• શનિવાર, 18 મે, 2024

વૈંકટેશ સંકટમોચક મુંબઇ સામે કોલકતાના 169 રન

57 રનમાં 5 વિકેટ પડયા બાદ વૈંકટેશ અય્યરની 70 રનની ઇનિંગ: મુંબઇ તરફથી તુષારા અને બુમરાહની 3-3 વિકેટ 

મુંબઇ તા.3: વાનખેડે સ્ટેડિયમની સ્લો પિચ પર ટોચના બેટધરોની નિષ્ફળતા વચ્ચે મુંબઇ ઇન્ડિયન્સ વિરૂધ્ધ કોલકતા નાઇટ રાઇડર્સે બાઉન્સ બેક થઇને 169 રન કર્યાં હતા. કેકેઆર ટીમ 19.પ ઓવરમાં ઓલઆઉટ થઇ હતી. અંતિમ વિકેટના રૂપમાં બુમરાહના દડામાં બોલ્ડ થતાં પહેલા વૈંકટેશ અય્યરે કેકેઆર માટે પ2 દડામાં 6 ચોકકા અને 3 છકકાથી 70 રનની રેસ્કયૂ ઇનિંગ રમી હતી. જયારે મુંબઇ તરફથી શરૂઆતમાં શ્રીલંકાના મલિંગા સ્ટાઇલના બોલર નુવાન તુષારાએ 3 અને ડેથ ઓવર્સમાં જસપ્રિત બુમરાહે 3 વિકેટ લીધી હતી. એમઆઇ કેપ્ટન હાર્દિકે 44 રનમાં 2 વિકેટ ઝડપી હતી.

મુંબઇએ ટોસ જીતી કોલકતાને દાવ આપ્યો હતો. નુવાન તુષારા પ્રારંભે ત્રાટકયો હતો. તેણે ફિલ સોલ્ટ (પ), રઘુવંશી (13) અને કપ્તાન શ્રેયસ અય્યર (6)ની વિકેટ ઝડપી હતી. નારાયણ (8) અને રિંકુ સિંહ (9) પીયૂષ ચાવલાના શિકાર થયા હતા. પ7 રનમાં પ વિકેટ પડયા બાદ કેકેઆર માટે વૈંકટેશ અય્યર અને ઇમ્પેકટ પ્લેયર મનીષ પાંડે સંકટમોચક બન્યા હતા અને મુંબઇના બોલરોને હંફાવીને છઠ્ઠી વિકેટમાં 62 દડામાં 83 રનની ભાગીદારી કરી હતી. પાંડે 31 દડામાં 2 ચોકકા-2 છકકાથી ઉપયોગી 42 રને આઉટ થયો હતો. બિગ હિટર રસેલ બે રન રનઆઉટ થયો હતો. અંતિમ ઓવરોમાં બુમરાહ ત્રાટકયો હતો. આથી કોલકતાની ઇનિંગ 19.પ ઓવરમાં 169 રને સમાપ્ત થઇ હતી. આથી મુંબઇ ઇન્ડિયન્સને પ્લેઓફની આશા જીવંત રાખવા માટે 170 રનનું વિજય લક્ષ્યાંક મળ્યું હતું.

 

ઇ-પેપરના નવા શુલ્ક