• શુક્રવાર, 03 મે, 2024

ઈરાન પર ઇઝરાયલનો મિસાઇલો-ડ્રોનથી પલટવાર

નેતન્યાહૂનો બદલો : શુક્રવારે વહેલી સવારે ઈરાન, ઈરાક, સીરિયાને એર સ્ટ્રાઇકથી ધણધણાવ્યા

મધ્યપૂર્વમાં સ્ફોટક સ્થિતિ: હુમલો નિષ્ફળ બનાવ્યાનો ઈરાનનો દાવો

તેલ અવીવ/તેહરાન, તા.19 : જેનો ભય હતો તે જ થયું છે. અમેરિકા સહિત અનેક દેશોની સમજાવટ છતાં ઇઝરાયલ માન્યું નથી અને ઈરાન પર પલટવાર કરતાં ભીષણ હવાઈ હુમલો કર્યો છે. એટલું જ નહીં ઈરાન ઉપરાંત ઈરાક અને સીરિયાને પણ નિશાન બનાવ્યું છે. ઇઝરાયલે ઈરાનના એક પરમાણુ મથકને નિશાન ન બનાવ્યું પરંતુ તેની નજીક હુમલો કરીને પરમાણુ પ્લાન્ટ સુધી તેની પહોંચ હોવાનો સંદેશો આપ્યો હતો. હુમલા માટે ઇઝરાયલે એ દિવસ પસંદ કર્યો જ્યારે ઈરાન પોતાના સર્વોચ્ચ નેતા અયાતુલ્લાહ ખામેનેઈનો 8પમો જન્મદિવસ મનાવી રહ્યંy છે. ઈરાને દાવો કર્યો કે ઇઝરાયલની અનેક મિસાઇલો અને ડ્રોનને તેણે એર ડિફેન્સથી તોડી પાડી હુમલો નિષ્ફળ બનાવ્યો છે.

ઇઝરાયલના હુમલાને પગલે તેહરાનની તમામ ફલાઇટ ડાયવર્ટ કરાઈ હતી. ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ માટે ઈરાન પર બદલાની કાર્યવાહી પ્રતિષ્ઠાનો પ્રશ્ન બની ગયો હતો. જેથી પશ્ચિમી દેશોની સમજાવટને અવગણી હુમલાનો આદેશ આપ્યો હતો. ઈરાને પહેલા તો ઇઝરાયલે હુમલો કર્યાનું સ્વીકાર્યું ન હતું બાદમાં તેના સરકારી મીડિયાએ જ સમાચાર પ્રસારિત કર્યા હતા.

ગત 13 એપ્રિલના મધરાતે ઈરાને ઇઝરાયલ ઉપર 300 મિસાઇલ-ડ્રોનનો વરસાદ વરસાવ્યો હતો. ત્યારથી જ અટકળો ચાલી રહી હતી કે ઇઝરાયલ ગમે ત્યારે બદલાની કાર્યવાહી કરશે. દરમિયાન બેઠકોનો દૌર ચાલતો રહ્યો, અમેરિકા સહિત દેશો ઇઝરાયલને યુદ્ધને વધુ ન ભડકાવવા સમજાવી રહ્યા હતા પરંતુ શુક્રવારે વહેલી સવારે ઇઝરાયલે ઈરાન પર હુમલો કરી નાખ્યો હતો. ઈરાન સાથે તેના બે સહયોગી દેશ પણ ઇઝરાયલના કહેરનો શિકાર બન્યા છે. ઈરાન હવે કેવો જવાબ આપે છે ? તેના પર આખી દુનિયાની નજર છે. ઇઝરાયલ અને ઈરાન યુદ્ધ વધુ ભડક્યું તો યુદ્ધની આગમાં અન્ય દેશો પણ દાઝવાનો ભય છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર ઇઝરાયલે શુક્રવારે ઈરાનનાં અનેક શહેરોને નિશાન બનાવીને મિસાઇલો તથા ડ્રોનથી હુમલો કર્યો હતો. ઈરાનની એક ન્યુક્લિયર સાઇટ નજીક 3 મિસાઇલ ખાબક્યાના અહેવાલ છે. ઈરાનમાં હાઇ એલર્ટ જાહેર કરાયું છે અને એર ડિફેન્સ સિસ્ટમ એક્ટિવ કરવામાં આવી છે. ઈરાનના સરકારી મીડિયા અનુસાર ઈસ્ફહાન શહેરના એરપોર્ટ આસપાસ પ્રચંડ અવાજ સંભળાયો હતો. આ શહેરમાં જ ઈરાનનો ન્યુક્લિયર પ્લાન્ટ છે જેનું નિર્માણ ચીનની મદદથી કરાયાનું કહેવાય છે. અહીં ઈરાનનો સૈન્ય બેઝ પણ છે. ઈરાકમાં બગદાદ નજીક એક ઈમારત ઉપર એરસ્ટ્રાઇક કરવામાં આવી હતી જયાં કથિત રીતે ઈરાન સમર્થિત અનેક જૂથ અને ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સની બેઠક ચાલી રહી હતી. સીરિયામાં દક્ષિણ ભાગમાં અસ સુવેદા અને દારા પ્રાંતોમાં સીરિયાઈ આર્મીનાં ઠેકાણાઓને નિશાન બનાવી હુમલો કરાયો હતો.

ઇ-પેપરના નવા શુલ્ક