• બુધવાર, 22 મે, 2024

ઇંગ્લેન્ડની વર્લ્ડ કપ ટીમમાં આર્ચર અને જોર્ડનની વાપસી પસંદ થયેલા ઇંગ્લેન્ડના ખેલાડીઓ IPL પ્લેઓફના મેચ ગુમાવશે

લંડન, તા.30 : આઇસીસી ટી-20 વર્લ્ડ કપની વર્તમાન ચેમ્પિયન ઇંગ્લેન્ડ ટીમ જોસ બટલરના કપ્તાનપદ હેઠળ જાહેર થઈ છે. જેમાં બે ઝડપી બોલર જોફ્રા આર્ચર અને ક્રિસ જોર્ડનની વાપસી થઈ છે. આઇપીએલની વર્તમાન સીઝનમાં કેકેઆર તરફથી ધમાકેદાર બેટિંગ કરી રહેલ ફિલ સોલ્ટ પણ ટીમમાં છે જ્યારે આઇપીએલમાં સતત નિષ્ફળ રહ્યા બાદ પંજાબ તરફથી પાછલા મેચમાં આતશી સદી કરનાર જોની બેયરસ્ટો ઇંગ્લેન્ડની વિશ્વ કપ ટીમમાં જળવાઈ રહ્યો છે. આઇપીએલના પ્લેઓફ મેચ 21 મેથી શરૂ થઈ રહ્યા છે. એનો મતલબ એ થયો કે પસંદ થયેલા ઇંગ્લેન્ડના ખેલાડીઓ આઇપીએલ પ્લેઓફ રાઉન્ડના હિસ્સા બની શકશે નહીં.

આઇપીએલમાં ઇંગ્લેન્ડના જે ખેલાડીઓ છે અને વર્લ્ડ કપની સાથે પાકિસ્તાન વિરુદ્ધની ટી-20 શ્રેણી માટે પસંદ થયા છે તે તમામ 22 મે પહેલા ઇંગ્લેન્ડ પરત ફરશે. ઇંગ્લેન્ડ-પાક. વચ્ચેની શ્રેણી તા. 22 મેથી હેડિંગ્લેમાં શરૂ થશે. ઇંગ્લેન્ડની ટીમ 31 મેના વેસ્ટ ઇન્ડિઝ રવાના થશે. તેનો પહેલો મેચ બારબાડોસમાં સ્કોટલેન્ડ વિરુદ્ધ છે. ઇંગ્લેન્ડની ટીમમાં ક્રિસ વોકસના સ્થાને ક્રિસ જોર્ડનની પસંદગી ચોંકવનારી છે જ્યારે ભારત સામેની ટેસ્ટ શ્રેણીમાં સારો દેખાવ કરનાર સ્પિનર ટોમ હાર્ટલેને ટી-20 ટીમમાં પહેલીવાર તક મળી છે.

ઇંગ્લેન્ડ ટીમ: જોસ બટલર (કેપ્ટન), હેરી બ્રુક, ટોમ હાર્ટલે, ફિલ સોલ્ટ, લિયામ લિવિંગસ્ટોન, આદિલ રશીદ, વિલ જેક્સ, મોઇન અલી, જોફ્રા આર્ચર, જોની બેયરસ્ટો, સેમ કરન, માર્ક વૂડ, બેન ડકેટ, ક્રિસ જોર્ડન અને રીસી ટોપલે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક