• રવિવાર, 19 મે, 2024

અમદાવાદમાં અસામાજિક તત્ત્વોનો  આતંક : કારચાલકનું નાક કાપી નાખ્યું

સોલા પોલીસ દ્વારા હત્યાના પ્રયાસની ફરિયાદ નોંધીને 3 શખસની ધરપકડ

અમદાવાદ, તા.5 : અમદાવાદના સોલા વિસ્તારમાં કારચાલક સાથે ઝઘડો કરી અસામાજિક તત્ત્વોએ કારચાલકનું નાક કાપી નાખ્યું. સોલા પોલીસે હત્યાના પ્રયાસની ફરિયાદ નોંધીને 3 આરોપીની ધરપકડ કરી વધુ ફરાર આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. 

આ ઘટનામાં ભોગ બનનાર પ્રયાગ પટેલ ગઈરાત્રે પોતાના મિત્રની સાથે જન્મ દિવસની ઉજવણી કરી ઘરે પરત ફરી રહ્યા હતા, ત્યારે ચાંદલોડિયા બ્રિજ નજીક અસમાજિક તત્ત્વોએ પ્રયાગ પટેલની કારને ઊભી રખાવી કોઈપણ કારણ વગર ઝઘડો કર્યો હતો અને આ ઝઘડામાં હુમલાખોરો એટલા ઉગ્ર થઈ ગયા હતા કે પોતાની પાસે રહેલા છરી સહિતના હથિયારથી પ્રયાગ પટેલ અને તેના મિત્ર પર જીવલેણ હુમલો કર્યો હતો. જે જીવલેણ હુમલામાં પ્રયાગ પટેલનું નાક કપાઈ ગયું હતું. તાત્કાલિક પોલીસને જાણ કરતા ઘટના સ્થળ પર દોડી આવી હતી. ત્યાં સુધીમાં હુમલો કરનાર અસામાજિક તત્ત્વો ફરાર થઈ ગયા હતા. પોલીસે ઇજાગ્રસ્ત પ્રયાગ પટેલને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડયા હતા અને ફરિયાદ નોંધી હતી. 

સોલા પોલીસે ફરિયાદી પ્રયાગ પટેલની ફરિયાદ નોંધીને તપાસ કરતા જાણવા મળ્યું કે હુમલો કરનાર રાધેશ્યામ યાદવ ઉર્ફે રાધે, અમરેશ યાદવ અને સંગમ જયસ્વાલ ઉર્ફે હજારી કલ્લુ હતા. જે ચાંદલોડિયા વિસ્તારમાં રહે છે અને અસામાજીક તત્ત્વો છે. પ્રયાગ પટેલ પર કુલ 6 શખસે હુમલો કર્યો હતો. તેમાંથી રાધેશ્યામ યાદવ ઉર્ફે રાધે, અમરેશ યાદવ અને સંગમ જયસ્વાલ ઉર્ફે હજારી કલ્લુની ધરપકડ કરી લીધી હતી અને અન્ય ફરાર ત્રણની શોધખોળ શરૂ કરી છે. પોલીસ હાલ એ તપાસ કરી રહી છે કે આખરે આ ગેંગએ હુમલો કેમ કર્યો હતો.

ઇ-પેપરના નવા શુલ્ક