• બુધવાર, 06 ઑગસ્ટ, 2025

યુદ્ધવિરામ... તકલાદી

ઘૂંટણિયે પડીને શાંતિની ભીખ માગનાર પાકે. પીઠ પાછળ ઘા મારવા કર્યો પ્રયાસ

યુદ્ધવિરામનાં કલાકોમાં જ કચ્છથી કાશ્મીર સુધી ઝળક્યા પાકિસ્તાનનાં ડ્રોન: અંકુશરેખાએ ગોળીબાર

અમેરિકી મધ્યસ્થતાથી યુદ્ધવિરામ થયાનો ટ્રમ્પનો દાવો

અમેરિકાના દાવા સામે ભારતે ત્રીજા દેશની ભૂમિકા નકારી

સિંધુ જળસંધીનો અમલ રોકવા સહિત ભારતના પ્રતિબંધ યથાવત

ભારતનો મજબૂત સંદેશ : હવે આતંકી હુમલાને યુદ્ધ ગણશું

નવી દિલ્હી,તા.10: પહેલગામના હિચકારા હુમલા બાદ ઓપરેશન સિંદૂર હેઠળ ભારતે પાકિસ્તાન પર કરેલા શ્રેણીબદ્ધ પ્રહારો બાદ આજે સાંજે બંને દેશ પૂર્ણ અને તાત્કાલિક યુદ્ધવિરામ માટે સહમત થયા હતા. સંઘર્ષવિરામના એલાન સાથે જ કચ્છ સહિતના દેશની પશ્ચિમી સરહદના વિસ્તારોમાં અંધારપટ સહિતના નિયમોમાં છૂટછાટની ઘોષણાઓ થવા લાગી હતી પણ ગણતરીનાં કલાકોમાં જ આ યુદ્ધવિરામ તકલાદી પુરવાર થઈ ગયું હતું. પાકિસ્તાન તરફથી સતત પાંચમા દિવસે કચ્છથી કાશ્મીર સુધી ડ્રોન હુમલાનાં પ્રયાસો થયા હતાં અને કાશ્મીરમાં અંકુશરેખાએ બેફામ ગોળીબાર પણ શરૂ કરી દીધા હતાં.

કાશ્મીર, પંજાબ, રાજસ્થાન અને ગુજરાતની સીમાએ પાકિસ્તાને યુદ્ધવિરામ ઘોળીને પી ગયું હતું. માતા વૈષ્ણોદેવીનાં મંદિર નજીક, પોખરણ, ગુરદાસપુર, ફિરોઝપુર, પઠાણકોટ, હોશિયારપુર, નગરોટા, જલંધર, ફરીદકોટ, બાડમેર, ગંગાનગર અને કચ્છમાં પણ કાચિંડાની જેમ કલર બદલીને પાકિસ્તાની સેનાએ ભારતને ઉશ્કેરવાની અને પીઠ પાછળ ઘા કરવાની હિમાકત કરતાં ડ્રોન છોડયા હતાં અને હુમલાનાં પ્રયાસો કર્યા હતાં. પાક.નાં ડ્રોનની ભેદી ગતિવિધિથી યુદ્ધવિરામ શંકાનાં દાયરામાં આવી ગયું હતું. બિનસત્તાવાર અહેવાલો અનુસાર પાકિસ્તાને ઉડાડેલા ડ્રોન પહેરેદારી અને સર્વેલન્સનાં પણ હોઈ શકે છે.

આજે સાંજે ચારેક વાગ્યે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક ટ્વિટમાં દાવો કર્યો હતો કે તેમના મધ્યસ્થી માટેના રાતભરના પ્રયાસો થકી ભારત અને પાકિસ્તાન સંઘર્ષવિરામા માટે સંમત થયા હતા. જો કે,ભારતે કહ્યું હતું કે આ સંમતિમાં કોઈ ત્રીજા દેશની ભૂમિકા નથી. પછડાટ ખાઈ રહેલા પાકિસ્તાનના ડાયરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન(ડીજીએમઓ) તરફથી આ ઘર્ષણના અંત માટે વિનંતીનો ફોન આવ્યા બાદ તેની જાહેરાત થઈ હતી. જો કે ભારતની આ ભલમનસાઈ પાકિસ્તાને પીઠ પાછળ ઘા કરવાનાં મોકા સમાન માની લીધી હતી.

યુદ્ધવિરામની જાહેરાત પહેલા જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉચ્ચ બેઠક બાદ ભારતે જાહેર કર્યું હતું કે હવેથી કોઈ પણ આતંકી હુમલાને દેશ સામેનું યુદ્ધ માનવામાં આવશે અને એ રીતે જ જવાબ આપવામાં આવશે. ભારત સરકારના સૂત્રોએ એ પણ સ્પષ્ટ કર્યું હતું કે પહેલગામના નરસંહાર બાદ ભારતે લીધેલા સિંધુ જળ કરાર પર રોક સહિતના નિર્ણયો યથાવત રહેશે અને સુરક્ષા દળો સતર્ક અને સજ્જ છે.12મી મેના બંને દેશના ડીજીએમઓ ફરી એક વાર વાતચીત કરશે. જો કે, યુધ્ધ વિરામની ઘોષણાના અમુક કલાકમાં જ કાશ્મીર સીમાએ પાકિસ્તાને કાચિંડાની જેમ રંગ બદલીને ગોળીબાર અને ડ્રોન હુમલા શરૂ કરી દીધા હતા.

