• શુક્રવાર, 17 મે, 2024

મોદીની બે સભા વ્યૂહાત્મક રીતે ઉત્તર ગુજરાતમાં કેવી રીતે કરન્ટ આપશે ?

વડાપ્રધાને કોંગ્રેસની સાઇકોલોજિકલ નર્વવોરની લડાઈમાં પછાડવા એક કાંકરે બે નહીં પણ ત્રણ પક્ષી માર્યાં..!

ભાર્ગવ પરીખ 

 

ઉત્તર ગુજરાતમાં નરેન્દ્ર મોદી ઝંઝાવાતી સભા કોંગ્રેસ દ્વારા મોટા પાયે જનસમર્થન મળી રહ્યું હોવાની છાપને ભૂંસવા માટે યોજાઈ હોવાનું રાજકીય પંડિતો માની રહ્યા છે.

જાણીતા સેફોલોજિસ્ટ અને તાલીમ રિસર્ચ ફાઉન્ડેશનના ડિરેક્ટર એમ. આઇ. ખાને બન્ને સભાનું વિશ્લેષણ કરતાં જન્મભૂમિ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ઉત્તર ગુજરાતની પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા અને મહેસાણાની બેઠક પર ઓ.બી.સી. મતદાતા નિર્ણાયક છે. આ વિસ્તારમાં સંખ્યાબંધ બૂથ પર ભાજપ વિધાનસભાની ચૂંટણીઓ દરમિયાન પાછળ હતા. આ ઉપરાંત કોંગ્રેસે મોદીએ સભા કરી એમાં ચારમાંથી ત્રણ બેઠક પર ક્રાઉડ ફન્ડિંગથી ચૂંટણી ખર્ચ ઉપાડવા માટેની માગણી કરી હતી. ક્રાઉડ ફન્ડિંગ એ રાજકારણમાં નવી સાઇકોલોજિકલ નર્વ વોર છે.

ચૂંટણી દરમિયાન લોકો ચૂંટણી ફંડ ઉઘરાવે અને લોકો પૈસા આપે તો બીજા મતદારોને એક સંદેશો એવો જાય છે કે વિસ્તારના  લોકોનું માત્ર વૈચારિક જ નહીં આર્થિક સમર્થન છે, જે આડકતરું સમર્થન મળી રહે છે. આ સંજોગોમાં નરેન્દ્ર મોદીએ પોતાની સભામાં લોકોને સીધા સ્પર્શે એ પ્રકારે વાત કરી કોંગ્રેસને મોટો ફટકો આપ્યો છે. 

 ખાન કહે છે કે, એમણે પાટણ અને બનાસકાંઠામાં એમ કહ્યું કે, કોંગ્રેસ આવશે તો પૈતૃક સંપત્તિમાંથી 55% સરકારમાં જમા કરવાની રહેશે, એટલે કે પિતાનાં અવસાન પછી એનું પશુધન અને જમીન કોંગ્રેસ સત્તા પર આવે તો વરસામાં મળનારી જમીન અને અન્ય વસ્તુઓ કોંગ્રેસ સરકાર લઈ લેશે. જે અહીં પશુ પાલન અને ખેતી પર નભતા લોકો ને સીધી અપીલ કરે છે. તો આદિવાસી વિસ્તાર અને મહેસાણાના લોકોને પ્રધાનમંત્રી આવાસ યોજનામાં પાકા ઘર મળ્યા હોવાની અને પીવાનાં પાણી મળ્યાની વાત કરી કહ્યું કે જો કોઈને મકાન અને પાણી કે ગેસનું કનેક્શન ના મળ્યું હોય તો સ્થાનિક પ્રજા જઈને મોદી વતી ગેરંટી આપે કે ત્રીજી વાર વડાપ્રધાન બનશે તો અમને મકાન, પાણી અને ગેસ કનેક્શન મળશે. એટલું જ નહીં વારંવાર બક્ષીપંચની અનામત રદ નહીં કરવાની જાહેરાત કરી અને બંધારણમાં કોઈ ફેરફાર નહીં થાય એમ કહી આદિવાસી મતદાતાને આકર્ષી, કોંગ્રેસની સાઇકોલોજિકલ નર્વવોરની લડાઈમાં પછાડવા એક કાંકરે બે નહીં ત્રણ પક્ષી માર્યાં છે.

ઇ-પેપરના નવા શુલ્ક