• શનિવાર, 31 મે, 2025

વોરાકોટડામાં જમીનના ડખ્ખામાં આધેડની હત્યા

ખેતરમાં ચાલવા અને ટ્રેક્ટર ચલાવવા બાબતે બંને પરિવાર વચ્ચે થતા ઝઘડાનો લોહીયાળ અંત : આધેડનો પુત્ર ઇજાગ્રસ્ત

ભાઇની હત્યા કરનાર ભાઇ-ભત્રીજા સહિત ચારની ધરપકડ

ગોંડલ, તા.28: ગોંડલ તાલુકાના વોરાકોટડા ગામે જમીન પ્રશ્ને ભાઈઓ વચ્ચે થયેલી તકરાર લોહિયાળ સાબિત થઈ હતી. કાકા તથા તેના પુત્ર સહિતના પરિવારે કરેલા હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા આધેડનું મૃત્યુ થયું હતું. જ્યારે તેના પુત્રને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો છે. હત્યાની ઘટનાને લઇ ગોંડલ તાલુકા પોલીસે મૃતકના પુત્રની ફરિયાદ લઇ તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ વોરાકોટડા ગામે રહેતા રાજેશ ઉર્ફે રમેશભાઈ નાથાભાઈ સાકરીયા (ઉ.વ 45) અને તેના પુત્ર અનિલ સાકરિયા (ઉં.વ 23) પર રાત્રીના દોઢેક વાગ્યે તેમના પિતાની વાડીએ હતા ત્યારે રમેશભાઇના કાકા ચીનુ જીણાભાઇ સાકરીયા તેના પત્ની સવિતાબેન, પુત્ર અજય ઉર્ફ ટીટો તેની પત્ની  હેતલે ઝઘડો કરી છરી વડે હુમલો કરી દેતા છરીનાં ચારથી પાંચ ઘા રાજેશભાઇને લાગતા લોહીલુહાણ હાલતમાં ઢળી પડયા હતા. પુત્ર અનિલને પણ છરી લાગતા બંને ગંભીર રીતે ઘવાયા હતા. જેથી બંનેને પ્રથમ સારવાર માટે ગોંડલ સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર કારગત નિવડે તે પૂર્વે જ રમેશભાઇ ઉર્ફે રાજેશભાઇનું મૃત્યુ થતા બનાવ હત્યામાં પલટાયો હતો. જ્યારે ઇજાગ્રસ્ત અનિલ સાકરિયાને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો.

બનાવ અંગે મૃતક રાજેશભાઈના પુત્ર અનિલે પોલીસ ફરિયાદમાં ચિનુ જીણા સાકરીયા તેના પત્નિ સવિતાબેન તેનો પુત્ર અજય ઉર્ફે ટીટો તથા તેની પત્ની હેતલબેનનાં નામ આપી જણાવ્યુ કે રાત્રીનાં મારા દાદા નાથાભાઈની વાડીનાં સેઢા પાસે આરોપીઓ દ્વારા બે ફુટ જમીન ખેડી નાખતા મારા દાદાએ ઠપકો આપતા ઉશ્કેરાયેલા આરોપીઓ ગત રાતે મારા દાદાની વાડીએ જઈ અપશબ્દો બોલી ઝગડો કરી રહ્યા હતા. તેની જાણ મારા પિતાને થતા હું અને મારા પિતા દાદાની વાડીએ પંહોચ્યા હતા.અને સમજાવવા જતા અમારી ઉપર છરીથી હુમલો કર્યો હતો. રમેશ ઉર્ફે રાજેશભાઈ અને તેના પુત્ર અનિલ પર છરી વડે હુમલો કરનાર ચિનુ સાકરીયા રાજેશભાઈના કાકા છે જ્યારે અજય ઉર્ફે ટીટો તેનો ભાઇ છે.

હત્યાના બનાવને લઈ ગોંડલ તાલુકા પોલીસ મથકના પીઆઇ એ.ડી. પરમાર તથા આ અંગે તપાસ હાથ ધરી મૃતકના પુત્રની ફરિયાદના આધારે આરોપીઓ સામે ગુનો નોંધી નોંધ્યો હતો. અને હત્યા કરનાર ચીનુભાઇ સાકરીયા તેની પત્ની સવિતાબેન, પુત્ર અજય ઉફર્એ ટીટો અને તેની પત્ની હેતલની વોરાકોટડાની સમીમાંથી ઝડપી લઇ ધરપકડ કરી પુછપરછ હાથ ધરી છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક