• સોમવાર, 27 મે, 2024

અમદાવાદના શીલજમાં બેગના ગોડાઉનમાં ભયંકર આગ

20 ફાયરની ગાડીની લેવાઇ મદદ, જેસીબી થકી પતરાં તોડવા પડયા

અમદાવાદ, તા.21: અમદાવાદના શીલજમાં મનન માર્કાટિંગ બેગના ગોડાઉનમાં વિકરાળ આગ લાગતા ફાયર વિભાગની 20 ગાડી ઘટના સ્થળે પહોંચી આગને કાબૂમાં કરી હતી.  ઉનાળામાં આગના બનાવો વધુ બનતા હોય છે ત્યારે આ વખતે ઉનાળાની શરૂઆતથી જ આગના બનાવો વધી રહ્યાં હોય તેવું ધ્યાને આવી રહ્યું છે. આજે અમદાવાદના શીલજમાં અને અમરેલીમાં આગની ઘટના બની છે.

અમદાવાદના શીલજમાં મનન માર્કાટિંગમાં બેગના ગોડાઉનમાં વિકરાળ આગ લાગી હતી. આગ કાબૂમાં લાવવા ફાયર વિભાગની 20 ગાડીની મદદ લેવાઈ હતી તેમજ જેસીબીની મદદથી ગોડાઉનના પતરા તોડયા હતા. જે પતરા તોડતા ધુમાડાના ગોટેગોટા  બહાર નીકળતા લોકોમાં ભયનો મહોલ સર્જાયો હતો. આ ઘટનામાં ગોડાઉનમાં રહેલો સંપૂર્ણ માલ બળીને ખાક થયો હતો. સદનસીબે રવિવાર હોવાથી જાનહાની ટળી છે. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે.

--------------

અમરેલીના આંબરડીના જંગલ વિસ્તારમાં આગ

અમરેલી જિલ્લાના આંબરડીના જંગલ વિસ્તારમાં આગ લાગવાની ઘટના બની છે. ધારીના આંબરડી રેવન્યુ વિસ્તારમાં વિકરાળ આગ લાગતા અફરા તફરી મચી હતી. પાણીનો છંટકાવ કરી ખેડૂતોએ આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. આગનુ વિકરાળ સ્વરૂપ થતાં ખેડૂતોએ તંત્રને જાણ કરી હતી. ઉલ્લેખનીય છે કે, આંબરડીના મોદળ વિસ્તારમાં વન્ય પ્રાણીઓનો વસવાટ કરે છે. ત્યારે આગને કારણે વન્ય સૃષ્ટિ જોખમમાં મુકાઈ શકે છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક