મોદી
સાથે વાટાઘાટ પહેલા ટ્રમ્પે પુતિન સાથે કરી લાંબી ટેલિફોનિક ચર્ચા : રશિયાએ કહ્યું,
પશ્ચિમી દેશો સમજી લે કે, રશિયાને ઝૂકાવી નહીં શકાય: ટ્રમ્પને યુદ્ધ સમાપ્તિની આશા
નવી
દિલ્હી, તા.13: ભારતનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષી વાટાઘાટો પૂર્વે જ
અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયાનાં રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે ફોન
ઉપર આશરે દોઢેક કલાક ચર્ચા કરી હતી. આ વાર્તાલાપનાં હિસાબે રશિયા-યુક્રેન યુદ્ધ મુદ્દે
આજે ફરી એકવાર આંતરરાષ્ટ્રીય રાજનીતિમાં ગરમાટો આવી ગયો હતો.વાસ્તવમાં ટ્રમ્પ યુક્રેન
યુદ્ધ અટકાવવા માગે છે અને ચીનનાં ક્ષેત્રીય વર્ચસ્વને અંકુશમાં લાવવા માટે ભારત અને
રશિયા સાથે મળીને તેને અલગ પાડી દેવા માગે છે. જો કે યુક્રેન યુદ્ધ મુદ્દે ટ્રમ્પ સાથેની
વાટાઘાટમાં પુતિને મચક આપી હોય તેવું જણાતું નથી. કારણ કે આ વાર્તાલાપ પછી રશિયાની
સુરક્ષા પરિષદનાં ઉપાધ્યક્ષ દિમિત્રી મેદવેદેવે પશ્ચિમી દેશોને સાફ શબ્દોમાં સંભળાવી
દીધું હતું કે, બધાએ બરાબર સમજી લેવાની જરૂર છે કે, રશિયાને હરાવી શકાશે નહીં. જો કે
બીજીબાજુ ટ્રમ્પે રશિયા સાથેની વાતચીત હકારાત્મક રહી હોવાનું જણાવીને યુદ્ધ સમાપ્ત
થવાની સંભાવના વ્યક્ત કરી હતી.
આટલું
જ નહીં મેદવેદેવે અમેરિકાનાં નેતૃત્વ ઉપર પણ નિશાન સાધ્યું હતું અને કહ્યું હતું કે,
આ દુનિયામાં કોઈ એક દેશ સર્વોચ્ચ પ્રભાવી કે શાસક હોઈ ન શકે. ઘમંડમાં ડૂબેલા અમેરિકાએ
પણ આ બાબત જાણી લેવી જોઈએ. રશિયાને ઝૂકવવું અસંભવ છે અને જેટલી જલ્દી પશ્ચિમી દેશો
આ સમજી લે તેટલું બહેતર છે.
ટ્રમ્પ
ચૂંટણી પ્રચારથી માંડીને પોતાનાં સત્તારોહણ સમયે પણ દાવો કરી ચૂક્યા છે કે, તેઓ રશિયા-યુક્રેન
યુદ્ધને અટકાવશે. જો કે, પુતિન અને ટ્રમ્પની વાટાઘાટ બાદ રશિયાએ અખત્યાર કરેલો આક્રમક
અભિગમ હવે પશ્ચિમી દેશો માટે પડકારજનક બનવાનું નક્કી દેખાય છે. રશિયાએ અગાઉ પણ સ્પષ્ટ
કરેલું કે, તે સૈન્ય દબાણ કે પશ્ચિમી વ્યાપાર પ્રતિબંધોથી ગભરાશે નહીં. ટ્રમ્પ સાથે
આજે થયેલી ચર્ચા પછી પણ સ્પષ્ટ થઈ રહ્યું છે કે, પુતિન કોઈપણ હિસાબે પાછળ હટવા તૈયાર
નથી. તે કોઈપણ નિર્ણય કરશે તો પોતાની શરતોને આધીન જ કરશે. જો કે, ટ્રમ્પે આજે સોશિયલ
મીડિયામાં યુક્રેન યુદ્ધ સમાપ્ત થવાની સંભાવના દેખાડી હતી. તેમનાં કહેવા અનુસાર રશિયા
સાથે સકારાત્મક વાતચીત થઈ છે.
જો કે
ટ્રમ્પે આજે પુતિન સાથે વાતચીત કરીને એક તીરથી બે નિશાન સાધવાનો પ્રયાસ કર્યો હતો.
બાઈડન પ્રશાસનમાં રશિયા અને અમેરિકા વચ્ચેનું અંતર વધી ગયું હતું. જેને ઘટાડવા માટે
ટ્રમ્પે પહેલ કરી છે. બીજીબાજુ ભારત સાથે મળીને તે ચીન સામે મોરચો પણ ખોલવા માગે છે.
ભારત અને રશિયાનો અમેરિકાને સાથ મળી જાય તો ચીનની દાદાગીરી ઉપર અંકુશ લાવી શકાય તેવી
ટ્રમ્પની રણનીતિ હોઈ શકે છે. એટલે જ સંભવત મોદી સાથે મુલાકાત પહેલા જ ટ્રમ્પે પુતિન
સામે હાથ લંબાવ્યો હોઈ શકે. આમ ત્રણ મહાશક્તિઓ વચ્ચે થઈ રહેલી વાટાઘાટોથી ચીનની ઉંઘ
હરામ થઈ જશે તે સ્વાભાવિક છે.