• શનિવાર, 04 મે, 2024

માંગરોળમાં મહી-પરીએજના નીર ન મળતાં લોકોને પીવાના પાણીના ય ફાંફાં

મોટાભાગના વિસ્તારો નવ - નવ દિવસથી પાણીથી વંચિત : પાણી વેચાતું લેવા લોકો મજબૂર 

માંગરોળ તા.21: માંગરોળમાં પાણીના પ્રશ્ને પ્રજામાં ધૂંધવાટ સર્જાયો છે. ઉનાળાના પ્રારંભે જ પાણી પૂરું પાડતા ન.પા.ના કૂવા ડૂકી ગયા છે. તો બીજી તરફ પા.પુ. બોર્ડ દ્વારા તદન અપુરતું અને અનિયમિત પાણી મળતાં હાલ શહેરમાં અનેક વિસ્તારોમાં નવ દિવસથી પાણી મળ્યું નથી. પાણીના સંગ્રહ માટે કોઈ સુવિધા ન ધરાવતા પરિવારોની સ્થિતિ કફોડી બની છે. પાણીની કારમી તંગી સર્જાતા નેતાઓ સામે નારાજગી વ્યક્ત થઈ રહી છે.

દર વખતની જેમ શહેરને પાણી પૂરું પાડતા ન.પા. હસ્તકના કુવાઓમાં પાણી ખૂટી જતાં પાણીની અછત સર્જાઈ છે. હાલ ઉલાળે આવેલા કુવાઓમાંથી બે દિવસે માંડ પાંચથી સાત લાખ લીટર પાણી મળે છે. જેમાંથી ફક્ત ત્રણ ઝોનને પાણી પુરુ પાડી શકાય છે. દરરોજ 60 લાખ લીટર પાણી ઉપલબ્ધ થાય તો પણ શહેરના 41 ઝોનમાં તબક્કાવાર છ થી સાત દિવસે પાણી વિતરણ થઈ શકે. આ સ્થિતિમાં જેના પર મોટો આધાર છે તે પા.પુ. બોર્ડ દ્વારા આપવામાં આવતો મહી - પરીએજના પાણીનો જથ્થો પણ તદન અનિયમિત અને અપૂરતો છે. ન.પા.ના સૂત્રોના જણાવ્યા મુજબ છેલ્લા દસ દિવસમાં પા.પુ. બોર્ડ દ્વારા બે વખત 35 લાખ અને બે વખત 30 લાખ લીટર પાણી મળ્યું છે. પાણીની ઘેરી તંગી વચ્ચે જરૂરીયાતના પ્રમાણમાં આ જથ્થો અપૂરતો છે. પરિણામે પાણી વિતરણ ખોરંભાઈ જતા શહેરમાં મોટાભાગના વિસ્તારોમાં બૂમરાણ ઉઠી છે. 

પાણીની તંગીની સ્થિતિ અંગે સ્થાનિક નેતાઓ અજાણ હોવાનો લોકોમાં ગણગણાટ શરૂ થયો છે. ગરીબ અને પછાત વિસ્તારોમાં પાણીના સંગ્રહની કોઈ વ્યવસ્થા ન હોય તેવા લોકોની હાલત દયનીય બની છે. મોટાભાગની ડંકીઓ (હેન્ડપંપ) બંધ હાલતમાં છે. પાયાની જરૂરિયાત એવા પાણી માટે પ્રજા વલખાં મારી રહી છે. માંડ બે ટંકનું પુરૂ કરતા પરિવારોને પાણી વેચાતું લેવું પડી રહ્યું છે ત્યારે ન.પા. અને પા.પુ.બોર્ડ વચ્ચે સંકલનનો અભાવ અને નેતાઓ ચૂંટણીમાં વ્યસ્ત હોવાના ઉપસેલા ચિત્ર વચ્ચે યોગ્ય આયોજન થકી પાણીના પ્રશ્નનું તાત્કાલિક નિવારણ લાવવા માગ ઉઠી છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક