• શનિવાર, 18 મે, 2024

ચૂંટણી વચ્ચે જારી થયો ધાર્મિક મુદ્દાને ઉશ્કેરતો અમેરિકી રિપોર્ટ

ભારતે કહ્યું, આવા રિપોર્ટ પાછળનો હેતુ શું? વિદેશ મંત્રાલયે કહ્યું, અમેરિકી સંસ્થા પક્ષપાતી રાજકીય એજન્ડા ચલાવવા માટે કુખ્યાત

નવી દિલ્હી, તા. 3 : અમેરિકી સરકારનું એક આયોગ દર વર્ષે દુનિયાના વિભિન્ન દેશમાં ધાર્મિક આઝાદી ઉપર રિપોર્ટ જારી કરે છે અને તેમાં ભારતની સ્થિતિ ઉપર ગંભીર ચિંતા વ્યક્ત કરે છે. જવાબમાં ભારત સરકાર દ્વારા તેને જડબાતોડ જવાબ આપવામાં આવે છે અને પંચની ખામી ગણાવે છે. તેવામાં આ વર્ષે પણ આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતા સંબંધિત અમેરિકી આયોગનો રિપોર્ટ આવી ચુક્યો છે અને તેમાં ભારતને એવા 17 દેશોની સાથે રાખવામાં આવ્યું છે જેને ધાર્મિક આઝાદીના ઉલ્લંઘન બદલ કથિત રીતે ચિંતાજનક દેશો તારવવામાં આવ્યા છે. બીજી તરફ ભારતે પણ આ રિપોર્ટનો જવાબ આપ્યો છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે અમેરિકી આયોગ રાજનીતિક એજન્ડા હેઠળ પક્ષપાત કરવા માટે કુખ્યાત છે અને રાજનીતિક એજન્ડા ધરાવતી એક પક્ષપાતી સંસ્થા તરીકે ઓળખાય છે.

જયસ્વાલે આગળ ઉમેર્યું હતું કે, પક્ષપાતી સંસ્થા હોવાના કારણે અમેરિકી કમિશન પાસે પણ વધરે આશા નથી કે તે ભારતીય વિવિધતા અને લોકતાંત્રિક મુલ્યોને સમજવાની કોશિશ કરશે. જયસ્વાલે ભારતમાં લોકસભા ચૂંટણી દરમિયાન જ આવો રિપોર્ટ જારી કરવા પાછળના હેતુને લઈને પણ સવાલ કર્યો હતો. તેમણે સાફ કહ્યું હતું કે રિપોર્ટ મારફતે દુનિયાની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયામાં હસ્તક્ષેપ કરવાની કોશિશ ક્યારેય સફળ થશે નહીં. વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું હતું કે અમેરિકી આયોગમાં રહેલા લોકો રિપોર્ટના બહાને ભારત વિરુદ્ધ દુષ્પ્રચાર કરતા રહે છે. અમેરિકી આયોગના રિપોર્ટમાં ભાજપ ઉપર ભેદભાવપૂર્ણ રાષ્ટ્રવાદી નીતિઓને આગળ વધારવાનો આરોપ મુકવામાં આવ્યો છે. કહેવામાં આવ્યું છે કે ભાજપ પૂરી રીતે પક્ષપાતી છે અને દેશની વિવિધતા અને લોકતાંત્રિક લોકાચાર સમજવાની આશા પણ કરતી નથી. જવાબમાં વિદેશ મંત્રાલયે કહ્યું છે કે તેઓને ખરેખર કોઈ આશા નથી કે અમેરિકી પંચ ભારતના વિવિધ, બહુવાદી અને લોકતાંત્રીક ચરિત્રને સમજવાની કોશિશ કરશે.

અમેરિકી આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતા આયોગે બુધવારે પોતાના રિપોર્ટમાં આરોપ મુક્યો હતો કે છેલ્લા અમુક વર્ષમાં ભારત સરકાર સાંપ્રદાયિક હિંસાનો ઉકેલ લાવવામાં નિષ્ફળ રહી છે. 2023મા ભારતમાં ધાર્મિક સ્વતંત્રતાની સ્થિતિ વધારે ખરાબ થઈ છે. ભાજપના નેતૃત્વની સરકારે ભેદભાવપૂર્ણ રાષ્ટ્રવાદી નીતિઓને મજબુત કરી છે, ધૃણાસ્પદ નિવેદનબાજીને પ્રોત્સાહન આપ્યું છે. જેનાથી મુસ્લિમ, ઈસાઈ, શિખ, દલિત, યહૂદી અને આદિવાસી પ્રભાવિત થયા છે. ધાર્મિક અલ્પસંખ્યકો અને તેની તરફેણ કરતા લોકોને મનમાની રીતે હિરાસતમાં લેવામાં આવ્યા છે.

રિપોર્ટમાં આગળ કહેવામાં આવ્યું છે કે ધાર્મિક અલ્પસંખ્યકો ઉપર રિપોર્ટિંગ કરતા મીડિયા સંસ્થાનો અને ગેરસરકારી સંગઠનોને એફસીઆરએ નિયમો હેઠળ આકરી દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે. આ દરમિયાન પ્રવાસી ભારતીયોના એક થિંક ટેંક ફાઉન્ડેશન ફોર ઈન્ડિયા એન્ડ ઈન્ડિયન ડાયસ્પોરા સ્ટડીઝે અમેરિકી રિપોર્ટનો જવાબ આપ્યો છે. કહેવામાં આવ્યું છે કે 2023મા ભારતમાં કોઈ મોટી ધાર્મિક હિંસા થઈ નથી. આ વર્ષના વખાણ કરવાને બદલે રિપોર્ટમાં નાની નાની ઘટનાઓને એવી રીતે રજૂ કરવામાં આવી છે કે આવી ઘટનાઓ પૂરા દેશમાં સામાન્ય છે. રિપોર્ટ તૈયાર કરતા સમયે એક વખત પણ વિચારવામાં આવ્યું નથી કે ભારતમાં મુસ્લિમોની મોટી વસ્તી છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક