• બુધવાર, 04 જૂન, 2025

જોકોવિચ ફ્રેંચ ઓપનમાં 16મી વખત ચોથા રાઉન્ડમાં

રોહન બોપન્ના અને યૂકી ભાંબરી તેમના જોડીદાર સાથે પ્રી. ક્વાર્ટરમાં

 

પેરિસ, તા.1: સર્બિયાનો દિગ્ગજ ટેનિસ ખેલાડી નોવાક જોકોવિચ ફ્રેંચ ઓપનના ત્રીજા રાઉન્ડમાં ક્વોલીફાયર ખેલાડી ફિલિપ મિસોલિચને 6-3, 6-4 અને 6-2થી હાર આપી હતી. આ સાથે જ નોવાક જોકોવિચે 16મી વખત ફ્રેંચ ઓપનના ચોથા રાઉન્ડમાં જગ્યા બનાવી છે. 38 વર્ષીય જોકોવિચે તેનાથી 1પ વર્ષ નાના ખેલાડી ફિલિપ વિરુદ્ધ 33 વિનર્સ શોટની તુલનામાં માત્ર 14 ભુલ કરી હતી. ફ્રેંચ ઓપનમાં જોકોવિચની આ કુલ 99મી જીત છે.

જ્યારે વિશ્વ નંબર વન ઇટાલીના જેનિક સિનરનો ત્રીજા રાઉન્ડમાં ઝેક ગણરાજયના ખેલાડી જિરી લેહેકા સામે એકતરફી મુકાબલામાં 6-0, 6-1 અને 6-2થી વિજય થયો હતો. ગ્રાંડ સ્લેમ ટૂર્નામેન્ટમાં સિનરની આ સળંગ 17મી જીત છે. સિનર ઉપરાંત જર્મન ખેલાડી એલેકઝાંડર ઝેવરેવ પણ ચોથા રાઉન્ડમાં પહોંચ્યો છે. તેણે કોબોલીને 6-2, 7-6 અને 6-1થી હાર આપી હતી. પાંચમા ક્રમના જેક ડ્રેપરનો ફોનસ્ઁસ્કા વિરુદ્ધ ત્રીજા રાઉન્ડમાં 6-2, 6-4 અને 6-2થી શાનદાર વિજય થયો હતો.

મહિલા વર્ગમાં બીજા ક્રમની અમેરિકી ખેલાડી કોકો ગોફે બૂજકોવાને 6-1 અને 7-6થી હાર આપી ચોથા રાઉન્ડમાં પ્રવેશ કર્યો હતે. સાતમા ક્રમની મેડિસન કિઝ સોફિયા કેનિન સામે 4-6, 6-3 અને 7-પથી જીત મેળવી ચોથા રાઉન્ડમાં પહોંચી છે. 10મા ક્રમની પાઉલા બાડોસ ત્રીજા રાઉન્ડમાં હારીને બહાર થઇ હતી.

મેન્સ ડબલ્સના બીજા રાઉન્ડમાં ભારતનો શ્રીરામ બાલાજી અને તેનો મેકિસન જોડીદાર મિગુએલ ઇટાલીની જોડી સામે હારીને બહાર થયા હતા જ્યારે રોહન બોપન્ના અને યૂકી ભાંબરી તેમના જોડીદાર સાથે પ્રી. ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ગયા છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક