• રવિવાર, 19 મે, 2024

ગુજરાતમાં 7.54 કરોડની વસ્તી, 4.97 કરોડ મતદારો

રાજ્યમાં વસ્તીની સરખામણીએ મતદારોનું પ્રમાણ 65.97 ટકા

સૌથી વધુ ગાંધીનગર જિલ્લાની વસ્તીમાં 71.66 ટકા મતદારો, સૌથી ઓછા સુરત જિલ્લામાં 60.74 ટકા, પણ મત આપવા નહીં મળે !

પ્રવીણ ચૌહાણ

લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કામાં ગુજરાત સમાવિષ્ટ છે અને બે દિવસ બાદ તા.7મીએ મંગળવારે મતદાન યોજાનાર છે ત્યારે ઉલ્લેખ કરવો પડે કે રાજ્યમાં અંદાજિત વસ્તી 7.54 કરોડ સુધી પહોંચી છે અને તેમાં 4.97 કરોડ મતદારો છે. એટલે કે, રાજ્યમાં વસ્તીની સરખામણીએ મતદારોનું પ્રમાણ 65.97 ટકા છે.

રાજ્યામાં વસ્તી અને મતદારોની આંકડાકીય માયાઝાળ જોઈએ તો ગાંધીનગર જિલ્લાની અંદાજિત વસ્તી 18,94,173 છે, જેમાં સૌથી વધુ 71.66 ટકા મતદારો છે જ્યારે સૌથી ઓછું સુરત જિલ્લામાં વસ્તીની સરખામણીએ મતદારોનું પ્રમાણ 60.74 ટકા છે. જો કે, આશ્ચર્યજનક રીતે રાજ્યમાં અમદાવાદ પછી બીજા નંબરે સુરતમાં વસ્તી સૌથી વધુ 78,74,323 છે. જેમાં એવું તારણ નીકળે છે કે, ખાસ કરીને સૌરાષ્ટ્રમાંથી સુરતમાં સ્થાયી થયેલા મોટાભાગના લોકોએ પોતાનું મતક્ષેત્ર હજુ પોતાના વતનને જ યથાવત્ રાખ્યું છે એટલે ત્યાં વસ્તી વધુ છે અને મતદારો ઓછા છે. દરેક ચૂંટણી સમયે સુરતથી સેંકડો લોકો ખાસ મતદાન કરવા માટે વતન સૌરાષ્ટ્ર જતાં રહે છે. જો કે, આ વખતે લોકસભા ચૂંટણીમાં સુરત બેઠકના મતદારોને મતાધિકારનો ઉપયોગ કરવા નહીં મળે, કારણ કે આ બેઠક અગાઉથી જ ભાજપે બિનહરીફ મેળવી લીધી છે. એ જ રીતે રાજ્યનું પાટનગર હોવાથી ગાંધીનગરમાં અવળી સ્થિતિ છે, જ્યાં વસ્તી ઓછી છે અને તેમાંથી મતદારોનું પ્રમાણ વધુ છે.

રાજ્યની લોકસભા બેઠકોમાં આવતા વિધાનસભા મતક્ષેત્ર પર નજર કરીએ તો ગાંધીનગર સાઉથમાં 4.21 લાખની વસ્તીમાં 3.92 લાખ મતદારો છે, એટલે કે જનસંખ્યામાં મતદારોનું પ્રમાણ અધધ 93.28 ટકા છે. એ જ રીતે અમદાવાદની દસક્રોઈ વિધાનસભા બેઠકમાં આ પ્રમાણ 91.42 ટકા છે જ્યારે જનસંખ્યામાં મતદારો સાવ ઓછા હોય એવા વિધાનસભા મત વિસ્તારમાં ભરૂચની કરંજ બેઠકમાં માત્ર 42.98 ટકા, તો અમદાવાદની અસારવામાં 47.35 ટકા, સુરતની વરાછા રોડ બેઠકમાં 47.70 ટકા અને સુરત નોર્થમાં 47.78 ટકા એટલે કે, વસ્તીના અડધા લોકો પણ મતદાર નથી.

ઇ-પેપરના નવા શુલ્ક