• સોમવાર, 20 મે, 2024

મહિસાગરમાં બૂથ કેપ્ચારિંગ કરનાર ભાજપ નેતાના પુત્રની ધરપકડ

ચૂંટણી પંચે પાલિંગ સ્ટાફને પણ નોટિસ પાઠવી

વિજય ભાભોરે સમગ્ર ઘટના સોશિયલ મીડિયા પર કરી લાઈવ

અમદાવાદ, તા. 8 : ગુજરાતમાં ગઈકાલે લોકસભાની ચૂંટણીની પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઇ હતી પરંતુ કેટલાંક મતદાન મથકો પર લોકોએ ગુપ્ત મતદાનની ગરિમા તોડી હતી પરંતુ આ શાંતિપૂર્વક મતદાન વચ્ચે એક બૂથ કેપ્ચરિંગની ઘટના સામે આવી છે. જેનો વીડિયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. દાહોદ લોકસભા વિસ્તારમાં આવતી મહીસાગરના સંતરામપૂરના પરથમપૂર ગામમાં બૂથ કેપ્ચરિંગની ઘટના સામે આવી હતી. આ ઘટનામાં ભાજપ નેતાના પુત્ર વિજય ભાભોરે જ બૂથ કેપ્ચરિંગ કર્યું હોવાનું સામે આવ્યું છે. અધૂરામાં પૂરું તો આ ભાજપ નેતાના પુત્રએ આ સમગ્ર ઘટના સોશિયલ મીડિયા પર લાઈવ પણ કરી હતી. આ ઘટના મામલે હવે પોલીસે ભાજપ નેતાના પુત્ર અને બૂથ એજન્ટ મગન ડામોરની ધરપકડ કરી છે. સાથે જ પ્રિસાઈડિંગ ઓફિસરને પણ ચૂંટણી પંચે નોટિસ પાઠવીને જવાબ માગ્યો છે. પરંતુ અહીં સૌથી મોટો પ્રશ્ન એ છે કે જ્યાં કોઈને મતદાન મથક પર મોબાઇલ પર પણ પ્રતિબંધ હોય છે ત્યાં આ ભાજપ નેતાનો પુત્ર વિજય ભાભોર અંદર મોબાઈલ લઇ કેવી રીતે ગયો.

દાહોદ લોકસભા બેઠકમાં સમાવિષ્ઠ મહીસાગર જિલ્લાના સંતરામપુર વિધાનસભા વિસ્તારના મતદાન મથકનો વીડિયો સામે આવ્યો હતો. વીડિયોમાં એક વ્યક્તિ હાથમાં ઊટખ મશીન લઈને ઈન્સ્ટાગ્રામ પર લાઈવ કરતો હોય છે. સાથે તે વીડિયોમાં એવું પણ બોલે છે કે, એક જ ચાલે....બીજેપી એક જ ચાલે ભાભોર.... વિજય ભાભોર... યુવક આગળ બોલે છે, ‘આ મશીન મારા બાપનું છે’ અને બાદમાં અપશબ્દો બોલે છે. મતદાન કરવા આવેલા લોકોની જગ્યાએ જાતે જ બટન દબાવીને મતદાન થઈ ગયું તેમ કહી અને મતદાન કરવા આવેલા લોકોને પાછા મોકલી દેતા પણ તે વીડિયોમાં જોવા મળે છે અને છેલ્લે ઊટખ ઘરે જવાની વાત પણ કરતા દેખાય છે. વીડિયોમાં દેખાતો યુવક સંતરામપુરના ગોઠીબ તાલુકા પંચાયતના પૂર્વ તાલુકા પ્રમુખ રમેશ ભાભોરનો પુત્ર વિજય ભાભોર હોવાનું સામે આવ્યું હતું. 

સમગ્ર ઘટના સામે આવ્યા બાદ પોલીસે હરકતમાં આવી હતી અને બૂથ કેપ્ચારિંગ કરનાર વિજય ભાભોરની અટકાયત કર્યા બાદ ધરપકડ કરી લીધી છે. તો વિવાદ વધ્યા બાદ ચૂંટણી પંચ હરકતમાં આવ્યું હતું અને મતદાન મથકમાં હાજર રહેલા ચૂંટણી કર્મચારીઓને કારણદર્શક નોટિસ પાઠવી છે અને 1 દિવસમાં ખુલાસો માગવામાં આવ્યો છે.

ઇ-પેપરના નવા શુલ્ક