રાજસ્થાનમાં વડાપ્રધાનના પ્રહાર : મહિલાઓનું અપમાન, લૂંટ વધુ નહીં ચાલે
જયપુર, તા. 20 : રાજસ્થાન પ્રવાસ દરમ્યાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાલીના જાડન અને પીલી બંગામાં ચૂંટણી સભાઓ ગજવી હતી. વિપક્ષ પર પ્રહાર કરતાં મોદીએ કહ્યું હતું કે, પ્રદેશમાં મહિલાઓ પર અત્યાચાર વધી રહ્યો છે. હવે કોંગ્રેસને પાઠ ભણાવવો જરૂરી છે.
મુખ્યમંત્રી પ્રમાણપત્ર આપે છે કે, મહિલાઓ બોગસ ફરિયાદ નોંધાવે છે. આ મહિલાઓનું અપમાન છે, તેવા પ્રહારો તેમણે કર્યા હતા. વડાપ્રધાને જણાવ્યું હતું કે, કોંગ્રેસ માટે પરિવારવાદ જ સર્વસ્વ છે. તેમની પાસે તુષ્ટિકરણ સિવાય કશું જ નથી.
કોંગ્રેસ અને ઘમંડિયા ગઠબંધને સનાતન માટે શું કહ્યું તે સૌ કોઇએ જોયું, સનાતનને ખતમ કરવાનું એલાન રાજસ્થાનની પણ સંસ્કૃતિનું અપમાન છે.
રાજસ્થાનમાં કોંગ્રેસ સરકાર મોંઘું પેટ્રોલ વેંચીને ‘કટકી’ કંપની ચલાવે છે, પાડોશી રાજ્યોમાં ભાજપની સરકારો સસ્તું પેટ્રોલ આપે છે, તેવું તેમણે કહ્યું હતું.
મોદીએ જણાવ્યું કે, કોંગ્રેસની ગરીબ વિરોધી માનસિકતા છે. ઘરો ઘર નળથી જળ પહોંચાડવાનાં કામમાંયે લૂંટ ચલાવાઇ.