• શુક્રવાર, 03 મે, 2024

ફિલિપિન્સને મળ્યો ચીનનો કાળ : ભારતે સોંપી બ્રહ્મોસ મિસાઇલ સી-17 ગ્લોબમાસ્ટરની મદદથી ફિલિપિન્સના એરપોર્ટે મિસાઇલ પહોંચાડી

દક્ષિણ ચીન સમુદ્રમાં ચીનની દાદાગીરી ઉપર લગામ કસવા કરશે મદદ

મનીલા, તા. 19: ભારતે ફિલિપિન્સને સુપર સોનિક ક્રૂઝ મિસાઇલ બ્રહ્મોસની પહેલી ખેપ સોંપી દીધી છે. ભારતથી સી-17 ગ્લોબમાસ્ટર ટ્રાન્સપોર્ટ પ્લેનની મદદથી મિસાઇલને ફિલિપિન્સના એરપોર્ટ સુધી પહોંચાડવામાં આવી હતી. આ પૂરી ડીલ 37.50 કરોડ ડોલરની છે. ભારતે મિત્ર ફિલિપિન્સને એવા સમયે બ્રહ્મોસ મિસાઇલ આપી છે જ્યારે ચીન સાથેનો તણાવ ચરમસીમાએ છે.

ફિલિપિન્સની નૌસેના અમેરિકા સાથે સૌથી મોંઘો યુદ્ધાભ્યાસ કરી રહી છે. દક્ષિણ ચીન સમુદ્રમાં ચીનની વધી રહેલી દાદાગીરી ઉપર લગામ કસવા માટે ફિલિપિન્સે મિસાઇલની ભારત પાસેથી ખરીદી કરી છે. બ્રહ્મોસને ભારતનું બ્રહ્માત્ર કહેવામાં આવે છે. જેને રશિયાના સહયોગથી બનાવવામાં આવી છે. બ્રહ્મોસ પાસે દુનિયાની સૌથી ઝડપી હુમલો કરનારી મિસાઇલની ઉપાધી મળી છે. આ મિસાઇલને ભારતના નાગપુરથી સી17 વિમાન ઉપર લાદીને ફિલિપિન્સ પહોંચાડવામાં આવી છે. મિસાઇલ સાથે ત્રણ વિમાન પણ હતા. જેમાં અન્ય સામાન લાદવામાં આવ્યો હતો. માનવામાં આવે છે કે બ્રહ્મોસના સામેલ થવા ઉપર ફિલિપિન્સની ચીન સામેની મારક ક્ષમતામાં વધારો થઈ જશે. ભારત અને ફિલિપિન્સ વચ્ચે જાન્યુઆરી 2022માં મિસાઇલને લઈને સમજૂતી થઈ હતી. આ ડીલને ભારતનાં રક્ષા નિકાસ ક્ષેત્રમાં મોટી સફળતા માનવામાં આવે છે. બ્રહ્મોસ મિસાઇલ ભારતના ડીઆરડીઓ અને રશિયાના એનપીઓએ મળીને બનાવી છે. વર્તમાન સમયમાં મિસાઇલનો 85 ટકા હિસ્સો ભારતમાં જ બનાવવામાં આવે છે. જે ભારતની આત્મનિર્ભરતા અને સ્વદેશી રક્ષા ઉત્પાદનને દર્શાવે છે. આ સાથે જ ભારતે દુનિયાના હથિયાર બજારમાં એક છાપ છોડી છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક