• રવિવાર, 12 મે, 2024

આજે ખૂંખાર ટીમ હૈદરાબાદની ચેન્નઈ સામે ટક્કર

સીએસકે લય પરત મેળવવા બેતાબ : હૈદરાબાદ પણ દરેક તકનો ફાયદો ઉઠાવશે

નવી દિલ્હી, તા. 27 : સતત હારનો સામનો કરી રહેલા ગત ચેમ્પિયન ચેન્નઈ સુપર કિંગ્સ રવિવારે આઇપીએલ મેચમાં મજબૂત ટીમ સનરાઇઝર્સ હૈદરાબાદ સામે જીતની રાહ ઉપર પરત ફરવા માટે મેદાનમાં ઉતરશે. નવા કેપ્ટન ઋતુરાજ ગાયકવાડની આગેવાનીમાં સત્રમાં સારી શરૂઆત કરનારી સીએસકેને છેલ્લા બે મેચમાં લખનઉએ બે વખત હરાવ્યું છે. સીએસકેને પોતાના જ ચેપોકનાં સ્ટેડિયમમાં હારતું જોવું આશ્ચર્યજનક છે. જો કે માર્કસ સ્ટોઇનિસની શાનદાર સદીની મદદથી લખનઉ સુપર જાયન્ટ્સે 210 રનનું લક્ષ્ય સરળતાથી મેળવી લીધું હતું.

સીએસકે આઠ મેચમાં ચાર જીત અને ચાર હારની સાથે પોઇન્ટ ટેબલમાં પાંચમા ક્રમાંકે છે. દિલ્હી કેપિટલ્સ અને ગુજરાત જાયન્ટ્સના પણ આઠ અંક છે, એટલે સીએસકે લયમાં પરત આવવા માટે બેતાબ હશે, કારણ કે પ્લે ઓફની દોડ હવે તેજ બની છે. સીએસકે રવિવારે ત્રીજા નંબરે રહેલી હૈદરાબાદની ટીમ સામે ટકરાશે. જેણે સત્રમાં બે વખત આઇપીએલના હાઇએસ્ટ સ્કોરનો રેકોર્ડ તોડયો છે. જો કે છેલ્લા બે મેચમાં હૈદરાબાદને હારનો સામનો કરવો પડયો છે.

સીએસકેની બેટિંગ કેપ્ટન ગાયકવાડ અને શિવમ દુબે ઉપર વધારે નિર્ભર છે. ગાયકવાડે સત્રમાં બે સદી કરી છે. જાડેજાએ પણ બેટિંગમાં સારું પ્રદર્શન કર્યું છે. રચિન રવીન્દ્ર અને ડેરિલ મિચેલ રન કરી શક્યા નથી. જે ચિંતાનો વિષય છે. જેનાં કારણે સીએસકેએ બેટિંગ ક્રમમાં ફેરફાર કર્યો છે. બોલિંગમાં લખનઉ સામે ચેન્નઈને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો. જેનાં કારણે મોટું લક્ષ્ય સરળતાથી પાર પડી ગયું હતું. હૈદરાબાદની વાત કરવામાં આવે તો ટીમમાં આત્મવિશ્વાસ ખૂબ છે પણ આરસીબી સામે ઘરેલુ મેદાનમાં તેને હાર મળી હતી. તેમ છતાં બેટ્સમેનોની લયમાં કોઈ ખલેલ જોવા મળી નહોતી. તેવામાં સીએસકે સામે હૈદરાબાદ દરેક તકનો ફાયદો ઉઠાવવાની કોશિશ કરશે. આરસીબી સામે લક્ષ્યનો પીછો કરતા હૈદરાબાદનો શીર્ષ અને મધ્યક્રમ નિષ્ફળ રહ્યો હતો.

 

ઇ-પેપરના નવા શુલ્ક