• શનિવાર, 11 મે, 2024

મહુવામાં ડુંગળીના ડિહાઇડ્રેશનનો ધમધમાટ : ઉત્પાદનમાં વધારો થશે

15મી મે સુધી કારખાના ચાલવાની સંભાવના, ઉત્પાદનની સાથે પુરાંત પણ વધશે

રાજકોટ, તા. 27 (ફૂલછાબ ન્યૂઝ) : ડિહાઇડ્રેશન ઉત્પાદનમાં ભારતભરમાં મોનોપોલીભરી સ્થિતિ ધરાવતા મહુવાનાં યુનિટો એપ્રિલ માસના અંતે પણ ધમધમી રહ્યાં છે. સામાન્ય વર્ષોમાં આ ગાળામાં સીઝન પૂરી થતી હોય છે પણ આ વખતે હજુ પંદર વીસ દિવસ સુધી સક્રિય ઉત્પાદન થાય એમ છે. સફેદ ડુંગળીની સીઝન થોડી લાંબી ચાલતા કિબલ અને પાઉડરનું ઉત્પાદન વધશે અને કોલ્ડમાં પણ વધુ જથ્થો રહે તેવી ધારણા છે.

ડિહાઇડ્રેશન ઉદ્યોગના અગ્રણી વિઠ્ઠલભાઇ કોરડિયા કહે છે કે, સફેદ ડુંગળીની આવક એપ્રિલના અંતે હળવી થઈ જાય એમ જણાતું હતું પણ આવકનો પ્રવાહ હજુ સારો છે. મહુવા પંથકમાં આવેલા 125 જેટલા કારખાનાઓને હજુ છૂટથી ડુંગળી મળે છે. સફેદ ડુંગળી ડિહાઇડ્રેશમાં વપરાતી હોય છે. એની અછત હોય તો જ લાલ ડુંગળી ડિહાઇડ્રેશનમાં જાય છે. અત્યારે મહુવા યાર્ડ ઉપરાંત ગામડેથી ડાયરેક્ટ પણ કાચો માલ મળે છે એટલે કારખાના ધમધમી રહ્યાં છે.

સફેદ ડુંગળીનું ઉત્પાદન ઓછું છે છતાં અનેક નવા ગામડાંઓ કે જ્યાં પરંપરાગત વાવેતર થતું ન હતું ત્યાંથી માલ મળવા લાગતા કારખાનાઓને ડુંગળી મળે છે. એ જોતા 15મી મે સુધી કારખાના સરળતાથી ચાલે તેમ છે.

કારખાનાઓને કાચો માલ મણે રૂ. 250-290ના ભાવથી મળી રહી છે. ડિહાઇડ્રેશનના કારખાના વધારે સમય ચાલે એટલે ઉત્પાદન પણ વધીને આશરે 80-85 હજાર ટન થઇ જવાનો અંદાજ મુકાવા લાગ્યો છે. સીઝનના આરંભથી 70 હજાર ટન ઉત્પાદન થશે તેવી ધારણા વ્યક્ત થતી હતી. વધારે ઉત્પાદન થતા 10-12 હજાર ટન જેટલો તૈયાર માલ કેરીઓવર પણ થાય એવી શક્યતા છે.

મહુવામાં ડુંગળીના કિબલનો ભાવ એક કિલોએ રૂ. 150 અને પાઉડરનો ભાવ રૂ. 130 ચાલે છે. ડિહાઇડ્રેશનના ભાવ ઊંચા છે અને હવે વધુ તેજી થાય તો ઇજિપ્ત અને ચીન સાથે સીધી હરીફાઇમાં ભારતીય ઉત્પાદકો પાછળ રહી જાય તેમ છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક