈ ચોક્કસ માર મારનાર પોલીસવાળાનું નામ લખવામાં ન આવતા તેમજ ધરપકડ કરવામાં ન આવે ત્યાં સુધી પરિવારજનોએ લાશ સ્વીકારવાનો ઈન્કાર કરી દીધો હતો.

વધુમાં જાણવા મળ્યા મુજબ હમીર ઉર્ફે ગોપાલને શરીરમાં વાસાના તેમજ હાથ, પગ, સાથડ અને પુંઠના ભાગે લાકડીથી ઢોર માર માર્યો હોય શરીર પર રીતસરના ચાંભાના નિશાનો નજરે પડતા હતા. જેના કારણે હોસ્પિટલ પીએમ રૂમ ખાતે રીતસરનો ટોળામાં રોષ જોવા મળતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ મામલો થાળે પાડવા દોડી ગયા હતા પરંતુ આ લખાય છે ત્યાં સુધી માર મારનાર ચોક્કસ પોલીસનું નામ બહાર આવ્યું નથી તેમજ કોઈની ધરપકડ કરવામાં આવી નથી.

અત્રે ઉલ્લેખનીય છે કે, મૃતકના પરિવારજનો અને સમાજ દ્વારા યુવકના મૃતદેહને બરફની પાટ પર રાખી હોસ્પિટલ ચોકમાં આવેલ ડો.આંબેડકરના સ્ટેચ્યુ પાસે રાખી પોલીસનો વિરોધ તેમજ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યો હતો અને તાત્કાલિક પોલીસવાળાની ધરપકડ નહીં કરવામાં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક