• મંગળવાર, 21 મે, 2024

શાપર વેરાવળમાં શ્રમિક પરિવારના

 બાળકનું અપહરણ કરી 1 લાખની ખંડણી માગનાર બેલડીની ધરપકડ

એલસીબી- શાપર પોલીસે અપહૃત બાળકને હેમખેમ મુક્ત કરાવ્યો

રાજકોટ, તા. 30 : (ફૂલછાબ ન્યૂઝ) રાજકોટ ગોંડલ હાઇ-વે પર ઔદ્યોગિક ઝોન શાપર વેરાવળમાં અલગ અલગ રાજ્યોમાંથી મજૂરી અને કામ ધંધા અર્થે આવતા શ્રમિકોનું વધુ હોવાના કારણે ગુનાખોરીનું પ્રમાણ વધી રહ્યાનું નજરે પડી રહ્યું છે ત્યારે ઘર નજીક રમતા એક શ્રમિક પરિવારના બાળકનું બાઈકમાં અપહરણ કરી એક લાખની ખંડણી માગતા પોલીસે ગણતરીની જ કલાકોમાં બાળકને મુક્ત કરાવ્યો હતો.

પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ શાપર વેરાવળમાં મજૂરી કામ કરતા મૂળ એમપીના જાંબુઆના વતની મુકેશભાઈ ભુદરભાઈ મસાર (ઉં.વર્ષ 30)વાળાએ શાપર વેરાવળ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

ફરિયાદમાં જણાવ્યા મુજબ તેમનો 11 વર્ષનો દીકરો રાજુ ઘર નજીક રમતો હતો તે દરમિયાન બે અજાણ્યા શખસો બાઈક પર આવી તેનું અપહરણ કરી ઉઠાવી ગયા હતા અને અને મુકેશભાઈને ફોન કરી તારા બાળકને જીવતો જોતો હોય તો એક લાખની ખંડણી માગી ધમકી આપી હતી.

આ અંગે શાપર વેરાવળ પીએસઆઇ આર કે ગોહિલ અને ટીમે બનાવની ગંભીરતા અને ધ્યાને રાખી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો તો બીજી તરફ એલસીબી પીઆઇ ઓડેદરા અને ટીમ પણ અપહરણની તપાસમાં જોડાઈ ગઈ હતી અને ગણતરીની જ કલાકોમાં લોકેશનના આધારે ગોંડલના ઉમવાળા રોડ પર સીમ વિસ્તારમાંથી શાંતિલાલ ઉર્ફે ગુંજન સુધીરભાઈ ધોળકિયા (ઉંમર વર્ષ 29) રહે વિરપુર મૂળ ચોરવાડ અને અલ્પેશ ભગાભાઈ મહીડા રહે વેજા ગામ તાલુકો ગોંડલવાળા બન્ને અપહરણકર્તાને રંગે હાથ ઝડપી અપહૃત બાળકને મુક્ત કરાવ્યો હતો.

 

ઇ-પેપરના નવા શુલ્ક