• રવિવાર, 19 મે, 2024

મુંબઈનો ઇરાદો સનરાઇઝર્સનાં સમીકરણ બગાડવાનો

સનરાઇઝર્સ હૈદરાબાદ વિજયક્રમ જાળવી રાખી પ્લેઓફ ભણી આગકૂચ કરવા માગશે

મુંબઈ, તા.પ : વિજય ક્રમ પર વાપસી કરી ચૂકેલી સનરાઇઝર્સ હૈદરાબાદ ટીમ સોમવારે અહીંના વાનખેડે સ્ટેડિયમ પર ખરાબ ફોર્મમાંથી પસાર થઈ રહેલ મુંબઈ ઇન્ડિયન્સ સામે જીત મેળવી પ્લેઓફ ભણી આગેકૂચ કરવા પર હશે. સનરાઇઝર્સ હાલમાં 10 મેચમાં 6 જીતથી 12 પોઇન્ટ સાથે ચોથા સ્થાન પર છે. પેટ કમિન્સના સુકાનીપદ હેઠળની ટીમને જીત માટે બોલિંગમાં સુધારો કરવો પડશે. બીજી તરફ મુંબઈ ટીમ પ્લેઓફ રેસની બહાર થઈ ચૂકી છે. પાછલા મેચમાં તેને કોલકતા વિરુદ્ધ હોમ ગ્રાઉન્ડ વાનખેડે સ્ટેડિયમ પર 12 વર્ષ બાદ હાર સહન કરવી પડી હતી. હાર્દિક પંડયાની ટીમનો ઇરાદો સનરાઇઝર્સ વિરુદ્ધ પ્રોત્સાહક જીત મેળવી પ્લે ઓફનાં સમીકરણ બગાડવાનો હશે.

વાનખેડે પિચ જો બેટધરોને અનુકૂળ હશે તો સનરાઇઝર્સના બેટર્સ વધુ એકવાર 2પ0 પ્લસ સ્કોર કરી શકે છે. અહીંની બાઉન્ડ્રી ટૂંકી છે. આથી અહીં ટી20માં 200 રન સામાન્ય વાત છે. જો કે ગત શુક્રવારે મુંબઈ અને કોલકતા વચ્ચેના મેચ વખતે વાનખેડેની પિચ ધીમી હતી. જેના પર બેટધરોને સંઘર્ષ કરવો પડયો હતો. હૈદરાબાદે પાછલા મેચમાં ટોચની ટીમ રાજસ્થાનને આખરી દડે 1 રને હાર આપી હતી. આથી તેનું મનોબળ ઉંચું છે. તેના ત્રણ બેટર્સ ટ્રેવિસ હેડ (396), અભિષેક શર્મા (31પ) અને હેનરિક કલાસેન (337) આક્રમક અંદાજમાં બેટિંગ કરી રહ્યા છે. ઓલરાઉન્ડર નીતિશ રેડ્ડી પણ સારી બેટિંગ કરી રહ્યો છે. સનરાઇઝર્સના આ બેટર્સના મુંબઈના ખતરનાક બોલર બુમરાહ સામે કસોટી થશે. તે 17 વિકેટ લઈ ચૂક્યો છે અને પર્પલ કેપ તેની પાસે છે.

મુંબઈ ઇન્ડિયન્સે જીત માટે એડી ચોટીનું જોર લગાવવું પડશે. રોહિત શર્માથી લઈને બિન અનુભવી નેહલ વઢેરા સહિતના ખેલાડીઓએ સંઘ ભવાનાથી દેખાવ કરવો પડશે. ખાસ કરીને ટીમને સૂર્યકુમાર પાસેથી આતશી ઇનિંગની આશા બની રહેશે જ્યારે કપ્તાન હાર્દિક પર ઓલરાઉન્ડ દેખાવનું દબાણ રહેશે.

ઇ-પેપરના નવા શુલ્ક