ટ્રમ્પની આ ઘોષણા પછી ભારતનાં વિદેશ મંત્રાલયે પણ યુદ્ધવિરામની પુષ્ટિ કરી હતી. વિદેશ મંત્રી એસ.જયશંકરે શત્રવિરામ વિશે પાક.ને સાફ શબ્દોમાં ચેતવણી પણ આપી હતી કે, ભારત આતંકવાદ સામે કોઈપણ સમાધાન કરવાનું નથી. વિદેશ મંત્રાલય બાદ ભારતીય સેનાની ત્રણેય પાંખ દ્વારા પણ સંયુક્ત પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી અને પાક.નાં જૂઠાણા અને ભારતીય સેનાની સજ્જતા દોહરાવી હતી. આ ઘટનાક્રમોને ભારતની મોટી કૂટનીતિક જીત માનવામાં આવે છે. પહલગામ હુમલા પછી ભારતે આતંકવાદ મુદ્દે પાક.ને કઠોર સંદેશ સહિતનાં પોતાનાં તમામ ઉદ્દેશો પાર પાડી લીધા પછી આ યુદ્ધવિરામની ઘોષણા થઈ છે. હવે સોમવારે બન્ને દેશ વચ્ચે ડીજીએમઓ સ્તરે વાર્તાલાપ થશે. યુધ્ધ વિરામ પછી વડાપ્રધાન મોદી સેનાની ત્રણ પાંખના વડાઓને મળ્યા હતા.

અમેરિકાનાં વિદેશમંત્રી માર્કો રુબિયોએ ભારત-પાક. શત્રવિરામ વિશે કહ્યું હતું કે, છેલ્લા 48 કલાકથી અમેરિકાનાં ઉપરાષ્ટ્રપતિ જે.ડી.વેંસ અને તેઓ પોતે ભારત અને પાક.નાં નેતાઓનાં સંપર્કમાં હતાં. બન્ને નેતાઓ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પાક.નાં પ્રધાનમંત્રી શહબાઝ શરીફ સાથે પણ ચર્ચા કરવામાં આવી હતી. જેમાં બન્ને દેશોને શત્રવિરામ માટે સહમતી કરી લેવામાં આવ્યા હતાં. ટ્રમ્પે આ વિશે જાહેરાત કરતાં સોશિયલ મીડિયા ઉપર એક પોસ્ટમાં લખ્યું હતું કે, અમેરિકાની મધ્યસ્થતામાં એક લાંબી રાત પછી આ ઘોષણા કરતા ખુશી થાય છે કે, ભારત અને પાક. તાત્કાલિક અસરથી યુદ્ધવિરામ માટે સહમત થઈ ગયા છે. બન્ને દેશોને વિવેકનો ઉપયોગ કરવા બદલ અભિનંદન.

આ વિશે પુષ્ટિ કરતાં વિદેશ મંત્રાલયે કરી હતી અને વિદેશ સચિવ વિક્રમ મિસ્રીએ જાણકારી આપતા કહ્યું હતું કે, સાંજે પાંચ વાગ્યાથી સીઝફાયર લાગુ થઈ ગયું છે. તેમણે આગળ જણાવ્યું હતું કે, પાક.નાં ડીજીએમઓ તરફથી ભારતનાં ડીજીએમઓનો પહેલા સંપર્ક કરવામાં આવ્યો હતો. બપોરે ફોન આવ્યો હતો અને તેમાં સૈન્ય ગતિવિધિ રોકવા માટે સહમતી સાધવામાં આવી હતી.

બીજીબાજુ પાક.નાં ઉપપ્રધાનમંત્રી અને વિદેશ મંત્રી ઈશાક ડારે પણ શત્રવિરામની પુષ્ટિ કરતાં સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું હતું કે, બન્ને દેશ તાત્કાલિક અસરથી શત્રવિરામ માટે સહમત થઈ ગયા છે. પાક. હંમેશા પોતાની સંપ્રભુતા અને અખંડતા જાળવીને શાંતિ અને સુરક્ષાનાં પ્રયાસો કરે છે.

શત્રવિરામની આ રાજકીય ઘોષણા બાદ આજે ભારતીય સેનાની ત્રણેય પાંખ દ્વારા પણ એક પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી અને ઘર્ષણનાં ચાર દિવસ દરમિયાન પાક. તરફથી ફેલાવવામાં આવેલા જૂઠાણાઓને સેનાએ ફરી એકવાર ઉજાગર કર્યા હતાં. આ ઉપરાંત પાક.સેનાને પહોચાડવામાં આવેલી ભારે ક્ષતિની પણ યાદ અપાવવામાં આવી હતી. શત્રવિરામની ઘોષણા પછી સેનાએ કહ્યું હતું કે, ભારતીય દળો કોઈપણ સંજોગોને પહોંચી વળવા માટે કાયમ સજ્જ છે અને રહેશે. આ પત્રકાર પરિષદ કમોડોર રઘુ આર.નાયર, કર્નલ સોફિયા કુરેશી, અને વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહે કરી હતી અને તેમાં પાક.નાં જૂઠાણાઓ ફગાવી દેવામાં આવ્યા હતાં. આ ઉપરાંત ભારતે કોઈપણ ધર્મસ્થાનોને નિશાન બનાવ્યાના ભડકાઉ દાવાઓને પણ નકારવામાં આવ્યા હતાં.

 

ઇ-પેપરના નવા શુલ્ક