• રવિવાર, 12 મે, 2024

શાળાઓ આખા વર્ષની ફી એકસાથે નહીં વસૂલી શકે

નવું સત્ર શરૂ થાય ત્યાં સુધી શાળા ફી નહીં ઉઘરાવી શકે

સત્ર શરૂ થયા પછી 3 મહિના સુધીની ફી ભરી શકાશે : અમદાવાદમાં ડીઈઓનો આદેશ

અમદાવાદ, તા. 27 : અમુક શાળાઓ દ્વારા આખા વર્ષની ફી એક સાથે જ લેવામાં આવે છે તે હવે ભરવી પડશે નહીં. ત્યારે ફી મામલે ખાનગીઓ શાળાઓ દ્વારા કરાતી મનમાની સામે અમદાવાદના ડીઈઓએ મોટું પગલું ભર્યું છે. જે અનુસાર સત્ર શરૂ થયા પછી માત્ર 3 મહિના સુધીની જ ફી ભરી શકાશે. જો કોઈ ખાનગી શાળા પોતાની મનમાની કરે તો વાલી ડીઇઓને જાણ કરી શકે છે ત્યાર બાદ વહેલી ફી વસૂલતી સ્કૂલ સામે દંડનીય અને સ્કૂલની માન્યતા રદ થવા સુધીની કાર્યવાહી થઈ શકે છે. ઉપરાંત નોટિસ બોર્ડ પર ફી માળખુ જાહેર કરવા તમામ ખાનગી શાળાઓને આદેશ કરાયો છે. 

અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારીએ તમામ ખાનગી શાળાઓને નિયમોનો પરિપત્ર મોકલ્યો છે. આ પરિપત્રમાં જણાવાયું કે, શાળાઓને કરાયેલ ફીના આદેશનું પાલન તમામે ચુસ્તપણે કરવાનું રહેશે. સાથે જ શાળાઓ ફી નિયમનના કાયદા અનુસાર ફી કમિટી દ્વારા જે ફી નક્કી કરવામાં આવી છે તેના કરતા વધુ ફી નહીં લઈ શકે. જો શાળા દ્વારા નક્કી કરાયા કરતા વધુ ફી લેવામાં આવશે તો શાળાઓ સામે કાર્યવાહી પણ કરવામાં આવશે.

અમદાવાદમાં શહેરની કેટલીક શાળાઓ શૈક્ષણિક સત્ર પહેલા જ ફીની ઉઘરાણી શરૂ કરી દે છે. એટલું જ નહીં, ફી ન ભરાય તો પરિણામ નહિ મળે તેવી ધમકી પણ આપવામાં આવે છે ત્યારે આવી ધમકી વચ્ચે પીસાતા વાલીઓ ક્યાંય ફરિયાદ પણ કરી શક્તા નથી ત્યારે આ ધમકીઓ હવે ડીઈઓ સુધી પહોંચી હતી. જેના બાદ ડીઈઓ દ્વારા શહેરની તમામ શાળાઓને સ્પષ્ટ આદેશ અપાયો છે કે, એકપણ શાળા નવું સત્ર શરૂ ન થાય ત્યા સુધી ફી ઉઘરાવી શકશે નહીં. સત્ર શરૂ થાય ત્યારે માત્ર ત્રણ મહિનાની જ ફી ઉઘરાવી શકાશે, એ સિવાય આખા વર્ષની ફી ભરવા દબાણ કરવામાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

આ સિવાય ડીઈઓ દ્વારા એ પણ આદેશ કરાયો કે, તમામ સ્કૂલોએ એફઆરસીએ મંજૂર કરેલફી માળખામાં ફરજિયાત નોટિસ બોર્ડ પર લગાવવાનું રહેશે. 

ઇ-પેપરના નવા શુલ્ક