• ગુરુવાર, 21 સપ્ટેમ્બર, 2023

“ગ્રામ્ય વિસ્તારમાં આધુનિક હોસ્પિટલ એ વિકાસનું ઉત્તમ ઉદાહરણ’’

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આટકોટની કે.ડી.પરવાડીયા હોસ્પિટલમાં હૃદયરોગ વિભાગ અને બે નવા ઓપરેશન થિયેટરનું લોકાર્પણ

હવે આટકોટમાં જ આયુષ્માન કાર્ડ પર હૃદયરોગની સારવાર ઉપલબ્ધ

રાજકોટ તા.7:રાજકોટના આટકોટ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કે.ડી.પરવાડીયા મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલમાં હૃદયરોગ વિભાગ તથા નવા મોડયુલર ઓપરેશન થીયેટરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ તકે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે ગ્રામ્ય વિસ્તારમાં મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલ એ વિકાસનું ઉત્તમ ઉદાહરણ છે. ગ્રામ લેવલે આ પ્રકારની હોસ્પિટલથી છેવાડા માનવી સુધી સુવિધા પહોચી છે. આજે ગુજરાત ગ્રોથ એન્જિન બન્યું છે ધંધા રોજગાર વધારવા ગુજરાતની પસંદગી પહેલી છે. મેડિકલ ક્ષેત્રમાં પણ આજે 6 હજાર સીટો ઉપલબ્ધ છે અને જિલ્લા કક્ષાએ એક મેડિકલ કોલેજ બને તે દિશામાં ગુજરાત આગળ વધી રહ્યું છે.

આ તકે મુખ્યમંત્રીએ હોસ્પિટલમાં દર્દીઓને અપાતી વિવિધ સારવાર તથા સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું તેમજ દાખલ દર્દીઓના ખબર અંતર પૂછયા હતા. હોસ્પિટલના મેનેજિંગ ડિરેકટર ડો.ભરત બોઘરાએ હોસ્પિટલની કામગીરી અંગે મુખ્યમંત્રીને માહિતગાર કર્યા હતા. આ લોકર્પણ પ્રસંગે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ, મંત્રી રાઘવજીભાઇ પટેલ, મંત્રી કુંવરજીભાઇ બાવળિયા, મંત્રી ભાનુબેન બાબરીયા, સાંસદ રામભાઇ મોકરીયા, મોહનભાઇ કુંડારિયા, વિનોદ ચાવડા, ધારાસભ્યો સહિતના હાજર રહ્યા હતા.

ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે જણાવ્યું હતું કે ભરત બોઘરાએ રાજકીય સાથે સેવામાં પોતાનું જીવન સમર્પિત કર્યું છે. હાલમાં લોકોને અદ્યતન સુવિધા સાથે સારવાર મળી રહી છે. અહી આવેલા કોઇપણ દર્દી પાસે પૈસા હોય કે ન હોય તો પણ સારવાર કરીને ઘરે મોકલવામાં આવે છે.

કે.ડી.પી. હોસ્પિટલના મેનેજિંગ ડિરેકટર ભરત બોઘરાએ જણાવ્યું કે છેલ્લા એક વર્ષમાં હોસ્પિટલ ખાતે 58000 ઓપીડી તેમજ 4100 જેટલી સફળ સર્જરી કરાઇ છે તેમજ 3250 જેટલા દર્દીઓના ડાયાલિસિસ, 7000 દર્દીઓને ઇમરજન્સી સારવાર અને 300 જેટલા દર્દીઓના ગોઠણના સાંધા બદલવાના સફળ ઓપરેશન કરવામાં આવ્યા છે. એક વર્ષમાં હૃદયરોગના અનેક કેસ આવ્યા હતા પણ સુવિધા ન હોવાના કારણે રાજકોટ શિફટ કરવા પડયા હતા. જો કે હવે હૃદય રોગની તમામ બીમારીનું અહીંયા નિદાન થશે. આયુષ્માન કાર્ડ યોજના હેઠળ તમામ સારવાર થઇ શકશે. આ પંથકમાં કેન્સરને લગતી અનેક સમસ્યા છે ત્યારે આગામી સમયમાં કેન્સર સેન્ટર શરુ કરાશે તેમજ મેડિકલ કોલેજ અંગે પણ વિચારણા કરવામાં આવી છે.

નોંધનીય છે કે, આ હોસ્પિટલમાં આયુષ્યમાન કાર્ડ પર દર્દીઓને સારવાર ઉપલબ્ધ છે. અહીં કેથલેબના ઉદ્ઘાટનથી આટકોટ, જસદણ પંથકના હૃદય રોગના દર્દીઓને એન્જીયોગ્રાફી, એન્જીયોપ્લાસ્ટી તેમજ બાયપાસ હાર્ટસર્જરીની સુવિધા મળી શકશે. કેથલેબમાં પાંચ બેડનું આઇ.સી. યુ. બનાવવામાં આવ્યું છે. હૃદયના દર્દીઓ માટે અહીં પાંચ કાર્ડિયોલોજિસ્ટ પણ સેવા આપી રહ્યા છે. જયારે દર્દીઓ માટે અહીં બે પૂર્ણકાલીન જનરલ સર્જન પણ ઉપલબ્ધ છે.