• શનિવાર, 11 મે, 2024

ભારતમાં અત્યારે છેલ્લા 45 વર્ષની સૌથી વધુ બેરોજગારી

ધરમપુરની ચૂંટણી સભામાં કેન્દ્ર સરકાર ઉપર પ્રિયંકાના ચાબખાં

 

સુરત તા. 27 (ફૂલછાબ ન્યુઝ) : કેન્દ્રની મોદી સરકારના કાર્યકાળમાં 45 વર્ષની સૌથી વધુ બેરોજગારી ભારતમાં છે. યુવાઓ પાસે નોકરી નથી અને સરકાર ગેરંટીની વાતો કરી લોકોને ભ્રમિત કરી રહી છે. મોદી સરકાર જૂઠ્ઠાણાં ચલાવવામાં હોંશિયાર છે. મતદારો આવા જૂઠ્ઠાણાં અને અપપ્રચારથી દૂરી રહી કોંગ્રેસમાં વિશ્વાસ રાખે તેવી અપીલ વલસાડના ધરમપૂરની ચૂંટણી સભામાં સ્ટાર પ્રચારક પ્રિયંકા ગાંધી વાડરાએ ઉપસ્થિત જનમેદનીને કરી હતી.

જેમ-જેમ રાજ્યમાં લોકસભાની ચૂંટણીનો મતદાનનો દિવસ નજીક આવી રહ્યો છે તેમ-તેમ ચૂંટણી પ્રચાર આક્રમક બની રહ્યો છે. આજે દક્ષિણ ગુજરાતના વલસાડ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલ માટે મત મેળવવા કોંગ્રેસના સ્ટાર પ્રચારક પ્રિયંકા ગાંધી વાડરા આવી પહોંચ્યા હતાં. સુરત એરપોર્ટ પર હેલિકોપ્ટરમાં ખામી સર્જાતા સુરતથી ધરમપુરના દરબારગઢ મેદાન સુધીનું અંતર તેમણે કારમાં કાપ્યું હતું. 

ધરમપુરમાં સવારે દસ કલાકે સભાનું આયોજન કરાયું હતું. પરંતુ, પ્રિયંકાને આવવામાં મોડું થતાં સભા થોડી મોડી શરૂ થઈ હતી. ભારે ગરમીમાં આદિવાસીમાં વિસ્તારમાં આયોજિત ચૂંટણી સભામાં લોકો ઉમટી પડતા પ્રિયંકાએ લોકોનો આભાર માન્યો હતો અને આદિવાસી લોકોની જમીન મોદી સરકારના રાજમાં છીનવાઈ હોવાનો આક્ષેપ શાસકપક્ષ તરફ કર્યો હતો. 

પ્રિયંકાએ દાદી ઈન્દીરા ગાંધીની સ્મૃતિઓ વાગોળતા આદિવાસીઓ માટેનો તેમનો પ્રેમ યાદ કર્યો હતો. તેમણે મોદી સરકાર પર આકરા પ્રહારો કરતાં કહ્યું હતું કે, હાલની કેન્દ્ર સરકાર સૌથી વધુ દંભી અને જૂઠ્ઠાણા ચલાવનારી સરકાર છે. મોદી સરકાર વિકાસના જૂઠ્ઠાણા ચલાવી લોકોને ગુમરાહ કરી રહી છે. વાસ્તવિકતા તો એ છે કે, 45 વર્ષમાં ક્યારેય ન હોય તેવી બેરોજગારી અત્યારે દેશમાં છે. દેશનો યુવા રોજગારી ઇચ્છે છે.

દેશના બંધારણનો હવાલો આપતા કહ્યું હતું કે, દેશ સ્વતંત્ર થયો અને સંવિધાન બન્યું ત્યારે સંવિધાનમાં ખાસ કરીને બધાને સમાન હક મળ્યો છે. પછી એ આદિવાસી હોઈ કે દલિત કે પછી નાનો ખેડૂત હોય કે પછી કોઈ પોતાનો મોટો ધંધાર્થી હોય. લોકોને સમાન અધિકાર માટે સંવિધાન બનાવવા માટે મોટા મોટા મહાપુરૂષો લડયાં હતા. મોદી સરકારના કાળમાં સંવિધાનને તાક પર રાખી ખેડૂત હોય કે આદિવાસી દરેકની જમીન, જળ પચાવી પાડવાનું કૃત્ય આચરવામાં આવ્યું છે. મોદી સરકાર સંવિધાનમાં બદલાવ કરવાનું જે કૃત્ય કરવાનો વિચાર ધરાવી રહી છે તે લોકશાહીના મૂલ્ય અને સમગ્ર તંત્રને દુર્બળ બનાવવાનું આયોજનબદ્ધ કાવતરું છે. લોકોએ આવા વિચારો ધરાવનારાઓને બહારનો રસ્તો દેખાડવો જોઈએ. 

તેમણે એ પણ કહ્યું હતું કે, છેલ્લા 10 વર્ષમાં બહુ મોટી મોટી વિકાસની વાતો થઈ છે. વાસ્તવમાં સામાન્યજનના જીવનમાં કોઈ તરક્કી થઈ નથી. લોકોને પૂરતો ન્યાય આ સરકારમાં મળ્યો નથી. કર્ણાટક, તેલંગાણા, હિમાચલ પ્રદેશ અને છત્તીસગઢમાં અમારી સરકારે ચુંટણી પહેલા જે ગેરંટી આપી હતી તે વચન પૂર્તિ કરી દેખાડયું છે.

મોદી સરકારે ઈલેક્ટોરલ બોન્ડની સ્કીમ બહાર પાડી હતી. જેમાં શાસકપક્ષે ઉદ્યોગપતિ મિત્રોને કહ્યું હતું કે, નામ ગુપ્ત રહેશે. ઉદ્યોગપતિઓએ કરોડો રૂપિયા આપી દીધા હતા. પરંતુ સુપ્રીમ કોર્ટે નામ બહાર લાવવાનું કહ્યું તો એવા લોકોના નામ બહાર આવ્યા હતાં જેમાં કોરોના વેક્સિન બનાવનાર સહિતના દરોડા પાડીને રૂપિયા લેવામાં આવ્યાં હતાં. આ બધું સામે આવ્યું તો પણ મોદી સરકાર પારદર્શિતાનું ગાણું ગાઈ રહી છે જે તેના જૂઠ્ઠાણાનો પર્દાફાશ કરે છે. 

ચોપર બગડતા કારમાં ધરમપુર પહોંચ્યા પ્રિયંકા

આજે ચૂંટણી સભા સંબોધવા માટે પ્લેન મારફતે સુરત એરપોર્ટ પર આવી પહોંચેલા કોંગ્રેસના સ્ટાર પ્રચાર પ્રિયંકા ગાંધી વાડરા માટે સુરતથી ધરમપુર જવા માટે હોલિકોપ્ટરની વ્યવસ્થા કરાઈ હતી. પરંતુ અંત સમયે ચોપરમાં ખામી સર્જાતા પ્રિયંકાએ સુરતથી ધરમપુર સુધીનું અંતર રોડ માર્ગે કાપ્યું હતું. આકરી ગરમીમાં સભા સ્થળે પ્રિયંકાને પહોંચવામાં મોડું થતાં લોકો થોડા અકળાયા હતા પરંતુ અંત સુધી બેસી રહ્યાં હતાં.

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

રાજ્યમાં 25 આંગડિયા પેઢી પર CID ક્રાઈમના દરોડા : 15 કરોડની રોકડ : સોનું કબજે 200 કરોડના હવાલા પડયાની શક્યતા May 11, Sat, 2024