• શનિવાર, 18 મે, 2024

આજે લખનઉ અને કોલકાતા વચ્ચે મુકાબલો : પ્લે ઓફ ઉપર નજર એક હારથી લખનઉ માટે પ્લે ઓફનું સમીકરણ બગડવાની સંભાવના

નવી દિલ્હી, તા. 4 : આઇપીએલ લીગ સ્ટેજ હવે અંતિમ તબક્કામાં છે. રવિવારે આઇપીએલના 54મા મેચમાં લખનઉ સુપર જાયન્ટ્સની લખનઉનાં સ્ટેડિયમમાં કોલકાતા નાઇટ રાઇડર્સ સામે ટક્કર થવાની છે. બન્ને ટીમ વચ્ચે આ સીઝનનો બીજો મુકાબલો છે. આ પહેલા ઈડન ગાર્ડન્સમાં લખનઉ અને કોલકતા વચ્ચે મેચ રમાયો હતો તેમાં કોલકતાએ બાજી મારી હતી. મેચમાં ફિલ સાલ્ટે નોટઆઉટ 89 રન કર્યા હતા અને મિચેલ સ્ટાર્કે 3 વિકેટ લીધી હતી. 

બાદમાં કોલકાતાએ મુંબઈને તેનાં ઘરમાં હરાવ્યું છે. જેનાં કારણે ટીમનો આત્મવિશ્વાસ વધ્યો છે. લખનઉનો પણ ગયો મેચ મુંબઈ સામે હતો અને તેમાં જીત મેળવી હતી. એટલે કે બન્ને ટીમો પોતાના અંતિમ મુકાબલા જીતીને એકબીજાની સામે મેદાનમાં ઉતરવા જઈ રહી છે. બન્નેની નજર પણ પ્લેઓફની ટિકિટ ઉપર છે. કેકેઆર અને લખનઉ બીજા અને ત્રીજા ક્રમાંકે છે. કેકેઆરએ 10 મેચમાંથી સાતમાં જીત મેળવી છે અને 14 અંક છે જ્યારે લખનઉએ 10 મેચમાંથી 6 જીત્યા છે. તેના ખાતામા 12 અંક છે. ચોથાં સ્થાને રહેલી હૈદરાબાદની ટીમના પણ 12 અંક છે. તેવામાં લખનઉ ઉપર જીતનું દબાણ રહેશે. એક પણ હારથી પ્લેઓફનું સમીકરણ બગડી શકે છે. કારણ કે હૈદરાબાદ અને ચેન્નઈ પણ પ્લેઓફની રેસમા છે. તેવામાં લખનઉએ કોઈપણ ભોગે મેચ જીતવો પડશે. આઇપીએલમાં કેકેઆર અને લખનઉ વચ્ચે ચાર મુકાબલા થયા છે. જેમાં ત્રણમાં લખનઉએ બાજી મારી છે અને કેકેઆરને એકમાં જીત મળી છે. લખનઉ તરફથી કેએલ રાહુલ, માર્કસ સ્ટોયનિસ અને નિકોલસ પુરન ઉપર નજર રહેશે જ્યારે કેકેઆર તરફથી સુનીલ નરરેન, સોલ્ટ ધુંઆધાર બેટિંગ કરી ચૂક્યા છે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક