• શનિવાર, 18 મે, 2024

પરિણામ વિશે વિચારતો ન હતો, અંતિમ દડા સુધી મેચ લઇ જવાની યોજના હતી : ભુવનેશ્વર

હૈદરાબાદ, તા.3 : રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધના રોમાંચક મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદને આખરી દડે 1 રને જીત મળી હતી. અંતિમ ઓવરમાં ભુવનેશ્વરે 12 રન બચાવવાના હતા. રસાકસી વચ્ચે રાજસ્થાનને આખરી દડે જીત માટે બે રનની જરૂર હતી ત્યારે ભુવનેશ્વરે પોવેલને એલબીડબ્લ્યૂ આઉટ કરી હૈદરાબાદને એક રને જીત અપાવી હતી. પ્લેયર ઓફ ધ મેચ જાહેર થયેલ ભુવનેશ્વરે જણાવ્યું કે હું છેલ્લી ઓવરમાં પરિણામ વિશે વિચારતો ન હતો. મને ખબર હતી કે બે સારા દડા મેચનું પરિણામ બદલી શકે છે. મારો ઇરાદો મેચને અંતિમ દડા સુધી લઇ જવાનો હતો. પછી કાંઇ પણ થઇ શકે છે. છેલ્લો દડો ફૂલટોસ હતો તે (પોવેલ) ચૂકી ગયો. 

જયારે  સનરાઇઝર્સના સુકાની કમિન્સે સ્વીકાર્યું કે છેલ્લો દડો ફેંકાયો ત્યાં સુધી ખુદને પણ જીતનો ભરોસો ન હતો. મેચ બાદ કમિન્સે જણાવ્યું કે આ એક શાનદાર મેચ રહ્યો. અંતિમ બોલ પહેલા અમે એ ભૂલી ગયા હતા કે વિકેટ લઇ લેશું તો મેચ જીતી જશું. અમે સુપર ઓવર વિશે વિચારતા હતા. આ મેચમાં 202 રનના વિજય લક્ષ્યાંકનો પીછો કરતા રાજસ્થાને પહેલી ઓવરમાં જ બટલર અને કેપ્ટન સેમસનની વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી જયસ્વાલ અને રિયાન પરાગની જોડીએ 134 રનની ભાગીદારી કરી હતી. અંતિમ પ ઓવરમાં રાજસ્થાનને જીત માટે 4પ રનની જરૂર હતી અને 7 વિકેટ અકબંધ હતી. આ તકે કમિન્સે પરાગને આઉટ કર્યો અને નટરાજને હેટમાયરને શિકાર બનાવ્યો. બાદમાં કમિન્સે 19મી ઓવરમાં માત્ર 7 રન આપ્યા.

ઇ-પેપરના નવા શુલ્ક