• શુક્રવાર, 03 મે, 2024

ધોનીની સટાસટી અને જાડેજાની અર્ધસદી લખનઉ સામે ચેન્નાઇના 6 વિકેટે 176

લખનઉ તા.19: અહીંના ઇકાના સ્ટેડિયમમાં ડેથ ઓવર્સમાં એમ. એસ. ધોનીએ નવાબી અંદાજમાં 28 રનની અણનમ વિસ્ફોટક ઇનિંગ રમીને દર્શકોને ખુશ કરી દીધા હતા. આઇપીએલના આજના મેચમાં લખનઉ સુપર જાયન્ટસ વિરૂધ્ધ રવીન્દ્ર જાડેજાની ઉપયોગી અર્ધસદીની મદદથી ચેન્નાઇ સુપર કિંગ્સે 20 ઓવરના અંતે 6 વિકેટે 176 રનનો મજબૂત સ્કોર નોંધાવ્યો હતો. આખરી બે ઓવરમાં ફરી એકવાર મહેન્દ્રસિંહ ધોનીએ પાવર હિટિંગ કરીને માત્ર 9 દડામાં 3 ચોકકા અને 2 છકકાથી આતશી-અણનમ 28 રન કર્યાં હતા. તેના અને જાડેજા વચ્ચે સાતમી વિકેટની અતૂટ ભાગીદારીમાં 13 દડામાં 3પ રનનો ઉમેરો થયો હતો. રવીન્દ્ર જાડેજા 40 દડામાં પ ચોકકા-1 છકકાથી પ7 રને નોટઆઉટ રહ્યો હતો.

 ધોનીની સટાસટીથી સીએસકેએ આખરી પ ઓવરમાં 72 રનનો ઝડપી ઉમેરો કર્યોં હતો. આ દરમિયાન મોઇન અલીની વિકેટ ગુમાવી હતી. અલીએ 20 દડામાં 3 છકકાથી 30 રનની ઝડપી ઇનિંગ રમી હતી.

ઓપનિંગમાં આવેલ રહાણે 24 દડામાં પ ચોકકા-1 છકકાથી 36 રને આઉટ થયો હતો. રચિન રવીન્દ્ર ગોલ્ડન ડક થયો હતો. કપ્તાન ઋતુરાજ ગાયકવાડ 17, ફટકાબાજ શિવમ દૂબે 3 અને પિંચ હિટર સમિર રિઝવી 1 રન કરી નિષ્ફળ રહ્યા હતા. લખનઉ તરફથી કુણાલ પંડયાએ 16 રનમાં 2 વિકેટ લીધી હતી. મોહસિન, યશ, સ્ટોઇનિસ અને બિશ્નોઈને 1-1 વિકેટ મળી હતી.

 

ઇ-પેપરના નવા શુલ્ક