• શુક્રવાર, 03 મે, 2024

હીટવેવ વચ્ચે મતદાનનો ગરમાટો: પહેલા તબક્કામાં 62% લોકસભા ચૂંટણીનો એકંદરે શાંતિપૂર્ણ શુભારંભ

ર1 રાજય, 10ર બેઠક : 9 દિગ્ગજ સહિત 16રપ ઉમેદવારનું ભાવિ ઈવીએમમાં કેદ : છૂટીછવાઈ હિંસક ઘટનાઓ વચ્ચે મતદાન શાંતિપૂર્ણ : ત્રિપુરા, બંગાળમાં ધિંગું મતદાન, બિહારમાં સૌથી ઓછું

નવી દિલ્હી તા.19 : લોકશાહીના સૌથી મોટા પર્વનો શુક્રવારથી આરંભ થયો. પહેલા તબક્કામાં ર1 રાજય અને કેન્દ્ર શાસિત પ્રદેશની 10ર બેઠક પર સાંજે 6 વાગ્યા સુધીમાં પ9.71 ટકા અને 7 વાગ્યા સુધીમાં 62.37 ટકા (છેલ્લી સ્થિતિએ) મતદાન નોંધાયું હતું. ત્રિપુરામાં સૌથી વધુ 80 ટકા અને બિહારમાં સૌથી ઓછું 48 ટકા મતદાન થયુ હતુ. બંગાળ અને મણિપુરમાં છૂટી છવાઈ હિંસક ઘટનાઓ વચ્ચે મતદાન એકંદરે શાંતિપુર્ણ રહ્યંy હતુ.

પહેલા તબક્કામાં કુલ સંસદિય ક્ષેત્રોની 19 ટકા બેઠકો પર મતદાન યોજાયું હતું જેમાં 9 બેઠક પર 9 કેન્દ્રિય મંત્રી, બે પુર્વ મુખ્યમંત્રી તથા એક પુર્વ રાજયપાલ સહિત 16રપ ઉમેદવાર મેદાનમાં છે. સવારે 7 વાગ્યાથી મતદાન શરુ થયુ હતુ જે સાંજે 7 વાગ્યા સુધી ચાલ્યું હતું. અરુણાચલ અને સિક્કિમની 9ર વિધાનસભા બેઠક પર પણ શુક્રવારે મતદાન યોજાયુ હતુ. પહેલા તબક્કામાં આસામમાં ઈવીએમના 1પ0 સેટ સંપુર્ણ બદલવામાં આવ્યા હતા. 400 જેટલા ઉપકરણમાં ખરાબીની ફરિયાદ બાદ જરુર લાગી ત્યાં ઈવીએમ અને વીવીપેટ બદલાયા હતા. તમિલનાડુ, અરુણાચલ પ્રદેશ, અંદામાન નિકોબારમાં પણ કેટલાક બૂથ પર ઈવીએમમાં ખામીની ફરિયાદ ઉઠી હતી જે તુરંત ઠીક કરાવાઈ હતી. સાંજે પ વાગ્યા સુધીમાં પશ્ચિમ બંગાળમાં સૌથી વધુ 77.પ7 ટકા, મધ્યપ્રદેશમાં 63 ટકા, મેઘાલયમાં 69 ટકા  અને રાજસ્થાનમાં પ0 ટકા મતદાન થયું હતુ. બિહારમાં સાંજે પ વાગ્યા સુધીમાં મતદાનની ટકાવારી 46.3ર રહી હતી. તમિલનાડુની તમામ 39 બેઠકો માટે મતદાન પુર્ણ થયુ છે અને છેલ્લી સ્થિતિએ 63.ર0 ટકા મતદાન રહયુ હતુ. બંગાળના કૂચબિહારમાં હિંસાને કારણે મતદાનને અસર થઈ હતી. છત્તીસગઢની બસ્તર લોકસભા બેઠક પર પ8.14 ટકા લોકોએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

----------------

મણિપુર, બંગાળમાં ચૂંટણી હિંસક

ફાયરિંગ, હુમલા, પથ્થરમારો સહિત બનાવો : અનેક ઘવાયા

છત્તીસગઢમાં ચૂંટણી ફરજમાં તૈનાત જવાનનાં હાથમાં ગ્રેનેડ ફાટયો

ઇમ્ફાલ/કોલકાતા, તા.19 : લોકસભા ચૂંટણીમાં પહેલા તબક્કાનાં મતદાન વખતે મણિપુર અને બિહારમાં હિંસક બનાવો બન્યા હતા. મણિપુરમાં પોલિંગ બૂથ પર ફાયરિંગ કરવામાં આવતા મતદારો જીવ બચાવીને ભાગ્યા હતા. અથડામણમાં 3 જેટલા ઘવાયા હતા. પશ્ચિમ બંગાળના કૂચબિહારમાં મતદાન વખતે કાર્યકરો વચ્ચે હિંસા ભડકી ઉઠી હતી. હરીફ કાર્યકરોએ એકબીજા ઉપર પથ્થરમારો કર્યો હતો. હિંસામાં એક બૂથ એજન્ટ પર હુમલો કરાયો હતો.

મણિપુરમાં લોકસભાની બે બેઠક પર મતદાન યોજાયું હતું. દરમિયાન ઇનર મણિપુર બેઠક પર થકનપોકપીમાં બદમાશોએ એક મતદાન કેન્દ્રને નિશાન બનાવી અનેક રાઉન્ડ ગોળીબાર કરતા મતદાન માટે લાઇનમાં રહેલા લોકોમાં નાશભાગ મચી ગઈ હતી જેમાં કેટલાક ઘવાયા હતા. પોલિંગ બૂથમાં ઇવીએમમાં તોડફોડ કરવામાં આવી હતી. ઇમ્ફાલ પૂર્વમાં ખોંગમાનમાં એક બૂથમાં અજાણ્યા લોકો ઘૂસી ગયા હતા અને પ્રોકસી વોટિંગ કર્યું હતું.

બંગાળમાં મતદાન વખતે હિંસક બનાવો અંગે તૃણમૂલ કોંગ્રેસે આરોપ લગાવ્યો કે દિનહાટા બ્લોકના ભેટાગુડીમાં દેશી બોંબ ફેંકવામાં આવ્યા હતા જેમાં બ્લોક પ્રમુખ અનંત બર્મનને ઈજા પહોંચી અને તેઓ સારવાર હેઠળ છે. તૃણમૂલ અને ભાજપ બન્નેએ એકબીજા પર મતદારોને ધમકાવવાનો આરોપ લગાવ્યો છે. મતદારોને બૂથ સુધી જતાં રોકવામાં આવ્યાનો તથા બૂથ એજન્ટો પર હુમલા કરાયાનો આરોપ લાગ્યો છે.

છત્તીસગઢનાં બીજાપુર જિલ્લામાં ચૂંટણીની ફરજમાં તૈનાત સીઆરપીએફનાં 32 વર્ષીય જવાનનાં હાથમાં ગ્રેનેડ ફાટતા તેનું મૃત્યુ નીપજ્યું હતું. પોલીસનાં જણાવ્યા અનુસાર અંડર બેરલ ગ્રેનેડ લોન્ચરનો એક ગોળો દુર્ઘટનાવશ ફૂટતા કોન્સ્ટેબલ દેવેન્દ્ર કુમાર ઘાયલ થઈ ગયો હતો અને હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક