• સોમવાર, 20 મે, 2024

ઈસનપુરમાં હાઇટેક જુગારધામ પકડાયું, 31ની ધરપકડ

રૂ.16 લાખ રોકડા કબજે કરાયા : ફિંગરપ્રિન્ટવાળા દરવાજાથી અપાતો હતો પ્રવેશ : ગુપ્ત કેમેરા પણ હતા

અમદાવાદ, તા.8: અમદાવાદના ઈસનપુરમાં ચાલતા જુગારધામ ક્લબ પર પીસીબીએ દરોડા પાડયા હતા. આ દરોડા પાડીને 31 આરોપીને મુદ્દામાલ સાથે દબોચ્યા હતા. પીસીબીએ 16 લાખ રોકડા જપ્ત કર્યા છે.

મળતા અહેવાલ પ્રમાણે ઈસનપુરમાં વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી અરવિંદ ઉર્ફે ઉસ્તાદ જીવણલાલ દલાલ તથા મૂળરાજસિંહ ઉર્ફે મૂળુભા રાણાનું જુગારધામ ચાલતું હતું. પોલીસ વિભાગ અને એજન્સીઓને દમ મારવા માટે થઈને અરવિંદે હાઇ કોર્ટમાંથી મંજૂરી મળી હોવાનું કહીને બેરોકટોક ગેમલિંગની આડમાં જુગારધામ ચલાવતો હોવાનો પર્દાફાશ પીસીબીએ કરી નાખ્યો છે. આ જુગારધામ ઈસનપુર બસ સ્ટેન્ડની બિલકુલ સામે આવેલા કોમ્પલેક્સના બીજા માળ પર આવેલું છે. આ ક્લબના દરવાજા ફિંગરપ્રિન્ટવાળા છે. પ્રવેશ ફક્ત ચોક્કસ લોકોને જ આપવામાં આવતો હતો. પીસીબીએ રોકડની લેવડ દેવડ જાહેર રોડ પર કરતા બે યુવાનની આકરી પૂછપરછ કરી હતી. પૂછપરછમાં બન્ને યુવાન ભાંગી પડતા જણાવ્યું હતું કે, આ નાણાં અરવિંદ ઉસ્તાદની ક્લબના છે. ત્યારબાદ પીસીબીની ટીમ ક્લબની અંદર ત્રાટકીને અને સર્ચ હાથ ધર્યું હતું. ક્લબની અંદર ખેલીઓને તમામ સુવિધા પૂરી પાડવામાં આવતી હતી. જમવાથી લઈને તમાકુ અને સિગારેટ પણ આપવામાં આવી હતી. સાથે સાથે આ ક્લબમાં ઘડિયાળમાં અને અન્ય બીજી જગ્યાઓએ પણ ગુપ્ત કેમેરા લગાવવામાં આવ્યા હતા. હાલ અરવિંદ ઉર્ફે ઉસ્તાદ જીવણલાલ દલાલ અને મૂળરાજસિંહ ઉર્ફે મૂળુભા રાણા દરોડા પહેલા ફરાર થયા હોવાનું જાણવા મળે છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક