• રવિવાર, 12 મે, 2024

ભાજપના મેન્ડેટ વિરુદ્ધ જયેશ રાદડિયાએ ભર્યું ફોર્મ, ઇફ્કોમાં ચૂંટણી પહેલા વિવાદ

મેન્ડેટની પોતાને જાણ જ ન હોવાનું બહાનું જયેશ રાદડિયાએ આગળ ધરતા અનેક તર્ક-િવતર્કો

અમદાવાદ, તા.27 : સહકારી ક્ષેત્રની સૌથી મોટી સંસ્થા ઈફ્કોના બોર્ડ ઓફ ડિરેક્ટરની આગામી નવમી મેએ યોજવામાં આવનારી ચૂંટણી પહેલા જ વિવાદ ઉભો થયો છે. જેમાં ગુજરાતના પ્રતિનિધિ તરીકે ભાજપ તરફથી ગુજરાતના ઉમેદવાર તરીકે સહકાર સેલના વડા બિપીન પટેલના નામનો મેન્ડેટ આપવામાં આવ્યો હોવા છતાં મેન્ડેટની ઉપરવટ જઈને પૂર્વ મંત્રી જયેશ રાદડિયાએ ફોર્મ ભર્યું હોવાથી જયેશ રાદડિયા સામેનો પક્ષના મોભીઓનો આક્રોશ વધી ગયો છે.

આ અંગે ઈફ્કોના ચેરમેન દિલીપ સંઘાણીએ જણાવ્યું કે આ ચૂંટણીમાં મેન્ડેટ હોતો નથી અને તેમણે ઉમેદવારી નોંધાવી છે. ગુજરાત માટે આ કેન્દ્રીય સંસ્થામાં બે સીટ હોય છે. તેમના ઉપરાંત જયેશ રાદડિયાએ પણ ફોર્મ ભર્યું છે. આ ઉપરાંત અમદાવાદથી બીપીન પટેલે પણ ઉમેદવારી નોંધાવી છે. ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટિલ દ્વારા બિપીન પટેલના નામનો મેન્ડેડ ઈશ્યૂ કરવામાં આવ્યો છે. પ્રદેશ પ્રમુખ બન્યા પછી તેઓ મેન્ડેટ આપીને જ સહકારી સંસ્થાઓમાં ભાજપનાં ઉમેદવાર ઉભા રાખે છે. આ સ્થિતિમાં મેન્ડેડ જ સુપ્રીમ ગણાય છે. 

વધુ મળતી વિગતો અનુસાર ગુજરાતના દરેક જિલ્લા અને શહેર પ્રમુખને મેન્ડેટની કોપી મોકલીને તથા ફોનથી સંદેશ આપીને જાણ કરી દેવાઈ છે અને ગુજરાતના તમામ 181 મત બિપીન પટેલની તરફેણમાં પડે તેની તકેદારી લેવાની સૂચના પણ આપી દેવામાં આવી છે. આમ છતાંય મેન્ડેટની પોતાને જાણ જ ન હોવાનું બહાનું જયેશ રાદડિયાએ આગળ કર્યું છે. વાસ્તવમાં રાજકોટના જિલ્લા અને શહેર પ્રમુખે જયેશ રાદડિયાને મેન્ડેટની જાણ કરી હોવાનું કહેવાય છે. તેમ છતાં તેમણે મેન્ડેટ વિરુદ્ધ જઈ ફોર્મ ભર્યું હોવાથી તેમની સામે પક્ષની નારાજગી વધી ગઈ છે. રાજકોટની સહકારી ક્ષેત્રમાં અગાઉ ચૂંટણી વખતે પણ મતભેદો સપાટી પર આવ્યા હતા.

 

ઇ-પેપરના નવા શુલ્ક