• શુક્રવાર, 03 મે, 2024

T-20 વર્લ્ડ કપના 10 ખેલાડી નિશ્ચિત બાકી રહેતા 5 સ્થાન માટે તીવ્ર રસાકસી

24મીએ રોહિત, દ્રવિડ અને અગરકર વચ્ચે મુંબઇમાં બેઠક: મહિનાના અંતમાં ટીમ જાહેર થશે

નવી દિલ્હી તા.19: આઇપીએલની સમાપ્તિના ઠીક એક સપ્તાહ બાદ વેસ્ટ ઇન્ડિઝ અને અમેરિકાની ધરતી પર ટી-20 વર્લ્ડ કપનો પ્રારંભ થશે. આ ટૂર્નામેન્ટના 1પ ખેલાડી જાહેર કરવાની કટ ઓફ ડેટ આઇસીસીએ 1 એપ્રિલ જાહેર કરી છે. જો કે હજુ સુધી એક પણ દેશની વર્લ્ડ કપની ટીમ જાહેર થઇ નથી. રિપોર્ટ અનુસાર આવતા સપ્તાહે દરેક ટીમના 1પ ખેલાડીના નામ જાહેર થતાં રહેશે. ભારતીય ટીમની જાહેરાત લગભગ 2પથી 28 મે દરમિયાન થઇ શકે છે.

કપ્તાન રોહિત શર્મા સ્પષ્ટતા કરી ચૂકયો છે કે વિશ્વ કપની ટીમ પસંદગી સંદર્ભેની તેની કોચ રાહુલ દ્રવિડ  અને મુખ્ય પસંદગીકાર અજીત અગરકર સાથે ચર્ચા થઇ નથી.  તા. 24 મેના મુંબઇ ઇન્ડિયન્સનો કોલકતા નાઇટ રાઇડર્સ વિરૂધ્ધનો મેચ મુંબઇના વાનખેડે સ્ટેડિયમ પર રમાવાનો છે. આથી રોહિત શર્મા મુંબઇમાં હશે. બીસીસીઆઇના સૂત્રોમાંથી મળતી વિગત અનુસાર આ મેચની આગળ-પાછળના દિવસ દરમિયાન રોહિત શર્માની કોચ દ્રવિડ અને ચીફ સિલેકટર અગરકર સાથે લગભગ બેઠક થશે અને વિશ્વ કપની ટીમના 1પ ખેલાડી ફાઇનલ કરાશે. જેને બાદમાં પસંદગી સમિતિ સમક્ષ અગરકર રજૂ કરશે.

રિપોર્ટ અનુસાર બીસીસીઆઇએ મોટાભાગના અનુભવી ખેલાડીઓ પર ફરી દાવ અજમાવવાનું મન બનાવી લીધું છે. હાર્દિક પંડયા આઇપીએલમાં નિસ્તેજ દેખાવ કરી રહ્યો છે. આમ છતાં તે ટીમમાં નિશ્ચિત મનાઇ રહ્યો છે. વિશ્વ કપ ટીમમાં 10 નામ ફાઇનલ છે. જેમાં રોહિત શર્મા, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, જસપ્રિત બુમરાહ, રવીન્દ્ર જાડેજા, કુલદિપ યાદવ, અર્શદિપ, મોહમ્મદ સિરાઝ, ઋષભ પંત અને હાર્દિક પંડયા છે. બાકીના પાંચ નામ પર પસંદગીકારો અવઢવમાં છે. આ રેસમાં સંજૂ સેમસન, ઇશાન કિશન, યશસ્વી જયસ્વાલ, શિવમ દૂબે, ઋતુરાજ ગાયકવાડ, શુભમન ગિલ, કેએલ રાહુલ, રિંકુ સિંઘ, મયંક યાદવ, યજુર્વેન્દ્ર ચહલ, રવિ બિશ્નોઇ, અક્ષર પટેલ, અભિષેક શર્મા, આવેશ ખાન અને ખલિલ અહમદ રેસમાં છે. આ ખેલાડીઓમાંથી  કોણ વર્લ્ડ કપ રમશે તેના પરથી પરદો ત્યારે જ હટશે જયારે ટીમ જાહેર થશે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક